ધ્રોલ પોલીસ મથકમાં શાપરના રાજન સુરાણીનો આપઘાત: ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારતા પરિવારજનો

04 December 2021 12:47 PM
Rajkot Crime
  • ધ્રોલ પોલીસ મથકમાં શાપરના રાજન સુરાણીનો આપઘાત: ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારતા પરિવારજનો

જામનગરની યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં પૂછપરછ માટે બોલાવ્યો, ત્યારે યુવાન બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકમાં આવ્યો હોવાનો પોલીસનો દાવો: પરિવારને વાત ગળે નથી ઉતરતી

યુવતી સાથે છએક મહિનાથી પરિચયમાં આવેલા રાજનને પ્રેમ સંબંધ હોવાની ચર્ચા, પરંતુ પોલીસના દાવા મુજબ યુવતીએ જ યુવાન વિરુદ્ધ અરજી આપી હતી : ધ્રોલ પોલીસ મથકે યુવાન ઢળી પડતા પીએસઆઈ જાડેજા સહિતના સ્ટાફે તેને ધ્રોલ હોસ્પિટલ બાદ જામનગર સિવિલમાં ખસેડતા તબીબોએ તપાસી મૃત જાહેર કર્યો

રાજકોટ, તા.4
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં શાપર વેરાવળ રહેતા રાજન સુરાણી નામના યુવાને આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. જામનગરની યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યારે યુવાન બહારથી ઝેરી દવા પી પોલીસ મથકમાં આવ્યો હોવાનો પોલીસે દાવો કર્યો છે. જોકે આ પરિવારને વાત ગળે ન ઉતરતા ફોરેન્સિક પેનલ પોસ્ટપોર્ટમ કરાયું હતું. યુવતી સાથે છએક મહિનાથી પરિચયમાં આવેલા રાજનને પ્રેમ સંબંધ હોવાની ચર્ચા છે. પરંતુ પોલીસના દાવા મુજબ યુવતીએ જ યુવાન વિરુદ્ધ અરજી આપી હતી.

પોલીસે કરેલા દાવા મુજબ પ્રેમ પ્રકરણના મામલામાં એક યુવતીની અરજી આવી હોવાથી વાળંદ યુવાન રાજન નગીનભાઈ સુરાણી(ઉ.વ.23, રહે. સૂર્યોદય હાઉસીંગ સોસાયટી, શાપર - વેરાવળ, મૂળ વાઘપર, મોરબી)ને ધ્રોલ પોલીસે આજે બપોરે પૂછપરછ માટે ધ્રોલ બોલાવ્યો હતો. યુવાન રાજકોટના વાવડી ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સીએનસી યુનિટમાં કામ કરતો હતો. જ્યાંથી તે ગઈકાલે બાઈક લઈ ધ્રોલ પોલીસ મથકે લગભગ બે વાગ્યે આસપાસ પહોંચ્યો હતો. અહીં આવતા જ તેની પૂછપરછ શરૂ થઈ હતી. તે દરમિયાન જ યુવાન ઢળી પડતા અને તેને કોઈ ઝેરી દવા પીધી હોવાનું જણાતા તુરંત યુવાનને ધ્રોલ પીએસઆઈ એમ.એન. જાડેજા સહિતના સ્ટાફે ધ્રોલ હોસ્પિટલ બાદ જામનગર સિવિલમાં ખસેડતા તબીબીઓ તપાસી મૃત જાહેર કર્યો હતો.

બનાવ અંગે મૃતકના પિતા નગીનભાઈ ધનજીભાઈ સુરાણી (ઉ.વ.49)એ જણાવ્યું હતું કે મને પાંચેક વાગ્યા આસપાસ ધ્રોલ પોલીસમાંથી કોઈનો ફોન આવેલો અને જણાવેલ કે તમારો પુત્ર રાજન ધ્રોલ પોલીસ મથકે છે. તમે અહીં આવો જેથી નગીન ભાઈ લગભગ સાતેક વાગ્યે ત્યાં ધ્રોલ પોલીસ મથકે પહોંચતા પોલીસે છેક ત્યારે હકીકત જણાવી હતી કે હવે મારો પુત્ર આ દુનિયામાં નથી તેનું ઝેરી દવા પી જતા મોત થયું છે. જેથી પોલીસ જ મને ગાડીમાં બેસાડી જામનગર લઈ ગઈ હતી અને મેં જામનગર પહોંચી મારા પુત્રનો મૃતદેહ જોયો હતો. ત્યાં ડે. કલેકટર પણ હાજર હતા અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ હતા. નગીનભાઈએ દાવો કર્યો છે કે, મને પોલીસે જણાવ્યું કે તમારા છોકરાને છ મહિનાથી યુવતી સાથે પરિચય હતો.

યુવતીના પરિવારને જાણ હોવા છતાં રાજનના પિતા હોવાના નાતે તેમણે મારો સંપર્ક કર્યો નહીં. પોલીસે પણ મારા પુત્રને બોલાવતા પહેલા મને જાણ નહોતી કરી અને મારો પુત્ર આમ દવા પી લ્યે તે વાત મારા ગળે ઉતરતી નથી. જેથી અમે મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી જોકે ઉચ્ચ અધિકારીઓએ અમને બાંહેધરી આપી છે કે તપાસ થશે તેથી અમે પોસ્ટમોર્ટમ બાદ આજે સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.રાજનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેના મૂળ વતન મોરબીના વાઘપર ખાતે લઈ જવાયો છે. રાજન બે ભાઈમાં મોટો હતો. આશાસ્પદ યુવાનના મોતથી વાળંદ પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ તરફ ડીવાયએસપી જે. એસ. ચાવડાએ આ આપઘાત મામલે કોઈનું દબાણ હતું કે કેમ? એ અંગે તપાસ શરૂ કરી છે.

તસ્વીરમાં યુવાન રાજન સુરાણીનો મૃતદેહ, તેમના પિતા નગીનભાઇ, જી.જી. હોસ્પિટલે એકત્ર થયેલ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે અને ધ્રોલ પોલીસ મથકનો ફાઇલ ફોટો (તસ્વીર : હિતેષ મકવાણા)

મૃત્યુ નોંધમાં સ્થળ પોલીસ મથક ન લખાયું
ઉલ્લેખનીય છે કે, અપઘાતમાં મૃત્યુ નોંધ લખતી વખતે અંતિમ સ્થળે જ્યાં જે તે વ્યક્તિ મળી આવતા હોય તે સ્થળ લખાય છે. જોકે રાજન સુરાણીની મૃત્યુ નોંધ ધ્રોલ પોલીસ મથકે નોંધાઈ છે. છેલ્લે રાજન ત્યાં જ ઢળીને બેભાન થયો હતો પરંતુ સ્થળમાં ધ્રોલ પોલીસ મથકનો ઉલ્લેખ નથી દર્શાવ્યો.

પોલીસે વિગતો આપવાનું ટાળ્યું, મામલો દબાવવા પ્રયાસ
આખા પ્રકરણ પર ઢાંકપિછોડો કરવા પોલીસે સમગ્ર પ્રકરણને દબાવવા ખૂબ પ્રયાસ કર્યા, મીડિયાને વિગતો આપવાનું પણ ટાળ્યું છે. અરજી કરી પ્રકારની હતી તેમાં શુ આક્ષેપો હતા તે તમામ વસ્તુ જણાવાઈ નથી. મીડિયાને મૃતકના પરિવારથી દૂર રાખવા જીજી હોસ્પિટલમાં સ્થાનિક પોલીસ, એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ બંદોબસ્તમાં રખાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement