(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા. 3
માધવપુર ઘેડમાં ઐતિહાસિક ત્રણ કુંડોની હાલત દિવસે દિવસે જર્જરિત થતાં ભાવિકોમાં નારાજગીનો માહોલ છવાયો છે.માધવપુર ઘેડ ગામે પ્રાચીન મંદિર સાથે બ્રહ્મકુંડ, રેવતી કુંડ અને કદમ કુંડ છે. આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રુક્ષ્મણીજીનાં ગાંધર્વ લગ્ન થયા હતા. જેની નિશાનીઓ આજે પણ હયાત છે. આ સ્થળને પુરાતત્વ અને પ્રવાસન વિભાગના હસ્તક હોવાથી કુંડોની જાળવણીનાં અભાવે કુંડોની દિવાલો જર્જરીત બની પડી ગયેલ છે.
અનેક પ્રવાસીઓ અહીં દર્શનાર્થે આવે છે છતા વહીવટી તંત્ર કે પુરાતન ખાતુ પ્રવાસન ખાતુ કુંડની દિવાલો રીપેરીંગ કામ થતું નથી. તાજેતરમાં મેળો ભરાયેલો ત્યારે પણ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ સ્થળે આવ્યા છતાં કુંડોની જર્જરીત દિવાલોની રીપેરીંગની કોઇએ દરકાર નહીં લેતા ભાવિકોમાં ભારે નારાજગી જોવા મળે છે. આ ત્રણેય કુંડની દિવાલો ચણવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે.
માધવપુર ઘેડ ગામે ઈદની ઉજવણી
માધવપુર ઘેડ ગામે આજે ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી. સવારે પીરની દરગાહમાં મુસ્લિમ ભાઈઓએ નમાજ અદા કરી ગામમાં કોમી-અખલાસ ભાઈચારો જળવાઈ રહે સાથે સમગ્ર દેશ કોરોના વાયરસથી મુકત રહે સલામત રહે તેવી દુઆ સાથે બંદગી કરવામાં આવી હતી.હિન્દુ સમાજના આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારક બાદી આપી હતી.