આવતીકાલે ઉત્તરાયણના દિવસે પવન કેવો હશે ? વાંચો જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી .. ઠંડીમાં પણ આવતીકાલથી બદલાવ આવશે ..

13 January 2022 03:07 PM
Rajkot Saurashtra
  • આવતીકાલે ઉત્તરાયણના દિવસે પવન કેવો હશે ? વાંચો જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી .. ઠંડીમાં પણ આવતીકાલથી બદલાવ આવશે ..

* કાલે પતંગ રસિયાઓને મોજ; આખો દિવસ સારો-અનુકુળ પવન ફુંકાશે: કાલથી ઠંડી પણ ઓછી થવા લાગશે

* જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: કાલે 12થી20 કીમીના પવન-ઝાટકાના પવનની ગતિ 22થી30 કીમીની હશે

* 19મી સુધીમાં તાપમાનનો પારો નોર્મલથી પણ વધી જશે; ઠંડીનો વર્તમાન રાઉન્ડ પૂર્ણ થઈ જશે

રાજકોટ તા.13
પતંગ ચગાવવાના પર્વ એવા આવતીકાલના મકરસંક્રાંતિના તહેવારે પતંગ રસીયાઓને મોજ પડી જશે. આખો દિવસ પતંગ ઉડાડવા માટે સારો અને અનુકુળ પવન ફુંકાવાની સાથોસાથ કાલથી તાપમાન પણ ધીમે-ધીમે વધવા સાથે ઠંડીમાં રાહત મળવા લાગવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે આવતીકાલ ઉતરાયણના પર્વે સારો-અનુકુળ પવન રહેશે.

પતંગ રસીયાઓને મજા પડી જાય તેમ આખો દિવસ અનુકુળ પવન ફુંકાતો રહેશે. 12થી20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તે દરમ્યાન ઝાટકાના પવનની ગતિ દસ કિલોમીટર વધુ હશે અર્થાત ઝાટકાના પવન 22થી30 કિલોમીટરના થઈ શકે છે. સવારે તથા મોડી સાંજે પવનનું જોર વધુ હશે. મોટાભાગના સેન્ટરોમાં ઉતરપુર્વના પવન હશે જયારે અમુક જગ્યાએ પુર્વના પવન પણ રહેવાની શકયતા છે.

ઠંડીના વર્તમાન રાઉન્ડ વિશે તેઓએ કહ્યું કે, છેલ્લી આગાહીમાં દર્શાવ્યા મુજબ ત્રણ દિવસથી કાતિલ ઠંડી છે અને અનેક સેન્ટરોમાં તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં છે. આજે કેશોદમાં ન્યુનતમ તાપમાન 7.8 ડીગ્રી હતું. ગાંધીનગરમાં 8.2 ડીગ્રી, ડીસામાં 8.4 ડીગ્રી, રાજકોટમાં 8.5 ડીગ્રી, કંડલામાં 9.4 ડીગ્રી, વડોદરામાં 9.6 ડીગ્રી, અમદાવાદમાં 9.7 ડીગ્રી તથા અમરેલીમાં 9.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

13થી19 જાન્યુઆરીની આગાહી અંતર્ગત હવે આવતીકાલથી તાપમાન આંશિક રીતે વધવા લાગશે. આવતા બે દિવસમાં પારો થોડો વધશે. ત્યારબાદ 16-17 મી જાન્યુઆરીએ વધુ બે ડીગ્રી, 17-18 દરમ્યાન વધુ બે ડીગ્રી તાપમાન વધશે. 19મી જાન્યુઆરી સુધીમાં ઉષ્ણતામાનનો પારો નોર્મલ કે તેનાથી પણ ઉંચે પહોંચી જવા સાથે ઠંડીમાં રાહત મળી જવાની સંભાવના છે.


Related News

Loading...
Advertisement
Advertisement