કોરોનાનો રાફડો : ત્રણ દિવસની સળંગ રજામાં પ્રવાસ-ફરવા જવાના 70 ટકા બુકિંગ કેન્સલ

13 January 2022 12:16 PM
Ahmedabad Gujarat Travel
  • કોરોનાનો રાફડો : ત્રણ દિવસની સળંગ રજામાં પ્રવાસ-ફરવા જવાના 70 ટકા બુકિંગ કેન્સલ

અમદાવાદ,તા. 13
આવતીકાલે ઉતરાયણની રજા વચ્ચે સળંગ ત્રણ દિવસની રજાનો લાભ લઇને સેંકડો લોકોએ ફરવા-પ્રવાસના આયોજનો ગોઠવ્યા હતા પરંતુ કોરોનાના થયેલા સંક્રમણથી 70 ટકા બુકિંગ કેન્સલ થઇ ગયાના નિર્દેશ છે.

ટ્રાવેલ એજન્ટોનાં કહેવા પ્રમાણે સળંગ ત્રણ દિવસની રજાનો લાભ મળતો હોવાથી જેસલમેર, જોધપુર, કુંબલગઢ, માઉન્ટ આબુ, ઉદયપુર સહિતના પ્રવાસન સ્થળોના ઘણા બુકિંગ થયા હતા. પરંતુ કોરોના કેસોનો રાફડો ફાટવાને પગલે બુકિંગ ધડાધડ રદ થઇ ગયા છે. લોકો કોરાનાનો ચેપ વળગવાની બીકે જોખમ લેવા તૈયાર નથી ઉપરાંત જુદા-જુદા નિયંત્રણોના કારણે પણ પ્લાન બદલાવવા લાગ્યા છે. હવે હાલત નોર્મલ થાય ત્યારે જ પ્રવાસના આયોજન ફરીથી ગોઠવવાનો મિજાજ છે.

ટ્રાવેલ્સ ઉદ્યોગના જાણકારોએ કહ્યું કે, ત્રણ દિવસની સળંગ રજા હોવાથી મોટાભાગે બે રાત્રિ-ત્રણ દિવસના પેકેજ ગોઠવાયા હતા. મોટાપ્રમાણમાં બુકિંગ હતા.તેમાંથી 70 ટકા કેન્સલ થઇ ગયા છે. બુકિંગ કેન્સલ થવાના સંજોગોમાં હોટલના નાણાં પરત મળી જાય છે. પરંતુ ફલાઈટ કેન્સલેશનના નાણાં પરત મળતા નથી.

અમદાવાદના વેપારી સતિષ જોષીએ કહ્યું કે, કોલકતા તથા કામખ્યા મંદિરનો પ્રવાસ ગોઠવ્યો હતો. પુત્ર લંડનથી આવ્યો હોવાથી ફરવા જવાનો પ્લાન હતો તે હવે રદ કર્યો છે. લાખ રુપિયાનું નુકશાન છે. છતાં પૈસા કરતા જીવન વધુ મહત્વનું છે.

ટ્રાવેલ એજન્ટોનાં કહેવા પ્રમાણે ડીસેમ્બર અંતથી સંક્રમણ દર વધવા સાથે જ કેન્સલેશન શરુ થવા લાગ્યું હતું. છેલ્લા અઠવાડિયામાં કેસ વધતા કેન્સલેશનનું પ્રમાણ વધવા લાગ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement