રેલવે પ્રવાસીઓને મહત્વની સુવિધા : એડવાન્સમાં બુક ટીકીટની તારીખ એક વખત બદલાવી શકાશે

03 January 2022 11:55 AM
India Travel
  • રેલવે પ્રવાસીઓને મહત્વની સુવિધા : એડવાન્સમાં બુક ટીકીટની તારીખ એક વખત બદલાવી શકાશે

બોર્ડિંગ સ્ટેશન તથા પ્રવાસ લંબાવવાની સુવિધા પણ શક્ય

મુંબઈ,તા. 3
પ્રવાસ માટે એડવાન્સમાં રેલવે ટીકીટ બુક કરાવનારા પ્રવાસીઓના કાર્યક્રમમાં ફેરફાર થાય તો ટીકીટ કેન્સલ કરાવીને રીફંડ જ મેળવી લેતા હોય છે પરંતુ હવે રેલવે દ્વારા નવી સુવિધા ઉભી કરવામાં આવી છે જે અંતર્ગત પ્રવાસના શિડ્યુલ મુજબ એક વખત ટીકીટની તારીખમાં પણ બદલાવ થઇ શકશે.

ઇન્ડીયન રેલવેની વેબસાઈટમાં દર્શાવ્યા પ્રમાણે રેલયાત્રીઓ એક વખત ટીકીટની તારીખ બદલાવી શકશે. બુક થયેલી ટીકીટની તારીખ વ્હેલી કે મોડી કોઇપણ કરી શકશે. નિર્ધારિત તારીખના 48 કલાક અગાઉ પ્રવાસીએ રેલવે રિઝર્વેશન પર જવું પડશે અને તારીખ બદલાવી શકશે. જો કે, આ સુવિધા માત્ર ઓફલાઈન ટીકીટમાં જ ઉપલબ્ધ થશે. ઓનલાઈન બુકિંગમાં તેનો લાભ નહીં મળે. આ માટે નિયત ફી ચૂકવવી પડશે.

રેલવે ટીકીટની તારીખ બદલાવવા ઉપરાંત પ્રવાસ-સ્ટેશન લંબાવવા કે બોર્ડીંગ સ્ટેશનમાં ફેરફાર માટે પણ સુવિધા આપવામાં આવી રહી છે. યાત્રા શરુ થવાના 24 કલાક સુધીમાં પ્રવાસી સ્ટેશન માસ્તરની ઓફીસમાં લેખિત અરજી કરીને આ સુવિધા મેળવી શકશે. ઓફલાઈન અને ઓનલાઈન એમ બન્ને પ્રકારના ટીકીટ બુકિંગમાં આ સુવિધા મળશે.

આ ઉપરાંત નિયત સ્ટેશન સુધીની ટીકીટ હોય છતાં આગળ જવું હોય તો તેના માટે પણ સુવિધા છે. આ માટે ટ્રેનમાં જ ટીકીટ ચેકિંગ સ્ટાફનો સંપર્ક કરીને પ્રવાસ લંબાવવાની સુવિધા મેળવી શકશે.

રેલવેને તત્કાલ ટીકીટો મારફત રૂા. 522 કરોડની ધરખમ કમાણી
2020-21ના વર્ષ દરમિયાન રેલવેએ તત્કાલ ટીકીટ મારફત 403 કરોડ તથા પ્રિમીયમ તત્કાલ ટીકીટ મારફત 115 કરોડની કમાણી કરી હતી.ડાયનામીક ભાડા મારફત 511 કરોડની આવક મેળવી હતી.

આરટીઆઈ અરજી પર રેલવેએ આપેલી માહિતી પ્રમાણે ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં રેલવેને ડાયનામીક ભાડા મારફત 240 કરોડ, તત્કાલ ટીકીટથી 353 કરોડ તથા પ્રિમીયમ તત્કાલ ફી પેટે રૂા. 89 કરોડની કમાણી થઇ છે.

2019-20માં ટ્રેનોના નોર્મલ પરિવહન વખતે રેલવેને ડાયનામીક ભાડા પેટે 1313 કરોડ, તત્કાલ ટીકીટથી 1669 કરોડ તતા પ્રિમીયમ તત્કાલ ટીકીટથી 603 કરોડ મળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement