* અરવિંદ કેજરીવાલનું ટવિટ ‘ભાજપને ગુંડા-લફંગા જ જોઇએ છે’
સુરત,તા.3
સુરત મનપાની મુખ્ય કચેરી પર રવિવારે માર્શલો અને પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નગરસેવકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં આપના નગરસેવકોને માર મારવામાં આવ્યો હતો. તેમજ મહિલા નગરસેવકના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા.જેના વિરોધમાં ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં 15 થી 20 જેટલા કાર્યકરો અને આગેવાનો સોમવારે ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચ્યા હતા ને બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી.
આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરતનો વીડિયો શેર કરી ટવીટ કર્યું હતું કે જુઓ આ લોકો દેશભરમાં ગુંડાગર્દી કરી રહ્યા છે. તમારા બાળકોને શિક્ષા કે રોજગાર નહીં મળે. ભાજપને ગુંડા-લફંગા જોઇએ છે.
ભાજપ કાર્યાલય પર આવેલા આપના કાર્યકરોને પોલીસે રોક્યા હતા. પૂર્વ કોર્પોરેટર હિતેશ કાછેડિયાને માર મરાયો અને ગોપાલ ઇટાલીયા સાથે ટપલીદાવ થયો હતો. બન્ને પક્ષના કાર્યકરોએ થયેલી બબાલમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 16 સામે ઉધના પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો.