ગુજરાતમાં ‘ઑમિક્રોન’ની એન્ટ્રી: જામનગરના વૃદ્ધ પોઝિટીવ

04 December 2021 04:07 PM
Jamnagar Gujarat
  • ગુજરાતમાં ‘ઑમિક્રોન’ની એન્ટ્રી: જામનગરના વૃદ્ધ પોઝિટીવ

* 72 વર્ષીય વૃદ્ધ ઝીમ્બાબ્વે ગયા બાદ પરત મુંબઈ અને ત્યાંથી અમદાવાદ પહોંચ્યા બાદ કોરોનાગ્રસ્ત થયા’તા: 48 કલાક પહેલાં જીનોમ સિક્વેન્સીંગ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તંત્રમાં દોડધામ

* વૃદ્ધને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા: અત્યારે તબિયત સ્થિર: પરિવારના 10 લોકોનો ટેસ્ટ નેગેટિવ: 87 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાયું

રાજકોટ, તા.4
કોરોનાએ માંડ એકાદ મહિનો ‘શાંતિ’ જાળવ્યા બાદ ફરીથી ‘ઉપાડો’ લેવાનું શરૂ કર્યું હોય તેમ આફ્રિકામાંથી ઉદ્ભવેલા ‘ઑમિક્રોન’ નામનો વેરિયેન્ટ તરખાટ મચાવવા લાગ્યો છે. ભારતમાં સૌથી પહેલો કેસ કર્ણાટકમાં નોંધાયા બાદ હવે આ વાયરસ સૌરાષ્ટ્રમાં પણ પ્રવેશી ગયો છે. જામનગરમાં 74 વર્ષીય વૃદ્ધ કે જેઓ ઝીમ્બાબ્વે ગયા હતા તેમને કોરોના થયા બાદ જિનોમ સિક્વેન્સીંગ માટે તેમનું સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું જે પોઝિટીવ આવતાં તંત્ર તેમજ સરકારમાં દોડધામ મચી જવા પામી છે.

અત્યારે વૃદ્ધને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ ઉપર રહેતાં 74 વર્ષીય વૃધ્ધ થોડા દિવસ પહેલાં કામસર ઝીમ્બાબ્વે ગયા હતા. ઝીમ્બાબ્વેથી પરત ફરતી વખતે સૌથી પહેલાં તેઓ દુબઈ ગયા હતા. દુબઈથી અમદાવાદ પરત ફર્યા બાદ તેઓ મોટરમાર્ગે જામનગર પરત ફર્યા હતા.

જામનગર પહોંચ્યા બાદ તેમને શરદી-ઉધરસ જોવા મળતાં તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટીવ આવતાં તેમને આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા. આ પછી તેમનામાં ઑમિક્રોનની શંકા જણાતાં તેમનું સેમ્પલ 48 કલાક પહેલાં એટલે કે 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં જિનોમ સિક્વેન્સીંગ માટે મોકલવામાં આવ્યું હતું. ઑમિક્રોનનો રિપોર્ટ પોઝિટીવ આવતાં વૃધ્ધને તુરંત જ જી.જી.હોસ્પિટલના અલગ વોર્ડમાં ખસેડીને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તેમના પરિવારના 10 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા 87 લોકોને પણ ટ્રેસ કરીને તેમના ટેસ્ટ કરવા માટે તંત્રએ તજવીજ શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર જ નહીં બલ્કે ગુજરાતમાં ઑમિક્રોનનો પહેલો કેસ મળી આવતાં સરકારમાં પણ દોડધામ થઈ જવા પામી છે. બીજી બાજુ વિદેશથી આવનારા લોકો ઉપર બાજનજર રાખીને તેમનું ધડાધડ ટેસ્ટીંગ કરવાનું પણ શરૂ કરી દેવાયું છે.

વૃદ્ધને સામાન્ય શરદી-તાવ-ઉધરસ, ગંભીર લક્ષણો જોવાં મળ્યાં નથી: ડૉ.ચેટરજી
જામનગરની જી.જી.હાફેસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.ચેટરજીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 72 વર્ષીય વૃધ્ધ ઝીમ્બાબ્વેના પ્રવાસેથી પરત ફર્યા બાદ જામનગર આવીને તબિયત બગડતાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો છે જે પોઝિટીવ આવતાં તેમને હોસ્પિટલાઈઝ કરાયા છે. વૃદ્ધે સૌથી પહેલાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવ્યા બાદ તેઓ જી.જી.હોસ્પિટલમાં આવ્યા હતા તેથી નવેસરથી તેમનો રિપોર્ટ કરવામાં આવતાં તે પણ પોઝિટીવ નીકળતાં તેમનું સેમ્પલ જીનોમ સિક્વેન્સીંગ માટે મોકલવામાં આવ્યું છે.

ખાનગી લેબોરેટરી દ્વારા જે સેમ્પલ લેવાયું તે ગાંધીનગર અને જી.જી.હોસ્પિટલ દ્વારા જે સેમ્પલ લેવાયું તેને પૂના મોકલવામાં આવ્યું છે. જો કે હજુ પૂનાથી સેમ્પલ આવવાનું બાકી છે. અત્યારે વૃધ્ધની તબિયત વિશે વાત કરીએ તો તેમનામાં કોઈ જ પ્રકારનાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી અને શરદી-ઉધરસ તેમજ હળવો તાવ જ જોવા મળી રહ્યો છે. અત્યારે તેમને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં અત્યારે એકમાત્ર દર્દી દાખલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વૃદ્ધને વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં ઑમિક્રોન ‘અડી’ ગયો !
જાણવા મળ્યા પ્રમાણે જામનગરના જે વૃદ્ધને ઑમિક્રોન વેરિયેન્ટ ‘અડી’ ગયો છે તેમણે વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે આમ છતાં તેઓ કોરોનાગ્રસ્ત થતાં ફરી એક વખત વેક્સિનના કારગતતા ઉપર પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયો છે. જો કે એક વાત એ પણ મહત્ત્વની છે કે ઑમિક્રોન થવા છતાં 72 વર્ષીય વૃદ્ધમાં અત્યારે ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા નથી અને તેના પાછળ વેક્સિનની ‘તાકાત’ જ જવાબદાર હોવાનું તબીબો માની રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ રાજકોટમાં, ઑમિક્રોનના પહેલાં દર્દી પણ સૌરાષ્ટ્રના
કોરોનાનો સૌથી પહેલાં કેસ પર જો નજર કરવામાં આવે તો તે રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાંથી નદીમ નામના દર્દીમાંથી મળી આવ્યો હતો. જ્યારે હવે ઑમિક્રોન વેરિયેન્ટના પહેલાં દર્દી પણ સૌરાષ્ટ્રના જ મળતાં બન્નેના પહેલાં કેસ સાથે સૌરાષ્ટ્રનું કનેક્શન જોડાઈ ગયું છે. નોંધનીય એ પણ છે કે ઑમિક્રોનનો પહેલો કેસ કર્ણાટકમાંથી મળ્યો છે પરંતુ ગુજરાત-સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો પહેલો કેસ જામનગરમાંથી મળી આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement