મોરબીના રામઘાટ પાસે રેલીંગ તોડી કાર પુલ નીચે ખાબકી

13 January 2022 01:05 PM
Morbi
  • મોરબીના રામઘાટ પાસે રેલીંગ તોડી કાર પુલ નીચે ખાબકી

ગંભીર ઇજાગ્રસ્ત વેપારીને રાજકોટ ખસેડાયા: અનેક જગ્યાએ રોડ પર ઘાસચારો નાંખવાની પ્રવૃતિથી વધતા અકસ્માત

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા. 13
મોરબીના રામગઢ પાસે આવેલ શિતળા માતાના મંદિર પાસે પુલની રેલિંગની દિવાલ તોડીને બ્લેક કલરના વર્ના કાર નંબર જીજે 36 એફ 5242 30 ફૂટ નીચે ખાબકી હતી જેથી કરીને કારમાં સવાર યુવાનને ગંભીર ઇજાઓ થવાથી રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પટેલ નગર આલાપ રોડ લવકુશ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 704 માં રહેતા અને મૂળ માળિયા-મિયાણા તાલુકાના ખીરઇ ગામના વતની કે જેઓ થોડા સમય પહેલાં રાજકોટ રહેતા હતા અને હાલ મોરબી સ્થાયી થયેલ છે

તે ચિરાગભાઈ પ્રેમજીભાઈ ધનજીભાઈ સાણજા નામનો 36 વર્ષીય પટેલ યુવાન ગત રાત્રીના નવેક વાગ્યે તેની વર્ના કાર લઈને સામાકાંઠેથી મોરબી તરફ આવવા માટે નીકળ્યો હતો દરબારગઢ ચોક, શીતળા માતા મંદિર થઇને તે આલાપ રોડ પટેલ નગર વિસ્તારમાં તેના ઘરે જઇ રહ્યોં હતો દરમિયાનમાં શીતળા માતાના મંદિર નજીક આવેલા પાણીના ટાંકા પાસે પુલની રેલીંગની દિવાલ તોડીને તેની વેરના કાર કોઇ કારણોસર 30 ફૂટ નીચે ખાબકી હતી જેના લીધે ગંભીર ઇજાઓ થવાથી ચિરાગ પ્રેમજીભાઈ સાણજા નામના 36 વર્ષીય યુવાનને પ્રથમ અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ચિરાગભાઈ સાણજા ચાઇનાથી મશીનરીના સ્પેરપાર્ટસ તેમજ કેમિકલ આયાત કરીને તેના ટ્રેડિંગનું કામકાજ કરે છે. ગઈકાલે રાતના નવેક વાગ્યે તેઓ સામેકાંઠે તેઓની ટ્રેડિંગ ઓફિસેથી પરત ઘરે જવા નીકળ્યા હતા અને દરબારગઢ થઈ શીતળા માતાના મંદિરે નજીક રામઘાટની પાસે પહોંચ્યા ત્યારે કોઈ કારણોસર તેઓની કાર પુલની રેલિંગની દીવાલ તોડીને 30 ફૂટ નીચે નીચે ખાબકી હતી જોકે પાછળ આવતા વાહન ચાલકે નિચે જઇને જોતા પેટના ભાગે ગંભીર ઇજા સાથે થયાનું દેખાયું હતું. એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.દેગામડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક હળવો થાય તે માટે આ રસ્તો વૈકલ્પિક રીતો ખુલ્લો મુકવામાં આવ્યો છે અને ઘણા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે અહીં એક નવી સમસ્યા ધ્યાને આવેલ છે કે અહીં રોડ ઉપર ગૌવંશ માટે ઘાસચારો નાખવા માટે લોકો ઉભા રહી જાય છે અને તેઓ ઘાસચારો રોડ ઉપર જ નાખતા હોવાને લીધે ખૂબ મોટી સંખ્યામાં ઢોર આંટા મારતા હોય છે તેના લીધે આ અકસ્માત સર્જાયો છે કે અન્ય કોઈ વાત છે એ તો તપાસનો વિષય છે. આ રીતે જ સામાકાંઠે જવા માટે કરોડોના ખર્ચે બનેલા બેઠાપુલ ઉપર પણ સવારના ઘાસચારો લઈને લોકો ઉભા રહેતા હોય છે

દાનવિરો રોડ ઉપર જ ઉભા રહીને રોડ પાસે ઘાસચારો નાંખતા હોવાનું ધ્યાને આવેલ છે. આવી જ સમસ્યા મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર નજીક પણ જોવા મળે છે કે જ્યાં મુખ્ય રોડ ઉપર લઈને લોકો ઘાસચારો લઇને વહેંચવા માટે બેસી જાય છે આવતા-જતા લોકો અને ગૌભક્તો ત્યાંથી જ ઘાસ લઈને રોડ નજીક નાખતા હોય છે જોકે તેના લીધે રસ્તા ઉપર વાહન ચાલકોને અડચણ થાય તે રીતે સતત ઢોર રોડ ઉપર રઝડતા રહે છે જેના લીધે કોઇને કોઇ અકસ્માત સર્જાય છે માટે રોડ ઉપર ઘાસચારો લઈને બેસતા લોકોને મુખ્ય રોડ ઉપરથી અંદરના ભાગે હટાવવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે. પરંતુ આવી લોકોને કનડતી નાની-નાની સમસ્યાઓ પરત્વે કોઈનું ધ્યાન જતું નથી તે અહિંના અધિકારીઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પદાધિકારીઓ માટે પણ શરમજનક જ કહેવાય.


Loading...
Advertisement
Advertisement