બેંગ્લોરમાં 12-13 ફેબ્રુઆરીએ થશે IPL મેગા ઑક્શન : રાજ્યો પાસેથી 1000થી વધુ ખેલાડીઓના નામ મંગાવાયા

12 January 2022 12:27 PM
India Sports World
  • બેંગ્લોરમાં 12-13 ફેબ્રુઆરીએ થશે IPL મેગા ઑક્શન : રાજ્યો પાસેથી 1000થી વધુ ખેલાડીઓના નામ મંગાવાયા

250 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરીને હરાજી કરાશે: અમદાવાદ-લખનૌની ટીમે બે સપ્તાહમાં ત્રણ-ત્રણ ખેલાડીને પોતાની સાથે જોડવા પડશે

નવીદિલ્હી, તા.12
આઈપીએલ-2022ની સૌથી ખાસ અને મોટી વાત જેની સૌને રાહ છે તેને લઈને ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. બોર્ડે જણાવ્યું છે કે આવતાં મહિનાની 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં આઈપીએલ માટે ખેલાડીઓની મોટી હરાજી કરવામાં આવશે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે આવામાં હરાજીની તારીખને લઈને શંકા હતી જે હવે દૂર કરી દેવાઈ છે. આ વખતે આઈપીએલમાં 8ની જગ્યાએ 10 ટીમો ઉતરી રહી છે. લખનૌ અને અમદાવાદ એમ બે નવી ટીમો ઉમેરાઈ છે એટલા માટે મેચની સંખ્યા પણ 60માંથી વધીને 74 થઈ જશે.

આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું કે હરાજી 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ બેંગ્લોરમાં યોજાશે. આ માટે રાજ્ય ક્રિકેટ એસોસિએશન પાસેથી 1000 ખેલાડીઓના નામ મંગાવવામાં આવ્યા છે જેમાંથી 250 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પાછલા આઠ દિવસમાં 27 ખેલાડીઓને રિટષન કરવામાં આવ્યા છે. ચાર ટીમોએ ચાર-ચાર ખેલાડીઓને પોતાની સાથે જોડ્યા છે. હવે બે નવી ટીમ હરાજી પહેલાં ત્રણ-ત્રણ ખેલાડીઓને પોતાની સાથે રાખી શકશે. ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર લખનૌ સાથે જોડાય તેવી સંભાવના છે તો લેગ સ્પીનર રાશિદ ખાન અમદાવાદ વતી રમી શકે છે.

દરમિયાન વીવોની જગ્યાએ ટાટાને આઈપીએલનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. 2020માં ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ બાદથી ચીની મોબાઈલ કંપનીનો વિરોધ શરૂ થયો હતો. આ પછી એક વર્ષ માટે તેને બહાર કરી દેવાઈ હતી. જો કે પાછલા વર્ષે ફરીવાર વીવોની વાપસી થઈ હતી. દરમિયાન બોર્ડ નવા મીડિયા રાઈટસને લઈને પણ ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે જેનાથી તેને 40 હજાર કરોડ રૂપિયા મળવાની સંભાવના છે.

આ વખતે તમામ ટીમોના પર્સને વધારીને 90 કરોડ રૂપિયા કરી દેવાયું છે મતલબ કે ખેલાડીઓ પર વધુ પૈસા ખર્ચાશે. પાછલ સીઝન સુધી આ પર્સ 85 કરોડ રૂપિયા હતું. એક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડી રાખી શકાશે.


Related News

Loading...
Advertisement
Advertisement