ગુજરાતમાં ચાર વર્ષમાં ડાયાબીટીક લોકોનું પ્રમાણ બમણાથી પણ વધી ગયું

10 May 2022 11:19 AM
Gujarat Health Top News
  • ગુજરાતમાં ચાર વર્ષમાં ડાયાબીટીક લોકોનું પ્રમાણ બમણાથી પણ વધી ગયું

ફેમીલી હેલ્થ સર્વેનો રિપોર્ટ: ડાયાબીટીસની સાથે હાઈ બ્લડ પ્રેસર અને ઓવર વેઈટ ધરાવતા લોકોની સંખ્યા પણ વધી: લાઈફ સ્ટાઈલમાં જે બદલાવ આવ્યો છે તે આરોગ્યની દ્રષ્ટીએ ચિંતા કરાવે છે

રાજકોટ તા.10
મોહનથાળ અને જલેબીથી શિખંડ એ ગુજરાતીઓની મનગમતી વાનગી છે અને તેમાં બંગાળી સ્વીટ પણ ગુજરાતી ઘરોમાં ખવાઈ રહી છે પરંતુ તેની સાથે સાથે ગુજરાતી ભોજનમાં ગળપણનું પ્રમાણ વધુ હોય છે અને તેને કારણે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ડાયાબીટીક દર્દીઓની સંખ્યા ડબલથી પણ વધી ગઈ છે વાસ્તવમાં ભારત એ ડાયાબીટીકનું પાટનગર જેવી સ્થિતિ છે અને સ્વીટ ટુથ એ ભારતની ખાસીયત ગણાય છે.

પરંતુ તેની સાથોસાથ લોકોના આરોગ્ય સામે જે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે તેમાં ભાગ્યે જ કોઈ અત્યાર સુધીમાં ડાયાબીટીસને રોકવામાં સફળતા મળી છે. હાલમાં જ કરાયેલા નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં દર્શાવાયું છે કે ગુજરાતીઓમાં આરોગ્ય પ્રત્યે જે બેકાળજી છે તે વધી રહી છે.

ડાયાબીટીકમાં બ્લડ સુગરનું લેવલ મહત્વનું હોય છે અને તેમાં 2019 થી 2021 ના સમયમાં કરવામાં આવેલા સર્વેમાં એ તારણ આવ્યુ છે કે પુરુષોમાં ઉંચા અને અત્યંત ઉંચા રેન્ડમ બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ મહિલાઓમાં 14.8 ટકા અને પુરુષોમાં 16.1 ટકા છે. જે ચાર વર્ષ પહેલા અનુક્રમે 5.8 ટકા 7.6 ટકા હતું. 3 કરોડ કે તેથી વધુ વસ્તી ધરાવતા રાજયોમાં ડાયાબીટીસની દ્રષ્ટીએ ગુજરાત ચોથા ક્રમે આવે છે. ફકત ડાયાબીટીસ જ નહી પરંતુ અન્ય જે આરોગ્ય સમસ્યાઓ છે તેમાં પણ ડાયાબીટીસ કે હાઈ બ્લડ સુગરના કારણે હાઈપર ટેન્શન, ચરબી જામી જવાની તથા અન્ય બીમારીઓ પણ ગુજરાતમાં વધી રહી છે.

ગુજરાતમાં 20.5 ટકા મહિલાઓ અને 20.3 ટકા પુરુષો હાઈપર ટેન્શનથી પીડાઈ રહ્યા છે જયારે અગાઉના સર્વેમાં તે પ્રમાણ સરેરાશ 14 ટકા જેવું હતું. આ ઉપરાંત 22.7 ટકા મહિલાઓ અને 20 ટકા પુરુષોનો બોડી માસ ઈન્ડેકસ વધુ હતો. એટલે કે તેઓના શરીર પર ચરબી જામી જવાની સ્થિતિ બની રહી હતી. જો કે ફકત મિઠાઈ કે ગળપણને જ ડાયાબીટીસ માટે જવાબદાર ગણાતા નથી પરંતુ લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડર એ સૌથી મહત્વનું છે. શારીરિક શ્રમ ધીમે ધીમે ઘટી રહ્યો છે. ઉપરાંત તનાવ અને શારીરિક હોર્મોન ઈનબેલેન્સ એટલે કે અસમતુલા પણ વધી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement