રાજકોટમાં અમદાવાદ જેવી અદ્યતન આર્ટ ગેલેરી બનશે : 7 કરોડનો પ્રોજેકટ

04 December 2021 04:45 PM
Rajkot
  • રાજકોટમાં અમદાવાદ જેવી અદ્યતન આર્ટ ગેલેરી બનશે : 7 કરોડનો પ્રોજેકટ

પદાધિકારીઓને આર્ટ સોસાયટીની ફરી રજુઆત : ડિઝાઇન તૈયાર કરાવતા મેયર : ત્રણ પ્રદર્શન એક સાથે થઇ શકે એવી વ્યવસ્થા-ડો. પ્રદિપ ડવ : ટુંક સમયમાં ગૌરવપૂર્ણ ભેટ મળશે-પુષ્કર પટેલ

રાજકોટ, તા. 4
શહેરના રેસકોર્ષ સંકુલ અંદર આવેલી વર્ષો જુની ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની હાલત ખખડેલી હોય, પ્રદર્શનના કાર્યક્રમો યોજતા કલાકારોને પડતી અગવડતા મામલે ફરી રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા મનપા પદાધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. તો મેયર ડો. પ્રદિપ ડવે બે દિવસ પહેલા આ અંગેની ડિઝાઇન ચકાસીને રાજકોટમાં અમદાવાદ કક્ષાની અદ્યતન આર્ટ ગેલેરી બનશે તેવું જણાવ્યું છે.

આજે મેયરે માહિતી આપતા જણાવ્યું હતું કે રેસકોર્ષની આર્ટ ગેલેરીનું નવનિર્માણ કરવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ સાતેક કરોડના ખર્ચે સાત હજાર ચો.મી.માં બે માળનું બાંધકામ કરવામાં આવશે. એક જ આર્ટ ગેલેરીમાં એક સાથે ત્રણ-ત્રણ એકઝીબીશન જેવા કાર્યક્રમ થઇ શકે તેવું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આ માટેની ડિઝાઇન તુરંત ફાઇનલ કરવામાં આવશે. અમદાવાદ સહિતની આર્ટ ગેલેરીનો મનપાએ અભ્યાસ કર્યો છે. આ કક્ષાની નવી આર્ટ ગેલેરી રાજકોટના કલા જગતને મળશે.

મહાનગરમાં આ સુવિધા સારી બને તે માટે કલા જગત સતત રજુઆત કરે છે. હવે વર્તમાન મેયરના કાર્યકાળમાં જ ર્આ ગેેલેરીનો પ્રોજેકટ પુરો કરવામાં આવશે તેવી ખાતરી આપ્યાનું આર્ટ સોસાયટીના સભ્યોએ કહ્યું હતું. રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશ કયાડા સહિતના સભ્યોએ પદાધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. આ સમયે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે શાસક પક્ષે આ મુદો ખુબ મહત્વનો ગણ્યો છે. રાજકોટમાં જે રીતે ગાંધી મ્યુઝીયમ છે તેવું જ નઝરાણું આર્ટ ગેલેરી પણ બનશે. ગુજરાતની શ્રેષ્ઠ આર્ટ ગેલેરી રાજકોટમાં બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આર્ટ સોસાયટીને સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે મનપા દ્વારા અનેક આર્ટ ગેલેરીના અભ્યાસ કરવામાં આવ્યા છે. તેના પરથી નામાંકિત આર્કિટેકના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. રાજકોટના કલાકારો ગૌરવ લઇ શકે તે પ્રકારની આર્ટ ગેેલેરી રાજકોટમાં નિર્માણ પામશે. પદાધિકારીઓએ આપેલા આશ્વાસન અને શરૂ કરેલા પ્રયાસો બદલ સોસાયટીએ ગૌરવની લાગણી વ્યકત કરી છે.

2018થી આર્ટ ગેલેરીનું રીનોવેશન કરવામાં આવ્યું નથી. ચોમાસામાં પાણી પણ ટપકતું હોય છે. લગભગ પાંચેક વર્ષથી કલાકારો અને ચિત્રકારો આ મામલે સતત રજુઆત કરતા આવ્યા છે. જર્જરીત આર્ટ ગેલેરીમાં ભેજ પણ ઉતરી રહ્યો છે. અમદાવાદ જેવી આર્ટ ગેલેરી બનાવવા સતત રજુઆતો કરવામાં આવતી હતી. મેયરે જણાવ્યું હતું કે એન્ટીક વસ્તુઓ, જવેલરી જેવા પ્રદર્શન માટે વાહનો સીધા આર્ટ ગેલેરીના પાર્કિંગમાં જાય તે પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે. રાજકોટનું કલાજગત સંતુષ્ટ થાય તેવું સમગ્ર આયોજન રહેલું છે.


Related News

Loading...
Advertisement
Advertisement