પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાષ્ટ્રીયસ્તરે સોંપાશે જવાબદારી

04 December 2021 04:30 PM
Rajkot Gujarat
  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાષ્ટ્રીયસ્તરે સોંપાશે જવાબદારી

મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યાના 84 દિ’ પછી વડાપ્રધાન મોદીની મુલાકાત લેતા રૂપાણી, આગામી વિધાનસભાની ચૂંટણી, રાજકીય ગતિવિધિ સહિતની બાબતે મહત્વપૂર્ણ ચર્ચા

રાજકોટ, તા. 4
રાજયના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યાના 84 દિવસ બાદ વિજયભાઇ રૂપાણીએ પ્રથમવાર દેશના પાટનગર દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત લઇ તેઓની સાથે આગામી વિધાનસભાની ચૂંટણી તેમજ રાજકીય ગતિવિધિઓ સહિતના અનેક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથેની આ મુલાકાત બાદ હવે રૂપાણીને રાષ્ટ્રીયસ્તરે સંગઠનમાં મોટી જવાબદારી સોંપાઇ તેવી અટકળો તેજ બની છે. તેમજ આગામી વર્ષે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓને મહત્વની જવાબદારી સોંપાનાર છે. રૂપાણીની દિલ્હીની આ મુલાકાત દરમ્યાન તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંગઠન મંત્રી ભુપેન્દ્ર યાદવ તેમજ જે.પી.નડ્ડાને પણ તેઓ મળ્યા હતા.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળતા આ બંને મહાનુભાવોની બેઠક દરમ્યાન ગુજરાતની રાજકીય ગતિવિધિઓ ભાજપના સંગઠન આગામી વિધાનસભાની ચૂંટણી સહિતના મુદાઓ પર ચર્ચાઓ થયેલ હતી. આ મુલાકાત બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી સોંપવામાં આવનાર હોવાનું ટોચના રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવેલ હતું કે મને પાર્ટી દ્વારા જે જવાબદારી અપાશે તે સ્વીકારી લઇશ. પરંતુ હવે વડાપ્રધાન મોદી સાથેની રૂપાણીની મુલાકાતથી અનેકવિધ અટકળો વહેતી થયેલ છે. હાલ રાજકોટમાં ભાજપમાં આંતરીક જુથવાદ સપાટી પર આવેલ છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને વડાપ્રધાન મોદીની આ મુલાકાતને સુચક માનવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement