સરપંચની બેઠક માટે 1300, વોર્ડ સદસ્ય બનવા 5300થી વધુ મુરતીયાના નામાંકન પત્ર

04 December 2021 04:54 PM
Rajkot Saurashtra
  • સરપંચની બેઠક માટે 1300, વોર્ડ સદસ્ય બનવા 5300થી વધુ મુરતીયાના નામાંકન પત્ર
  • સરપંચની બેઠક માટે 1300, વોર્ડ સદસ્ય બનવા 5300થી વધુ મુરતીયાના નામાંકન પત્ર
  • સરપંચની બેઠક માટે 1300, વોર્ડ સદસ્ય બનવા 5300થી વધુ મુરતીયાના નામાંકન પત્ર

રાજકોટ જિલ્લાની 541 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અંતિમ દિ’એ દાવેદારી માટે ઉમેદવારોનો રાફડો

* સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી : મંગળવારે આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે : પોલીંગ-પ્રિસાઈડીંગ સ્ટાફના ઓર્ડર

* રાજકોટ જિલ્લાની 541 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હોય મૂરતીયાઓ દાવેદારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો સાથે ઉમટી પડ્યા હતા. નામાંકન પત્ર ભરવા માટે તાલુકા પંચાયત કચેરી અને જૂની કલેક્ટર કચેરીમાં મોટો જમાવડો થયો હતો. (તસવીર : પંકજ શીશાંગીયા)


રાજકોટ,તા. 4
રાજકોટ જિલ્લાની 541 સહિત રાજ્યની 10879 ગ્રામ પંચાયતોની આગામી તા. 19 ડીસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે નામાંકન પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હોય ઉમેદવારોનો રાફડો ફાટી નીકળતા આ ચૂંટણીનો રંગ પકડાતા રાજકીય ગરમાવો વધી ગયો છે. જેમાં જિલ્લાની પંચાયતોમાં સરપંચની બેઠક માટે 1300 તેમજ વોર્ડ સદસ્ય બનવા માટે 5300થી વધુ મુરતીયાઓએ તેમના નામાંકન પત્ર સબમીટ કરાવી દીધા છે.

ગ્રામ પંચાયતોની આ ચૂંટણીમાં આગામી સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ મંગળવાર સુધી ઉમેદવારો તેમના ફોર્મ પરત ખેંચી શકશે જેથી મંગળવારે સાંજે આ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકામાં 88, કોટડાસાંગાણી તાલુકામાં 40, લોધીકામાં 36, પડધરીમાં 58, જસદણમાં 44, વિંછીયા તાલુકામાં 30, ગોંડલ તાલુકામાં 77, જેતપુર તાલુકામાં 4, ધોરાજી તાલુકામાં 28, ઉપલેટામાં 48 અને જામકંડારણા તાલુકામાં 45 મળી કુલ 541 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હોય જિલ્લામાં રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે.

રાજકોટ તાલુકાની 88 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવા અને સબમીટ કરાવવાના અંતિમ દિવસે આજે તાલુકા પંચાયત કચેરી અને જૂની કલેક્ટર કચેરીમાં મુરતીયાઓ સાથે તેના ટેકેદારો ઉમટી પડયા હતા. સરપંચની બેઠક માટે અત્યાર સુધીમાં 1300 અને ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો બનવા માટે 5300થી વધુ ઉમેદવારોના નામાંકન પત્રો ભરાયા છે. દર વખત કરતાં આ વખતે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે મૂરતીયાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. જો કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ થનાર પંચાયતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય અને પંચાયતો સમરસ થાય તે માટે પણ જે તે ગામોમાં આગેવાનો દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવેલ છે.

રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 27085 મતદાન બૂથો ઉભા કરવામાં આવેલ છે. તેમજ આ ચૂંટણીમાં રાજ્યમાં 10646524 પુરુષ મતદારો અને 10001850 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. રાજકોટ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ માટે પોલીંગ અને પ્રિસાઈડીંગ સ્ટાફના ઓર્ડરો પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement