OBC ને પ્રદેશ પ્રમુખ-આદિવાસીને વિપક્ષી નેતા બનાવી કોંગ્રેસે પરંપરાગત વૉટબેન્કનું ‘બ્રહ્માસ્ત્ર’ કર્યું તૈયાર

04 December 2021 12:21 PM
Rajkot Politics
  • OBC ને પ્રદેશ પ્રમુખ-આદિવાસીને વિપક્ષી નેતા બનાવી કોંગ્રેસે પરંપરાગત વૉટબેન્કનું ‘બ્રહ્માસ્ત્ર’ કર્યું તૈયાર

* ‘ખામ’ થીયરીની રીમેક : હવે પાટીદાર, ઓબીસી, દલિત અને આદિવાસી મતદારોને પડખે લેવાનો વ્યુહ

* ચારમાંથી એક પણ ઝોનમાં અસંતોષનો ચરું ન ઉકળી ઉઠે તે માટે કાર્યકારી પ્રમુખ બનાવવાનો કીમિયો પણ અપનાવાશે: સૌરાષ્ટ્રમાં જુનિયર પણ દોડતાં નેતાને સોંપાઈ શકે જવાબદારી

* 2017માં પાટીદાર આંદોલને કોંગ્રેસને જબરો ફાયદો પહોંચાડ્યો પણ તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડેલા ફટકાને કારણે કોંગ્રેસે ફરી પોતાને સમર્પિત મતદારો તરફ મુકી દોટ

* બન્ને હોદ્દા માટે અનેક નામો ચર્ચામાં હોવા છતાં જૂનાને રિપિટ કરવાની જગ્યાએ નવાને તક આપી ‘નવસર્જન’નું સૂત્ર સાર્થક કર્યાનો પણ ગણગણાટ: બન્ને નેતા લડાયક હોવાથી ચૂંટણીમાં ફાયદો મળશે તેવો પક્ષને આશાવાદ

રાજકોટ, તા.4
ઘણા લાંબા સમયની મહેનત-મશ્ક્કત બાદ અંતે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની પસંદગી ઉપર મંજૂરીની મહોર લગાવી દીધી છે. કોઈપણ પક્ષ હોય ખાસ કરીને તે પ્રદેશ પ્રમુખની પસંદગી ચૂંટણીઓમાં થનારા ફાયદાને ધ્યાનમાં રાખીને જ કરતો હોય છે ત્યારે કોંગ્રેસે પણ આગામી ચૂંટણીને જોતાં જ પ્રદેશ પ્રમુખ તરીકે લડાયક ગણાતાં નેતા અને ઓબીસી-ક્ષત્રિય નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપી છે. જ્યારે આદિવાસી મતદારોને પોતાની તરફે ખેંચી લાવવા કોંગ્રેસે વિપક્ષી નેતાનું પદ સુખરામ રાઠવાને સોંપ્યું છે. આમ કરીને તેણે પોતાની પરંપરાગત વોટબેન્કને સાધી લેવાનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર કરી લીધું હોવાનું પણ રાજકીય પંડિતો કહી રહ્યા છે.

એ વાત તો સૌ કોઈ જાણે છે કે કોંગ્રેસ માટે ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ એટલે કે ‘ખામ’ મતદારો હંમેશ માટે ‘વફાદાર’ રહ્યા છે અને આ મતદારોને પક્ષ ક્યારેય દૂર થવા દેવાનું જોખમ લેતો નથી એટલા માટે જ તેમણે ઓબીસી-ક્ષત્રિય અને આદિવાસી નેતાને મહત્ત્વના પદની સોંપણી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ અને એસસી-એસટી મતદારો ઉપર કોંગ્રેસની સારી પકડ રહી છે. ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર જેવા નેતાને ગુમાવ્યા બાદ જગદીશ ઠાકોરના રૂપમાં તેની ભરપાઈ કોંગ્રેસે કરી લીધી છે. બીજી બાજુ આદિવાસી સમાજ કોંગ્રેસ પ્રત્યે ઘણા લાંબા સમયથી મોઢું ફેરવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું કેમ કે આ જ્ઞાતિના નેતાને નેતૃત્વ સોંપાતું જ નહોતું જેના કારણે કોંગ્રેસે આ દિશામાં ધ્યાન આપી સુખરામ રાઠવાને વિપક્ષી નેતા બનાવ્યા છે. આમ કરવાથી આદિવાસી કાર્યકરોમાં નવું જોમ પૂરાશે તેવો આશાવાદ પણ કોંગ્રેસ રાખી રહી છે.

ભલભલા રાજકીય ધૂરંધરોને ભોંભીતર કરી દેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ કોંગ્રેસના જે ‘બ્રહ્માસ્ત્ર’ને ભેદી નથી શક્યા તે ‘ખામ’ થીયરીથી જ ફરી ચૂંટણી જીતવા કોંગ્રેસ તાકાત લગાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ થઈ ત્યારે જ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ લોબિંગ કરીને હાઈકમાન્ડ પર દબાણ કર્યું હતું કે નેતા તો બક્ષીપંચનો જ હોવો જોઈએ. આ રેસમાં અનેક નેતાઓના નામ ચાલી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે જૂના એક પણ નેતાને તક ન આપીને નવાને જ આ મહત્ત્વની જવાબદારી સોંપવાનું સાહસ બતાવ્યું છે ત્યારે તે કેટલું કારગત નિવડે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ કોંગ્રેસમાં સાચે જ ‘નવસર્જન’ થયું હોવાનું અત્યારે રાજકીય પંડિતો માનવા લાગ્યા છે.

2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને 100થી નીચે લાવવામાં સફળ નિવડી હતી. જો કે તે વેળાએ પાટીદાર આંદોલનનો ‘કરંટ’ ભાજપને લાગી ગયો હોવાને કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જો કે જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બધું થાળે પડતું ગયું હોય તેવી રીતે તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો જ્વલંત વિજય અને કોંગ્રેસનો જે રીતે રકાસ થયો તેને જોતાં કોંગ્રેસ હવે પાટીદારો ઉપર જ નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના પરંપરાગત મતદારો તરફ વધુ ધ્યાન આપવા લાગી હોવાની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં શરૂ થઈ જવા પામી છે.

દરમિયાન કોંગ્રેસ આગામી સમયમાં ચારેય ઝોનમાંથી એક પણ ઝોનમાં અસંતોષનો ચરુ ન ઉકળવા લાગે તે માટે કાર્યકારી પ્રદેશ પ્રમુખની નિમણૂક કરે તેવી તૈયારી પણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તેમાં પણ જૂના નેતાઓની જગ્યાએ જુનિયર નેતાને તક મળે તેવું લાગી રહ્યું છે. જો કે આ માટે દોડતાં નેતાઓને જ પસંદ કરાશે તેવું પક્ષના સૂત્રો જણાવી રહ્યા છે.

અસંતોષની કોઈ વાત જ નથી, પ્રસંગો હોવાને લીધે બેઠકમાં ન્હોતા ગયા: ધારાસભ્યોની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામ ઉપર પસંદગીનો કળશ ઢોળવા માટે ધારાસભ્યોની ગાંધીનગર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. જો કે તેમાં 15 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહેતાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડી લીધું હતું. દરમિયાન ‘સાંજ સમાચાર’ દ્વારા સૌરાષ્ટ્રના ધારાસભ્ય લલિત કગથરા, વીરજી ઠુમ્મર અને અમરીશ ડેરનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું કે અસંતોષની કોઈ વાત જ નથી. અત્યારે લગ્નસરાની સીઝન ચાલતી હોવાને કારણે ધારાસભ્યોના કાર્યક્રમ પહેલાંથી જ નક્કી થઈ ગયા હતા. બીજી બાજુ પક્ષે આગલા દિવસે જ બેઠકમાં હાજર રહેવાની જાણ કરતાં અગાઉ નક્કી થયેલા કાર્યક્રમો રદ્દ થઈ શકે તેમ ન હોવાને લીધે પહોંચી શક્યા નહોતા. અમરીશ ડેરે કહ્યું કે મને ચાર વાગ્યે બેઠકમાં પહોંચવાનું કહેવાયું હતું પરંતુ હું છેક બેઠક પૂરી થઈ ત્યારે છ વાગ્યે પહોંચ્યો હતો.

સૌરાષ્ટ્રમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે વીરજી ઠુમ્મરનું નામ આગળ: અમરીશ ડેરે કહ્યું, હું આ જવાબદારી માટે હજુ તૈયાર નથી
કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ચારેય ઝોનમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં આ જવાબદારી માટે સિનિયર નેતા વીરજી ઠુમ્મરનું નામ આગળ ચાલી રહ્યું છે. દરમિયાન આ અંગે અમરીશ ડેરને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મારી બેઠક ભાજપનો ગઢ ગણાય છે એટલા માટે હું આ વખતે પણ તેમાં જીત મેળવવા ઉપરાંત આસપાસની બેઠકો જાળવી રાખવા માટે મહેનત કરીશ. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખની જવાબદારી વિશે તેમણે કહ્યું કે હું અત્યારે માનસિક રીતે આ માટે તૈયાર નથી આમ છતાં પક્ષ મને કહેશે તો હું જરૂર વિચારણા કરીશ.


Related News

Loading...
Advertisement
Advertisement