માણસને સધીયારો માણસ નહીં, મોબાઈલ આપવા લાગ્યો, પરિણામ શું મળ્યું ? આપઘાત-ખૂનના બનાવોમાં વધારો !

10 May 2022 04:42 PM
Health Off-beat
  • માણસને સધીયારો માણસ નહીં, મોબાઈલ આપવા લાગ્યો, પરિણામ શું મળ્યું ? આપઘાત-ખૂનના બનાવોમાં વધારો !
  • માણસને સધીયારો માણસ નહીં, મોબાઈલ આપવા લાગ્યો, પરિણામ શું મળ્યું ? આપઘાત-ખૂનના બનાવોમાં વધારો !
  • માણસને સધીયારો માણસ નહીં, મોબાઈલ આપવા લાગ્યો, પરિણામ શું મળ્યું ? આપઘાત-ખૂનના બનાવોમાં વધારો !

* સહનશક્તિ ઘટી ગઈ, ટેક્નોલોજી વધી ગઈ

* છેલ્લા ઘણા સમયથી ‘સ્વપીડન’ અને ‘પરપીડન’ની વૃત્તિમાં વધારો થતાં રાજકોટમાં આપઘાત-હત્યા-મારામારીના બનાવોએ જોર પકડી લીધું: ‘ઈમ્પલ્સીસ’ને કારણે લોકોને આપઘાત સિવાય બીજો વિચાર જ નથી આવતો !

* માનસિક રોગના તબીબ, સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસરનું એક જ તારણ; સંયુક્ત પરિવાર તૂટવા ઉપરાંત સોશ્યલ મીડિયા પર હિંસક દ્રશ્યોના વધુ પડતાં ઉપદ્રવથી લોકોના મનમાં આવી રહ્યા છે આત્મઘાતી વિચારો

* લોકોની આવક ઓછી, ખર્ચ વધી ગયો જેને લીધે આર્થિક સંકડામણને લીધે આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો: અનેક લોકોને જીવનમાં કાંઈ જ તકલીફ ન હોવા છતાં ‘મજા નથી આવતી’નું રટણ જોખમી

રાજકોટ, તા.10
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાછલા થોડા સમય પર એક નજર ફેરવીએ તો આપઘાત, ખૂન તેમજ મારામારીના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ પાછળ આમ તો અનેક કારણ જવાબદાર હશે પરંતુ સૌથી મુખ્ય કારણ જો કોઈ ગણવું હોય તો તે લોકોમાં ઘટી રહેલી સહશક્તિ અને વધી રહેલી ટેક્નોલોજી છે...હવે માણસને સધીયારો માણસ નહીં બલ્કે મોબાઈલ આપવા લાગ્યો છે જેના પરિણામે આપઘાત અને ખૂનના બનાવોમાં વધારો થઈ રહ્યાનું નિષ્ણાત તબીબો ચિંતા સાથે તારણ કાઢી રહ્યા છે.

આ અંગે માનસિક રોગના નિષ્ણાત ડૉ.વિજય નાગેચાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ઈમ્પલ્સીસ ડિપ્રેશને માથું ઉંચક્યું છે અને તેની પકડમાં આવેલા લોકોને જીવનમાં આપઘાત સિવાય બીજો કશો વિચાર જ આવતો હોતો નથી. અનેક લોકો એવા પણ છે જેમને જીવનમાં કશી જ તકલીફ ન હોવા છતાં ‘મજા નથી આવતી’નું રટણ કર્યે રાખે છે જે જોખમી છે. બીજી બાજુ ઘરમાં કોઈ વાતો કરવા માટે તૈયાર હોતું નથી કેમ કે અત્યારે મોટાભાગના પરિવારો પોતપોતાના મોબાઈલમાં જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

બીજી બાજુ મોબાઈલમાંથી પણ કશું નવું શીખવાને બદલે ખાસ કરીને બાળકો અને યુવાનો હિંસક વેબસિરીઝ, ફિલ્મો સહિતની સાહિત્ય નિહાળતાં હોવાને કારણે તેમની વૃત્તિમાં ફેરફાર થાય છે જે ઘણો જ ચિંતાજનક ગણી શકાય. આ ઉપરાંત અનેક લોકો એવા પણ હોય છે જે આર્થિક રીતે સંકડામણ અનુભવતા હોવાને કારણે આત્મઘાતી પગલું ભરી લ્યે છે. આ પાછળ લોકોની આવક ઓછી અને ખર્ચ વધી જવાનું કારણ જવાબદાર છે.

જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડૉ.યોગેશ જોગસણે જણાવ્યું કે બાળકોના આત્મહત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જેણે દુનિયા જ નથી જોઈ એ ફૂલ ઉગ્યા પહેલાં જ કરમાઈ જવાનું પસંદ કરી રહ્યા છે જે સમાજના દરેક નાગરિક માટે ચિંતાનો વિષય છે. બાળકો આત્મહત્યા પાછળ દોરાઈ રહ્યા છે તેના પાછળ માતા-પિતાની વધુ પડતી અપેક્ષા, સમાજનો બોજ, પરિપક્વતાનો અભાવ, અપૂરતી માહિતી અને ખોટું શિક્ષણ, શણત લગાવવામાં હારી જતાં અહમ્ ઘવાવો, રમત-રમતમાં આત્મહત્યા, જિદ્દી અને આક્રમક્તા, ટીવી સીરિયલોની અસર-અનુકરણ, ગુનાઓ દર્શાવતી સીરિયલો જોવી, નક્કી કરેલ બાબતો પૂર્ણ ન થતાં આત્મહત્યા સુઝવી સહિતના કારણો જવાબદાર છે.

પોતાના બાળકને મોતના મુખમાં ધકેલાતું અટકાવવા બાળક સાથે ખુલીને વાત કરવી જોઈએ, તેને સમજી શકો છો તેનો અહેસાસ કરાવવો, અપેક્ષાનો બોજ બાળક પર ન નાખવો, રિલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો ભેદ સમજાવવા સહિતની અનેક બાબતો છે જે અત્યારે અમલમાં મુકવી જરૂરી બની જાય છે.

ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ‘સ્વપીડન’ કે જેમાં વ્યક્તિ પોતાને જ નુકસાન પહોંચાડે છે તે અને ‘પરપીડન’ કે જેમાં વ્યક્તિ સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડે તેવી વૃત્તિમાં વધારો થતાં આપઘાત-હત્યા અને મારામારીના બનાવોએ જોર પકડી લીધું છે.

● 70.50% લોકોએ માન્યું, માત્ર વાતો સાંભળવાથી-કરવાથી આપઘાતમાં થઈ રહ્યો છે વધારો
● 60.20% લોકોએ કહ્યું, માનસિક સમસ્યાથી પીડાતાં લોકો જ કરે છે આપઘાત
● 72% લોકોએ માન્યું, આત્મહત્યાના વિચારોમાંથી છૂટકારો સંભવ નથી
● 67.50% લોકોએ સ્વીકાર્યું, આપઘાતની વાતો કરનાર માત્ર આપે છે ધમકી જ
● 81% લોકોએ કહ્યું, આપઘાત પહેલાં કોઈ જ સંકેતો મળતાં નથી
● 72% લોકોએ કહ્યું, આપઘાતનો પ્રયાસ એ માત્ર ધ્યાન ખેંચવાની પ્રવૃત્તિ જ છે

બોલો છે હિંમત ? સોશ્યલ મીડિયા પરથી એક સપ્તાહનો બ્રેક લ્યો’ને મેળવો કલ્પના બહારના ફાયદાઓ !
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, ટવીટર, રેડિટ, લિક્ંડઈન...આજે દુનિયામાં મોટાભાગના લોકો આમાંથી જ કોઈને કોઈ સોશ્યલ મીડિયા એપનો ઉપયોગ કરી રહ્યા હશે જેના પગલે તેઓ તણાવ, એન્ઝાઈટી અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ બાથના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં જણાવ્યું કે સોશ્યલ મીડિયા પરથી માત્ર એક સપ્તાહનો બ્રેક તમારી માનસિક સ્થિતિમાં ધરમૂળથી સુધારો કરી શકે છે.

મતલબ કે તમે ડિપ્રેશનથી પીડિત હોવ તો માત્ર એક સપ્તાહમાં જ તેને ઓછું કરી શકો છો. જેવી રીતે લોકોને દારૂ અને સિગરેટની આદત લાગે છે એ જ રીતે તેને વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ રહેવાની આદત થઈ જાય છે. તે ઈચ્છતો હોવા છતાં પણ બહાર નીકળી શકતો નથી આવામાં ટેક્નોલોજીની માયાજાળથી ખુદને દૂર રાખવા માટે થોડા સમય પાટે ડિઝિટલ માધ્યમોમાંથી રજા લઈ જવાની વાતને ‘ડિઝિટલ ડિટોક્સ’ કહેવાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement