ગ્રીષ્મા હત્યા કેસ: ફેનીલને ફાંસીની સજા

05 May 2022 02:00 PM
Surat Gujarat
  • ગ્રીષ્મા હત્યા કેસ: ફેનીલને ફાંસીની સજા

ચૂકાદો જાહેર : સુરત અને સમગ્ર ગુજરાતમાં અત્યંત હચમચાવી નાંખનાર ગ્રીષ્મા હત્યા કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવતા ન્યાયમૂર્તિ: દંડ આપવો સરળ નથી પરંતુ અપરાધની તીવ્રતા જોતા ફાંસીની સજા જ યોગ્ય ચૂકાદો: ન્યાયમૂર્તિ

ગત 12 ફેબ્રુ.ના રોજ સુરતમાં ફેનીલએ એકતરફા પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં 12 ઈંચના ચપ્પુથી ગ્રીષ્માનું ગળુ કાપી ક્રુર હત્યા કરી હતી: એક પણ સમયે અપરાધનો અફસોસ ન દેખાડયો

સુરત તા.5
સમગ્ર ગુજરાતમાં જબરી ચકચાર જગાવનાર સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે આરોપી ફેનીલ ગોયાણીને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગત તા.12 ફેબ્રુ.ના રોજ સુરતના પાસોધરામાં ફેનીલે એકતરફા પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની 21 વર્ષની યુવતીને જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી હતી અને તે સમયે સેંકડો લોકો એ આ દ્રશ્ય જોયુ હતું.

ગ્રીષ્મા નિસહાય બની ગઈ હતી અને તેના ગળા પર 12 ઈંચનું ચપ્પુ ફેનીલે ફેરવી દીધુ હતું અને આ રીતે ગ્રીષ્માની હત્યા કરી હતી. સુરત પોલીસએ આ કેસને એક ચેલેન્જ તરીકે સ્વીકારી લીધો હતો અને અત્યંત ઓછા સમયમાં ચાર્જશીટ સહિતની પ્રક્રિયા પુરી કરી હતી અને અગાઉ બે વખત ચુકાદો મુલત્વી રહ્યા બાદ આજે સવારે સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ એ પોતાના ચુકાદામાં આ હત્યાને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણ્યો હતો અને કહ્યું હતું કે મૃત્યુદંડ આપવાનું સહેલુ નથી પરંતુ આ કેસમાં અદાલત પાસે ફાંસીની સજા જ યોગ્ય ચુકાદો હોવાનું જણાઈ છે અને હું આરોપી ફેનીલને મૃત્યુ ન પામે ત્યાં સુધી ફાંસી પર લટકાવી દેવાનો ચુકાદો આપુ છું.

અદાલતના આ ચૂકાદા સાથે જ ગ્રીષ્માના પરિવારજનો જે અદાલતમાં હાજર હતા તેઓ પોતાની પુત્રીને ન્યાય મળ્યો હોવાનું જણાવીને આંસુ સાથે ચુકાદાને સ્વીકાર્યો હતો અને ફેનીલના પરિવારજનોએ અપીલમાં જવાની જાહેરાત કરી હતી. હવે આ ચૂકાદાને ગુજરાત હાઈકોર્ટની મંજુરી બાદ ફેનીલને ફાંસીની પ્રક્રિયા શરુ કરાશે. જો કે તે પુર્વે ફેનીલના પરિવારજનો હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટ સુધી અપીલ કરી શકે છે અને રાષ્ટ્રપતિને પણ દયાની અરજી કરી શકે છે. પોલીસ દ્વારા રેકોર્ડબ્રેક સમયમાં આ કેસ પુરો કરવામાં આવ્યો અને અદાલત દ્વારા પણ શકય તેટલી ઝડપથી સુનાવણી વગેરેની પ્રક્રિયા પુરી કરી હતી અને આજે 506 પાનાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement