નવીદિલ્હી, તા.22
ટીમ ઈન્ડિયાએ વિમેન્સ વર્લ્ડકપની 22મી મેચમાં બાંગ્લાદેશને 110 રને હરાવ્યું છે. બાંગ્લાદેશ સામે 230 રનનો લક્ષ્યાંક હતો જેના જવાબમાં તે 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ વતી સલમા ખાતૂન (32 રન) ટોપ સ્કોરર રહી હતી. ભારત વતી સ્નેહ રાણાએ સૌથી વધુ ચાર વિકેટ ખેડવી હતી તો ઝૂલન ગોસ્વામી-પૂજા વસ્ત્રાકરને બે-બે વિકેટ મળી હતી.
ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ વિરુદ્ધ સતત પાંચમી જીત છે. જીત સાથે જ ભારત મહિલા વર્લ્ડકપના પોઈન્ટસ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. હવે ભારતે પોતાનો બચેલો એકમાત્ર મુકાબલો 27 માર્ચે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમવાનો છે. આ સાથે જ ભારતીય ટીમે સેમિફાઈનલનો દાવો મજબૂત કરી લીધો છે.
ભારતે અત્યાર સુધી છ મેચ રમી છે જેમાંથી ત્રણ જીતી છે તો ત્રણમાં તેનો પરાજય થયો છે. ભારતે ત્રણેય મેચમાં મોટી જીત મેળવી છે અને એ જ કારણથી મિતાલી રાજ એન્ડ કંપનીની નેટ રનરેટ જબરદસ્ત છે.
12 પોઈન્ટ સાથે ઑસ્ટ્રેલિયા ટોપ પર છે જ્યારે બીજા નંબરે દક્ષિણ આફ્રિકા છે જેની પાસે આઠ પોઈન્ટ છે. ઑસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચી ગયું છે જ્યારે આફ્રિકા-ભારત વચ્ચેનો મુકાબલો હજુ બાકી છે. ભારતે આફ્રિકા વિરુદ્ધનો મેચ જીતવો જરૂરી છે અને જો આમ થશે તો તે સેમિફાઈનલમાં પહોંચી જશે. હાર છતાં પણ ભારતની આશા સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય કેમ કે ભારત જો આફ્રિકા વિરુદ્ધ હારી જાય છે તો પણ તે સેમિફાઈનલમાં પહોંચી શકે છે કેમ કે વેસ્ટ ઈન્ડિઝે પોતાની અંતિમ લીગ મેચ આફ્રિકા વિરુદ્ધ રમવાની છે અને તેમાં જો તે હારી જાય છે તો ભારતની સેમિફાઈનલમાં પહોંચવાની રાહ ઘણી આસાન બની જશે.