નવીદિલ્હી,તા. 29
કાળઝાળ ઉનાળામાં દેશના અનેક રાજ્યોમાં વીજ સંકટ સર્જાયું છે અને કોલસાની પણ અછત ઉભી થઇ છે અને સમયસર કોલસો પહોંચાડવા માટે રેલવેએ 16 જેટલી મુસાફર ટ્રેનો રદ કરી નાખી હતી. કોલસાની હેરફેર માટે રેલવે માર્ગ ઉપલબ્ધ રહે તે માટે છેલ્લા બે સપ્તાહથી 16 ટ્રેનો રદ થઇ છે. આ રીતે કુલ 670 ટ્રીપ રદ થશે.
રેલવે મંત્રાલય દ્વારા 24 મે સુધી મુસાફર ટ્રેનોની 670 ટ્રીપ રદ કરવાનો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે. આમાંથી 500 ટ્રેનો લાંબા અંતરની મેઇલ અને એક્સપ્રેસ છે. રેલવે દ્વારા કોલસા માટેની રેક પણ વધારી દેવામાં આવી છે. 400થી વધુ રેક ફાળવવામાં આવી છે જે છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ છે.
રેલવે મંત્રાલયના ટોચના સુત્રોએ જણાવ્યું છે કે દરરોજ 415 રેક ફાળવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક રેકમાં 3500 ટન કોલસો ભરવામાં આવે છે. વીજ સંકટની સ્થિતિ દૂર ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા યથાવત રાખવામાં આવશે. ઓછામાં ઓછા બે મહિના સુધી રેલવેને વધુ રેક ફાળવવી પડે તેવી શક્યતા છે.
મુસાફર ટ્રેનો રદ થવાને કારણે અનેક રાજ્યોમાં આક્રોશ અને ઉહાપોહ છે પરંતુ રેલવે પાસે અન્ય કોઇ વિકલ્પ જ નથી. કારણ કે વીજ સ્ટેશનોએ સમયસર કોલસો પહોંચાડવાનું અનિવાર્ય છે અન્યથા ઉત્પાદનને ફટકો પડે તેવો ભય છે.
વીજ સ્ટેશનો દેશના જુદા-જુદા ભાગોમાં પથરાયેલા છે અને લાંબા અંતરના હોવાથી અનેક કિસ્સામાં કોલસા ભરેલી રેક પહોંચવામાં ત્રણથી ચાર દિવસ પણ થાય છે. સ્વદેશી કોલસો પૂર્વીય ભાગોમાંથી ઉત્તરીય ભાગોમાં પહોંચાડવામાં આવે છે. 2016-17માં દરરોજ 269 કોલસા રેક મોકલવામાં આવતી હતી. ત્યારબાદ તેની સંખ્યા વર્ષોવર્ષ વધતી રહી છે.
ગત વર્ષે 347 રેક મોકલવામાં આવતી હતી. ચાલુ વર્ષે કોલસાની જબરદસ્ત ડીમાંડ છે કારણ કે વીજ વપરાશમાં ખુબ મોટો વધારો થયો છે. ભારતમાં કુલ વીજ ઉત્પાદનમાં 70 ટકા કોલસા આધારિત છે.