ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો ઈન્કમટેકસના સાણસામાં આવશે

04 December 2021 04:12 PM
India
  • ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો ઈન્કમટેકસના સાણસામાં આવશે

રોકાણને ઈન્કમટેકસ રીટર્નમાં દર્શાવવાનું ફરજીયાત બનાવવા આવકવેરા કાયદામાં સુધારો કરવા તૈયારી

નવી દિલ્હી તા.4
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન સંબંધી કોઈ કાયદો ન હોવા છતાં તેમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરોને સાણસામાં લેવા આવકવેરા કાયદાની કલમ 26એ માં સુધારો કરવાની વિચારણા શરુ કરવામાં આવી છે જે અંતર્ગત આવકવેરા રીટર્નમાં તે દર્શાવવાનું ફરજીયાત બનશે.

નાણામંત્રાલયના આધારભૂત સૂત્રોએ કહ્યું કે ભારતમાં કે ભારતની બહાર ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટરોને સાણસામાં લેવાનો ઈરાદો છે. આવકવેરાની કલમ 26 એ તથા એન્યુઅલ ઈન્ફોર્મેશન રેગ્યુલેશનમાં સુધારો કરાશે. આ સુધારા હેઠળ ક્રિપ્ટોકરન્સી સહિત તમામ રોકાણને રીટર્નમાં દર્શાવવાનું ફરજીયાત બનશે.

અત્યારે આ જોગવાઈ હેઠળ તમામ રોકાણ દર્શાવવાનું ફરજીયાત છે જ હવે તેમાં ક્રિપ્ટોકરન્સી, ક્રિપ્ટો એસેટસ તથા ડીજીટલ કરન્સી એવા ત્રણ શબ્દો ઉમેરવામાં આવશે અર્થાત ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કે ટ્રેડીંગની માહિતી આપવી પડશે. એન્યુઅલ ઈન્ફોર્મેશન રેગ્યુલેશનમાં બે લાખથી અધિકનું રોકાણ દર્શાવવાનું ફરજીયાત હોય છે.

અત્યારે ક્રિપ્ટોકરન્સીનું રોકાણ દર્શાવવા કોઈ કાયદાકીય જોગવાઈ નથી. કાયદામાં સુધારો થવાના સંજોગોમાં ઈન્કમટેકસ બેંક ઝોનલ મારફત રોકાણની માહિતી મેળવી શકશે. ભારત બહાર ક્રિપ્ટો રોકાણ પર ટેકસ જોગવાઈ લાગુ કરવા ફોરેન એસેટ ડીસ્કલોઝર નિયમ પણ બદલાવાશે.

ક્રિપ્ટોકરન્સીમાં અસામાન્ય કડાકો !
બીટકોઈનમાં એક જ કલાકમાં 10,000 ડોલરનું ગાબડું
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ગભરાટથી શેરબજારની સાથોસાથ હવે ક્રિપ્ટોકરન્સીમાં પણ અસામાન્ય કડાકો સર્જાયો છે. બીટકોઈનમાં માત્ર એક જ કલાકમાં 10,000 ડોલરનું ગાબડું પડયું હતું.

બીટકોઈનમાં ગભરાટભરી વેચવાલીથી આજે સવારે ભાવ એક જ કલાકમાં 10,000 ડોલર ગબડીને 42000 ડોલર પર ધસી ગયો હતો જે પછી આંશિક રિકવર થઈને 40693.75 ડોલર સાંપડયો હતો. કરડાનો, સોલાના, ગેલીગોન, શીબામાં પણ 13થી 20 ટકાનો કડાકો હતો. આ સિવાય માર્કેટ કંપની દૃષ્ટિએ નંબર-3 ક્રિપ્ટોકરન્સી એવી ઈથરીયમમાં પણ 15 ટકાનો કડાકો હતો અને ભાવ 3905 ડોલર સાંપડયો હતો.

કોરોના વેરિએન્ટ ઉપરાંત અમેરિકી આર્થિક નીતિમાં બદલાવના સંકેતનો પણ ગભરાટ સર્જાયો હતો. અમેરિકી ફંડ રિઝર્વ વ્યાજદરમાં વધારો ધારણા કરતા વ્હેલો કરવાનો સંકેત આપ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement