પોરબંદરના યુવાન સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ નોંધવા પંચકોષી એ ડિવિઝન પોલીસને કોર્ટનો હુકમ

30 December 2021 03:01 PM
Porbandar
  • પોરબંદરના યુવાન સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ નોંધવા પંચકોષી એ ડિવિઝન પોલીસને કોર્ટનો હુકમ

જામનગર તા.30
પોરબંદરના યુવાન સાથે થયેલ કાર અંગેની છેતરપિંડીના કેસમાં ફરિયાદ ન નોંધતી જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસને એફઆઇઆર નોંધવાનો અદાલતે હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ ફરિયાદી પ્રશાંતભાઇ જનકરાય જોષીએ આરોપી જયદિપ ધનજીભાઇ ડોરિયા પાસેથી રેનોલ્ટ ક્વિડ કાર કે જેના નંબર જીજે-13-એએચ-9486 (મોડેલ-2018) ની કાર ખરીદી હતી. તે અંગેનું વેચાણ કરાર કરેલ, અને તેમને બેંક મારફત રકમ ચુકવી હતી. કોરોના કાળના કારણે ફરિયાદી બે હપ્તા ચુકી ગયેલ અને કોરોનાકાળના કારણે આર્થિક સંકડામણમાં હોય કાર વેચવા માંગતા હતાં.

દરમિયાન આ કામના આરોપીનો ફોન આવેલ અને કહેલ કે, ગાડી તમારે વેંચવી છે તો રાજકોટમાં એક ગ્રાહક મારી પાસે છે. જેથી ફરિયાદીએ આરોપીને કાર વેચવાની વાત કરતા આરોપી પોરબંદર આવેલ અને કાર દેખાડવા માટે રાજકોટ માટે જવાનું જણાવતા આરોપી તથા ફરિયાદીના મિત્ર રોહિતભાઇ ભીખુભાઇ વાજા બન્ને પોરબંદરથી રાત્રે 9:30 વાગ્યાથી રાજકોટ જવા માટે નિકળેલ અને જામનગર બાયપાસ ખાતે રાત્રીના 11:30 વાગ્યે પહોંચલ અને ત્યાં બાયપાસ ખાતે આવેલ હોટલમાં જમવા બેઠા હતાં.

ત્યારે આરોપી જયદિપે જણાવેલ કે, મને ગાડીની ચાવી આપો હું ચા પીને આવું છુ, જેથી ગાડીની ચાવી આપતા આરોપી કાર લઇ નિકળી ગયો હતો. ત્યારબાદ પરત ન આવતા પ્રશાંતભાઇ તાત્કાલિક નજીકના ધુંવાવ પોલીસ સ્ટેશને પહોંચેલ જ્યાં પીએસઆઇને આ બાબતની જાણ કરતા તેઓએ જણાવેલ કે, તમારી હકીકત લખાવો જેથી પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદની વિગત લખેલ, ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તથા આરોપી વચ્ચે સમાધાન થયું હતું. જે સમાધાનનું પાલન ન થતાં ફરિયાદીએ જામનગર પંચકોષી એ પોલીસ સ્ટેશન તથા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપી હતી. તેમ છતાં પોલીસ દ્વારા ફરિયાદીની ફરિયાદમાં કોઇ જ પગલાં લેવામાં આવેલ નહીં કે ફરિયાદીની માત્ર અરજી લઇ અને તેમાં પણ પોલીસે કોઇ કાર્યવાહી કરેલ ન હોય જેથી ફરિયાદીએ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.

જે ફરિયાદમાં જામનગરના બીજા એડી. ચીફ. જ્યુડી. મેજી. ખાનચંદાણીએ ફરિયાદ હકીકત ધ્યાને લઇ સીઆરપીસી કલમ 156(3) નીચે જામનગર પંચકોષી એ પોલીસ સ્ટેશનને એફઆઇઆર નોંધવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે જામનગરના વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા રોકાયેલ છે.


Loading...
Advertisement
Advertisement