વડોદરાની ચકચારી ઘટના: બસમાં ખેંચી જઈ સગીરા પર દુષ્કર્મ

12 January 2022 03:50 PM
Vadodara Crime
  • વડોદરાની ચકચારી ઘટના: બસમાં ખેંચી જઈ સગીરા પર દુષ્કર્મ

સપ્તાહ પહેલાની વીઆઇપી રોડ પરની ઘટના, બે મિત્રોએ ટ્રાવેલ્સના દરવાજા પર વોચ રાખી અને ત્રીજાએ સગીરાનું શિયળ લૂંટયું હતું : સગીરા અને આરોપીઓ મધ્યપ્રદેશના આદિવાસી પરિવારના અને પરિચિત હોવાથી મામલો પહેલા પંચ સમક્ષ મુક્યો, નિવેડો ન આવતા ભોગ બનનારના કાકાએ ફરિયાદ નોંધાવી

વડોદરા, તા.12
સંસ્કારી નગરી વડોદરામાં એક સગીરાને ત્રણ નરાધમો બસમાં ખેંચીને લઈ ગયા હતા, અને તેની લાજ લૂંટી હતી. સપ્તાહ પહેલાની વીઆઇપી રોડ પરની આ ઘટના છે. જેમાં બે મિત્રોએ ટ્રાવેલ્સના દરવાજા પર વોચ રાખી અને ત્રીજાએ સગીરાનો દેહ પિંખ્યો હતો. સગીરા અને આરોપીઓ મધ્યપ્રદેશના આદિવાસી પરિવારના અને પરિચિત હોવાથી મામલો પહેલા પંચ સમક્ષ મુક્યો હતો અને નિવેડો ન આવતા ભોગ બનનારના કાકાએ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના હરણી રોડ ઉપર ભરવાડવાસ પાસે રોડ ઉપર પાર્ક કરેલી લક્ઝરી બસમાં સગીરાને ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે. ન્યુ વીઆઇપી રોડ ઉપર રેવડીયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ઝૂંપડા બાંધીને દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડરના ગામના આદિવાસી પરિવારો રહે છે અહીં તેઓ છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. એક સપ્તાહ પહેલાં એક આદિવાસી પરિવારની સગીરા લોટ લેવા માટે નીકળી હતી. તે સમયે તેની પાછળ તેની બાજુમાં જ રહેતો તેની જ જ્ઞાતીનો નરેશ અને તેની જ જ્ઞાતિના અન્ય બે યુવાનોએ સગીરાનો પીછો કર્યો હતો.

રસ્તામાં ન્યુ વીઆઇપી રોડ ઉપર પાર્ક કરેલી એક બસની પાછળ સગીરા લઘુશંકાએ ગઈ હતી. જ્યાં નરેશ અને તેના જ સમાજના બે મિત્રો બસ પાસે પહોંચી ગયા હતા અને લઘુશંકા કરવા ગયેલી સગીરાને બસમાં ખેંચી ગયા હતા. ત્યારબાદ નરેશે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે તેના બે મિત્રોએ વોચ ગોઠવી હતી. ઘટનાની જાણ પરિવારને થતા પીડિતાને લઇ પરિવારજનો વતન જતા રહ્યા હતા.

બાદમાં વતનમાં આ મામલો પંચ સમક્ષ મુકાયો હતો. જ્યાં આરોપી નરેશ અને તેના બે મિત્રો પણ વતન ગયા હતા. પરંતુ કોઇ નિવેડો ન આવતા પીડિતાના કાકાએ ગત મોડી રાત્રે હરણી પોલીસ મથકમાં સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એસીપી ભરત રાઠોડે માહિતી આપી હતી.હરણી પોલીસ મથકના પીઆઈ ડી.કે. દેસાઈ અને તેમની ટીમે દુષ્કર્મ અને પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

પ્રેમ સંબંધથી લલચાવી દુષ્કર્મ આચર્યાની શંકા
વડોદરા પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આદિવાસી પરિવારની સગીરા લોટ લેવા માટે નીકળી હતી. તે સમયે તેની પાછળ તેની બાજુમાં જ રહેતો તેની જ જ્ઞાતીનો નરેશ અને તેની જ જ્ઞાતિના પરિવારના બે યુવાનો સગીરાનો પીછો કરતા પાછળ ગયા હતા. ભોગ બનનાર અને આરોપી બન્ને પરિચિત છે. જેથી આરોપીએ પ્રેમ સંબંધમાં લલચાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય તેવી શંકા છે. જોકે આરોપીઓ ઝડપાયા બાદ સમગ્ર ઘટનામાં વધુ હકીકતો બહાર આવી શકે છે.

વતન ગયેલા આરોપીઓને પકડવા પોલીસ ટીમ એમપી પહોંચી
આરોપી નરેશ અને તેના મિત્રો પંચમાં મામલો ગયો હોવાથી વતન ગયા હતા જોકે તેઓ પરત ફર્યા નથી જેથી પોલીસની એક ટીમ આરોપીઓને પકડવા મધ્યપ્રદેશ પહોંચી છે. જ્યાં આરોપીઓ સકંજામાં આવી ગયાનું જાણવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement