બુમ...બુમ...બુમરાહ: ઘર બહાર દર ચોથા ટેસ્ટમાં ખેડવી પાંચ વિકેટ !

13 January 2022 11:52 AM
India Sports
  • બુમ...બુમ...બુમરાહ: ઘર બહાર દર ચોથા ટેસ્ટમાં ખેડવી પાંચ વિકેટ !

કપિલ દેવને પાછળ છોડ્યા: કરિયરના કુલ 27 ટેસ્ટમાંથી 25 ટેસ્ટ તો ઘરબહાર જ રમ્યા’ને કરી બતાવ્યું શાનદાર પ્રદર્શન

નવીદિલ્હી, તા.13
જસપ્રિત બુમરાહે કેપટાઉનમાં ભારત-આફ્રિકા વચ્ચે ત્રીજા અને અંતિમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ ખેડવીને ટીમને કમબેક કરાવ્યું છે અને તેના કારણે જ ભારતને પહેલી ઈનિંગમાં 13 રનની લીડ પણ મળવા પામી હતી. આફ્રિકાએ ભારતને પહેલી ઈનિંગમાં માત્ર 223 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું પરંતુ બુમરાહ જ હતો જેણે આફ્રિકાને 210 રને આઉટ કરીને ટીમને લીડ અપાવી છે.

ત્રણ મેચની શ્રેણી અત્યારે 1-1થી બરાબર છે આવામાં જો ભારતે આ મેચ અને શ્રેણી જીતવી હોય તો બુમરાહે બીજી ઈનિંગમાં પોતાના આ પ્રદર્શનને જાળવી રાખવું પડશે. જો કે જમાપાસું એ છે કે ઘર બહાર તેનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે.

જસપ્રિત બુમરાહ પોતાની કારકીર્દિનો 27મો ટેસ્ટ રમી રહ્યો છે. તેમાંથી 25 ટેસ્ટ તો તેણે ઘર બહાર જ રમ્યા છે. અત્યાર સુધી તે સાત વખત પાંચ વિકેટ લેવાનું કારનામું કરી ચૂક્યો છે મતલબ તે દર ચોથા ટેસ્ટમાં પાંચ વિકેટ મેળવે છે. બીજી બાજુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ફાસ્ટ બોલર કપિલ દેવે ઘર બહાર 66 ટેસ્ટ રમ્યા અને 12 વખત પાંચ વિકેટ મેળવવાનું કારનામું કર્યું હતું મતલબ કે તે દર છઠ્ઠા દિવસે ટેસ્ટમાં પાંચ વિકેટ લઈ રહ્યો હતો. આ રેકોર્ડથી બુમરાહના પ્રદર્શનને કપિલ કરતાં સારું ગણી શકાય.

ભારતના અન્ય ફાસ્ટ બોલરોની વાત કરવામાં આવે તો ઈશાંત શર્માએ 63 ટેસ્ટ ઘર બહાર રમ્યા છે અને 9 વખત પાંચ વિકેટ મેળવી છે તો ઝહીર ખાને 54 ટેસ્ટમાં 8 વખત અને ઈરફાન પઠાણે 15 ટેસ્ટમાં 7 વખત આ રેકોર્ડ બનાવ્યો છે. આવામાં પઠાણનો રેકોર્ડ ફાસ્ટ બોલર તરીકે ઘર બહાર સૌથી સારો છે. તે દર બીજા ટેસ્ટમાં પાંચ વિકેટ લેવાનું કારનામું કરી ચૂક્યો છે.

બુમરાહે પાંચ વિકેટ ક્યાં-કેટલી વખત મેળવી ?
દક્ષિણ આફ્રિકા-બે વખત
વેસ્ટ ઈન્ડિઝ-બે વખત
ઈંગ્લેન્ડ-બે વખત
ઑસ્ટ્રેલિયા-એક વખત


Related News

Loading...
Advertisement
Advertisement