રાજકોટ,તા.10 : રાજકોટ સહિત રાજયના 11 શહેરોમાં ગઇકાલે પણ હિટવેવની અસર હેઠળ 41 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન સાથે કાળઝાળ ગરમી યથાવત રહેવા પામી હતી. ખાસ કરીને 44.8 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ અને 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં બળબળતો તાપ અનુભવાયો હતો.
આ ઉપરાંત ગઇકાલે અમદાવાદ ખાતે 43.1 ડિગ્રી, ડિસામાં 42.2, ગાંધીનગરમાં 42.8 તથા વલ્લભ વિદ્યાનગરમાં 41.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. જયારે, 42.7 ડિગ્રી સાથે રાજકોટ વાસીઓ પણ શેકાઇ ગયા હતા. તેમજ અમરેલીમાં 42.8, ભાવનગરમાં 41.8, વડોદરામાં 42.8 તથા ભુજ ખાતે 41.4 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. જોકે, ગઇકાલે દરીયા કાંઠાના વિસ્તારોમાં ગરમીમાં રાહત રહી હતી. ગઇકાલે દ્વારકામાં 32.6, ઓખામાં 33.2, પોરબંદરમાં 35, વેરાવળમાં 31.8 અને દિવમાં 36.5 ડિગ્રી મહતમ તાપમાન નોંધવા પામ્યું હતું.