ચીનમાં હવે કોરોના અત્યાચાર : કન્ટેનર જેવા લોખંડના બોકસની લાઈન; બે કરોડ કવોરન્ટાઈન

12 January 2022 05:08 PM
World
  • ચીનમાં હવે કોરોના અત્યાચાર : કન્ટેનર જેવા લોખંડના બોકસની લાઈન; બે કરોડ કવોરન્ટાઈન
  • ચીનમાં હવે કોરોના અત્યાચાર : કન્ટેનર જેવા લોખંડના બોકસની લાઈન; બે કરોડ કવોરન્ટાઈન

દુનિયાને કોરોનામાં ધકેલનાર ચીન હવે ગમે તે ભોગે છૂટકારો ઝંખે છે : સોશિયલ મીડિયામાં કવોરન્ટાઈન કેમ્પોમાં લોકોની પશુ જેવી હાલતના સંખ્યાબંધ વીડિયો વાઈરલ : ઉંઘવા માટે લાકડાના ખોખા તથા ટોઈલેટ; બાકી ભગવાન ભરોસે

આવતા મહિને નવા વર્ષ તથા વિન્ટર ઓલિમ્પિક પૂર્વે ઝીરો કેસનો ટારગેટ છતાં કડક પગલાં બિનઅસરકારક : બાળકો-ગર્ભવતી મહિલાઓ સહિતના લાખો લોકોને મધરાતે ઘરમાંથી કાઢી, બસોમાં બેસાડી, કેમ્પમાં ધકેલી દીધા

બીજિંગ /
ભારત સહિત વિશ્વભરમાં હાહાકાર સર્જી રહેલા કોરોનાના ઉદ્ભવસ્થાન એવા ચીનમાં પણ હાલત ખરાબ થવા લાગી છે ત્યારે ‘ઝીરો કોવિડ નીતિ’ અંતર્ગત શાસકો-તંત્ર દ્વારા ‘અત્યાચારી કદમ’ ઉઠાવાય રહ્યા છે. બે કરોડ લોકોને કવોરન્ટાઈન કેમ્પોમાં ધકેલી દેવામાં આવ્યા છે. કન્ટેનર જેવા લોખંડના બોકસમાં જાનવરની જેમ રહેવા લોકો મજબૂર બન્યા છે, જ્યાં લાકડાના પલંગ અને ટોઈલેટ સિવાય કોઈ સુવિધા નથી. કોવિડ સુટ પહેરેલા કાર્યકરો ભોજન આપી ગયા બાદ તે પણ ખૂંટવા લાગ્યું છે. જ્યારે લોકોની આરોગ્ય ચકાસવા માટે કોઈ ફરકયું જ નથી.

આ પ્રકારના સંખ્યાબંધ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે જેમાં અત્યાચારી કાર્યવાહી સામે લોકોમાં આક્રોશ છે. આ પ્રકારના પગલાં સામે સવાલ પણ ઉઠી રહ્યા છે. ચીનમાં આવતા મહિને નવા વર્ષ તથા 4થી ફેબ્રુઆરીથી આરંભાતા વિન્ટર ઓલિમ્પિકસ પૂર્વે સામ્યવાદી શાસકો અત્યંત આકરાં-કડક બન્યા છે. આવતા મહિનાના મહત્વપૂર્ણ પૂર્વ પૂર્વે જ કોરોનાને કાબુમાં લેવા કે ખાત્મો બોલાવવાના ઉદ્દેશ સાથે ક્રુરતાપૂર્વકના કદમ ઉઠાવ્યા છે. ‘ડેઈલી મેલ’ના રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમિતોને ફરજિયાત અને બળજબરીપૂર્વક કન્ટેનર જેવા લોખંડના બોકસમાં ધકેલાતા રહ્યા છે તેમાં બાળકો તથા ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો આધારિત રિપોર્ટમાં દર્શાવાયું છે કે મીતાન, અન્યાંગ તથા યુઝોહુમાં ઓમિક્રોનના કેટલાક કેસ નોંધાતા તમામ લોકોને ફરજિયાત કવોરન્ટાઈન કરાય રહ્યા છે. આ ત્રણેય શહેરોના કુલ બે કરોડ લોકો કવોરન્ટાઈન થયા છે અને નાનકડી કોટડી જેવા કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. કન્ટેનર જેવા બોકસમાં લોકોને માત્ર લાકડાના ખોખા તથા ટોઈલેટની સુવિધા છે અને તેમાં જ બે અઠવાડિયા ગાળવાનો આદેશ કરાયો છે. વીડિયોમાં એવું દર્શાય છે કે કોરોનાસૂટ-કવચ સાથે કાર્યકરો આ લોકોને ખાદ્યસામગ્રી આપી જાય છે પરંતુ ઠંડાગાર મેટલ બોકસમાં બહું ઓછું ભોજન બચ્યું હોવાની લોકોની ફરિયાદ છે.

લોકો એવો આક્રોશ દર્શાવે છે કે પાયાની સુવિધા સિવાય કેમ્પમાં કોઈ સવલત નથી, આરોગ્ય ચકાસણી માટે પણ કોઈ ફરકતું નથી. આ પ્રકારના કવોરન્ટાઈનનો શું અર્થ ? ચીનના આ શહેરોમાં કોરોના કેસો નોંધાતાની સાથે જ સમગ્ર ક્ષેત્રના લોકોને ઘર ખાલી કરવા અને બસોમાં બેસીને કવોરન્ટાઈન કેમ્પોમાં પહોંચી જવાના આદેશ કરવામાં આવ્યા હતા. કેટલાકનો તો મધરાતે ‘ઘરનિકાલ’ કરવામાં આવ્યો હતો. નવા વર્ષ તથા વિન્ટર ઓલિસ્પીક પૂર્વે કોઈપણ ભોગે ‘ઝીરો કોરોના’નો સરકારનો ઉદ્દેશ છે. શાસકોએ નિયમભંગ બદલ ત્રણ લોકોને તો જેલમાં પણ ધકેલી દીધા હતા. જાણકારોના કહેવા પ્રમાણે અસાધારણ પગલા છતા તે અસરકારક નથી. દલીયાન સિવાય તિયાંજીનમાં પણ નવા કેસ આવતા 1.4 કરોડ લોકોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. 33 કેસો મળ્યા હતા તે તમામ લોકલ ચેપના જ હતા.

ઓમિક્રોન ફેલાતા ‘ઝીરો કોવિડ નીતિ’ અશકય: નિષ્ણાંતોની લાલબતી
કોરોનાના ડેલ્ટા બાદ ઓમિક્રોન વેરિએન્ટ ફેલાયો છે. તે ઘણો ચેપી છે. તેનાથી બચવાનું કે કાબુમાં લેવાનું અશકય હોવાની લાલબતી નિષ્ણાંતોએ ધરી હોવા છતાં સામ્યવાદી શાસકો ‘ઝીરો કોવિડ નીતિ’ને વળગી રહ્યા છે તે સામે જબરો આક્રોશ છે.

માત્ર બે કેસ આવ્યા અને 55 લાખ લોકો સંપૂર્ણ લોકડાઉન હેઠળ
ચીનમાં 55 લાખ લોકોની વસ્તી ધરાવતા અન્યાંગ શહેરમાં સોમવારે રાત્રે કોરોનાના બે કેસ નોંધાયા હતા અને રાતોરાત લોકડાઉન લાદી દેવાયુ હતું. 55 લાખ લોકો કેદની દશામાં આવી ગયા હતા. લોકો એટલી હદે ભયભીત થયા હતા કે અન્ય શહેરોના લોકોની જેમ તેઓને પણ ઢોરવાડા જેવા કવોરન્ટાઈન કેમ્પોમાં ધકેલી દેવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement