ઉત્તરાયણ પૂર્વે ઠંડીએ ધ્રૂજાવી દીધા: ગિરનાર 2.5-રાજકોટ 8.5 ડિગ્રી

13 January 2022 11:08 AM
Rajkot Saurashtra
  • ઉત્તરાયણ પૂર્વે ઠંડીએ ધ્રૂજાવી દીધા: ગિરનાર 2.5-રાજકોટ 8.5 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છના સાત શહેરમાં પારો એક આંકડામાં: નલિયામાં 4.6 ડિગ્રી સાથે કડકડતી ઠંડી: અમરેલીમાં 9.8 અને જૂનાગઢમાં પારો 7.5 પર...

રાજકોટ, તા.13
મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ આજરોજ રાજકોટ, નલિયા, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તીવ્ર ઠંડીએ પણ જમ્પ માર્યો હતો અને સાત શહેરોમાં સવારનું તાપમાન સીંગલ ડિઝિટમાં નોંધાયું હતું. ખાસ કરીને આજે જૂનાગઢનો ગિરનાર પર્વત જાણે કે હિમાલય બની ગયો હતો અને સવારે 2.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાતા વન્યજીવો ઉપરાંત પ્રવાસીઓ થીજી ગયા હતા. ગિરનાર ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ આજે સવારે 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી નગરજનો થરથરી ગયા હતા. આજરોજ પણ રાજ્યની સૌથી વધુ ઠંડી નલિયા ખાતે નોંધાઈ હતી અને આજે સવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી થઈ જતા નલિયાવાસીઓ થીજી ગયા હતા.

આ ઉપરાંત આજે સવારે રાજકોટવાસીઓ પણ તીવ્ર ઠંડીમાં ધ્રુજ્યા હતા. આજે સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું હતું. ખાસ કરીને આજે સવારે રાજકોટમાં 8 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. આ ઉપરાંત આજે સવારે અમદાવાદ, અમરેલી, વડોદરા, ડિસા પણ સિંગલ ડિઝિટ સાથે થરથર્યા હતા. આજરોજ સવારે અમદાવાદ ખાતે લઘુત્તમ તાપમાન 9.7 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, વડોદરામાં 9.6 ડિગ્રી અને ડિસામાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયા પછી શહેરમાં શીત લહેર પ્રસરી ગઇ છે. ઠંડીનો પારો 10 થી 11 ડિગ્રીની વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથોસાથ પ્રતિ કલાકના 7.6કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ધ્રુજી ઉઠિયા હતાં.

જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠંડીનો પારો આજે સવારે વધુ નીચે ગગડીને સિંગલ ડિગ્રીની નજીક આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.આજે પ્રતિ કલાકના 7.6 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે. અને બેઠા ઠાર ના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ગઈકાલે મોડી સાંજથી જ લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કરતાં કરફ્યુના ટાઈમ પહેલાં જ માર્ગો સુમસામ જોવા મળતા હતા. ઉપરાંત જાહેર સ્થળો પર પણ લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળતી હતી. આજે વહેલી સવારે પણ મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોની સંખ્યા ઓછી હતી, જ્યારે બેઠા ઠારને લઇને વહેલી સવારે માર્ગો સુમસામ નજરે પડતા હતા.

જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન 23 ડિગ્રીની સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 7.6 કિ.મી.ની ઝડપે રહી હતી. સોરઠમાં એક દિવસ ઠંડીમાં થોડી રાહત અનુભવાયા બાદ ફરી ઠંડીનો મિજાજ અસ્સલ રૂપમાં આવી જવા પામ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46 ટકામાંથી વધીને 80 ટકાએ પહોંચી જવા પામ્યું છે સાથે ઠંડો સૂસવાટા મારતો બર્ફિલો પવન ફૂંકાઈ રહ્યો છે જેની જનજીવન, પશુપક્ષીઓ ઉપર મોટી અસર જોવા મળી રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાપમાનમાં મેક્સિમમ 10.6 ડિગ્રીએ પારો ઉંચો જવા પામ્યો હતો

જે ઘટીને પારો 7.5 ડિગ્રીએ નીચે આવી જતા લોકો ઠૂંઠવાઈ જવા પામ્યા છે. ઉપરાંત ગિરનાર પર્વત ઉપર ઠંડીનો પારો 2.5 ડિગ્રી અને નીચે ઉતરી જતા સહેલાણીઓ ઠૂંઠવાઈ જવા પામ્યા છે સાથે પવનની ગતિ વધીને 6.5 કિ.મી.ની ઝડપે પ્રતિ કલાક ફૂંકાઈ રહ્યો છે. આખો દિવસ લોકો સ્વેટર, શાલ, મફલર, ટોપી સાથે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. સમીસાંજમાં રોડ રસ્તા સૂમસામ થઈ જતા રોડ ખાલીખમ જોવા મળી રહ્યા છે. વહેલી સવારે મોર્નિંગ વોકમાં પણ ઠેર-ઠેર તાપણા કરી લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત આજરોજ ભાવનગર ખાતે 10.2 ડિગ્રી, ભુજમાં પણ 10.2 ડિગ્રી, દમણમાં 14.2, દીવમાં 11.3, દ્વારકામાં 13.1, કંડલામાં 10.9, ઓખામાં 17.8, પોરબંદરમાં 12, સુરતમાં 12.6 અને વેરાવળમાં 12.1 ડિગ્રી લઘુત્તમ નોંધાયું હતું.

પતંગરસિયાઓ માટે ખુશખબર: સવારે અને બપોરે સારો પવન ફૂંકાશે
સવારે સાડા દસથી 10થી 2 કિ.મી. અને બપોરે 2થી 4 વચ્ચે 15થી 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલે પતંગપર્વમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના પતંગરસિયાઓને નિરાશ થવું પડશે નહીં અને દિવસભર વાતાવરણ સ્વચ્છ રહેવા સાથે પવન પણ સારો ફૂંકાશે તેવું હવામાન કચેરીના સૂત્રોએ જણાવેલ હતું. હવામાન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે તા.14ના રોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ સ્વચ્છ અને સૂર્ય પ્રકાશિત રહેશે તેમજ પવન ઉત્તર-પૂર્વનો ઈશાન ખૂણાથી ફૂંકાશે. ખાસ કરીને સારા પવનની શરૂઆત સવારે 10-30 બાદથી શરૂ થશે. સવારે સાડા દસ વાગ્યા બાદ સતત 10થી 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ખાસ કરીને પતંગરસિયાઓને બપોરે 2થી 4 વાગ્યા વચ્ચે મોજ પડી જશે. આ સમય દરમિયાન પવન 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે. બાદમાં 4 વાગ્યા પછી ફરી પવનની ઝડપ ઘટશે અને 8થી 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.Related News

Loading...
Advertisement
Advertisement