રાજકોટ ભાજપમાં ‘બે ભાગલા’ની વધુ એક સાબીતી: હવે બાર એસોસીએશનની ચૂંટણીમાં બે જૂથની તાકાતના પારખા

04 December 2021 03:47 PM
Rajkot Politics
  • રાજકોટ ભાજપમાં ‘બે ભાગલા’ની વધુ એક સાબીતી: હવે બાર એસોસીએશનની ચૂંટણીમાં બે જૂથની તાકાતના પારખા

* ભાજપને સમર્થિત અનિલ દેસાઈ પ્રેરિત અર્જુન પટેલ પેનલના કાર્યાલયનું ઉદઘાટન રામભાઈ મોકરીયા- ગોવિંદ પટેલ કરશે

* દિલીપ પટેલ- અંશ ભારદ્વાજ સહિત ભાજપ લીગલ સેલ સમર્થિત પેનલ સામે ખુલ્લો જંગ

રાજકોટ તા.4
રાજકોટ ભાજપમાં અંદરખાને બધુ ‘બરાબર’ ન હોવાના તથા આગેવાનોમાં બે ભાગલા થઈ ગયા હોવાની સાબીતી આપતા વધુ ઘટનાક્રમ બની રહ્યા હોય તેમ હવે રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં પણ આંતરિક બખડજંતરના સંકેત છે.

પ્રમુખપદ સહિતના હોદ્દાઓની ભાજપને જ સમર્થિત વકીલોના એક ગ્રુપની પડખે સાંસદ રામભાઈ મોકરીયા તથા ધારાસભ્ય ગોવિંદ પટેલ ચડયા છે. પુર્વ સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્ર એસ. ભારદ્વાજ- દિલીપ પટેલ સહિત ભાજપ લીગલ સેલ સમર્થિત પેનલ પણ સામે મેદાને આવવાની છે ત્યારે ભાજપના જ બે જુથની તાકાતના પારખા થવાના નિર્દેશ છે.

બાર એસોસીએશનની 17મીએ યોજાનારી ચૂંટણી માટે પ્રમુખપદ સહિતના છ હોદ્દાઓ માટે અર્જુન પટેલની પેનલે ઉમેદવારી નોંધાવી હતી. આ પેનલને ભાજપને જ સમર્થિત એવા અનિલ દેસાઈ વગેરેનું સમર્થન છે. આ પેનલના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન આવતીકાલે રાખવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે સાંસદ રામભાઈ મોકરીયા તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે તે ખુલ્લુ મુકાનાર છે.

આ ચૂંટણીમાં અમીત ભગતની પેનલે પણ ઝુકાવનાર છે. આ પેનલના દિલીપ પટેલ- અંશ ભારદ્વાજ સહિત ભાજપ લીગલ સેલનું સમર્થન છે. આ સંજોગોમાં દેખીતી રીતે ભાજપના જ બે જૂથો વચ્ચે શક્તિ પરીક્ષણ થશે. એવા નિર્દેશ છે કે ચૂંટણીમાં હજુ એક ત્રીજી પેનલ પણ મુકાવવાની છે. ત્રિપાંખીયો જંગ નિશ્ર્ચિત મનાય છે પરંતુ મહત્વની બાબત ભાજપની જ બે પેનલોની ઉમેદવારીની બની જાય છે.

ગુજરાત ભાજપમાં સતાના સમીકરણો બદલાયા બાદ રાજકોટમાં પણ બે જૂથ પડી ગયા હોવાની ચર્ચા થઈ જ રહી છે. સાંસદ રામભાઈ મોકરીયાએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરિક રાજકારણમાં પણ રસ લીધો હતો. કારોબારી બેઠક ઉપરાંત સામાજીક કાર્યક્રમોમાં પણ પાર્ટીના આગેવાનોમાં બે ભાગ પડી ગયા હોવાની છાપ ઉપસતી રહી હતી.

હવે આ જૂથવાદ વકીલો સુધી પહોંચ્યાનું માનવામાં આવી રહ્યું છે. આવતા દિવસોમાં કેવાક વળાંક આવે છે તેના પર ખુદ ભાજપના આગેવાનો-કાર્યકરો પણ નજર માંડવા લાગ્યા છે. સહકારીની જેમ લીગલ મોરચે પણ પ્રદેશ ભાજપની કોઈ સૂચના નહીં આવે ને? તેવી ટીપ્પણીઓ પણ થવા લાગી છે.


Related News

Loading...
Advertisement
Advertisement