ચાઇનીઝ બનાવટના દોરા તથા તુક્કલના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ પર પ્રતિબંધ

13 January 2022 03:14 PM
Jamnagar
  • ચાઇનીઝ બનાવટના દોરા તથા તુક્કલના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ પર પ્રતિબંધ

જામનગર તા.13
મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન જિલ્લામાં લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પતંગો તેમજ ચાઈનીઝ લેન્ટર્ન(તુક્કલ) ઉડાવવામાં આવતા હોય છે. આવા પતંગો ઉડાવવા માટે પ્લાસ્ટિક દોરી, સિન્થેટિક મટીરીયલ, ટોક્ષીક મટિરિયલ, લોખંડ પાઉડર, કાચ વગેરેથી તૈયાર કરેલા પાકા દોરા અથવા તો ચાઇનીઝ દોરી/માંજાનો ઉપયોગ થાય છે.

આવા દોરાને કારણે માણસો, પક્ષીઓ, પશુઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોવાના તથા મૃત્યુ થતું હોવાના પણ બનાવો બનવા પામતાં હોય છે. વળી આવા દોરા નોન બાયોડિગ્રેડેબલ હોય છે, તૂટેલા, વણવપરાયેલા દોરાઓ પણ ગાયો અને અન્ય પ્રાણીના ચારામાં ભળી પશુ મૃત્યુના બનાવો ઉત્પન્ન કરે છે. વીજ લાઈનમાં પણ તેના કારણે વિક્ષેપ ઊભા થતાં હોય છે. તદુપરાંત ચાઈનીઝ લેન્ટર્ન(તુક્કલ)માં હલ્કી ક્વોલિટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપત્તિને ઘણું નુકસાન થાય છે.

આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જામનગર મિતેશ પી. પંડ્યા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ તેમને મળેલ સત્તાની રૂઈએ જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોઈને પણ તા.15/01/2022સુધી પતંગો ઉડાવવા માટે પ્લાસ્ટિક, સિન્થેટિક મટીરીયલ,ટોક્ષીક મટિરિયલ, લોખંડ પાવડર, કાચ વગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમાં ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરાનો તથા ચાઈનીઝ લેન્ટર્ન(તુક્ક્લ)ના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860(45 માંઅધિનિયમ)ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.


Loading...
Advertisement
Advertisement