નવી દિલ્હી તા.11
નાના બાળકો સાથે યાત્રા કરી રહેલી માતાઓને હંમેશા યાત્રા દરમ્યાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.ખાસ કરીને લાંબી યાત્રા દરમ્યાન જો તેને બાળક સાથે બર્થ પર સુવાનુ હોય તો તેમાં તેને ઘણી પરેશાની થાય છે. કારણ કે બર્થની પહોળાઈ એટલી નથી હોતી કે તેમાં બાળક અને મા એક સાથે આરામથી સુઈ શકે ઘણી વાર તો માતાઓએ સફર દરમ્યાન પુરો સમય એક જ પડખામાં સુવુ પડે છે. જેથી નાનુ બાળક તેની બાજુમાં સુઈ શકે.
આ વર્ષે મધર્સ ડે પર રેલવેએ મહિલાઓની આ પરેશાનીનો હલ કાઢીને એક નવી શરૂઆત કરી છે. જે અંતર્ગત ટ્રેનમાં પહેલીવાર બેબી બર્થની જોગવાઈ કરવામાં આવી છે. જેથી માતા યાત્રા દરમ્યાન પોતાના બાળકની સાથે આરામથી સુઈ શકે બેબી બર્થ પર બાળકની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યુ છે કે જેથી માતા નીંદર લેતી હોય ત્યારે પડખુ બદલતી વખતે બાળક નીચે ન પડી જાય.
નોર્થન રેલવેનાં પ્રવકતા દિપકકુમારે જણાવ્યું હતું કે ઉતર રેલવેનાં લખનૌ ડીવીઝને આ પહેલ કરી નવી દિલ્હી અને લખનૌ વચ્ચે ચાલતી લખનૌ મેલ ટ્રેનમાં પ્રાયોગીક રીતે બેબી બર્થ લગાવવાની શરૂઆત કરી છે. આ ટ્રેનના એસી થ્રી ટાયર કોચ નંબલ બી-4 ની બર્થ નં.12 અને 60 પર લાગેલી બર્થની સાથે જ આ બેબી બર્થ લગાવાઈ છે. જોકે આ બન્ને બર્થ લોઅર બર્થ છે અને કોચમાં પ્રવેશ કરવા માટે લાગેલા બન્ને દરવાજા નજીક (સેક્ધડ કેબીનમાં) જ આ બર્થ લાગી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ બન્ને બર્થ પાસે બેબી બર્થ એટેચ કરાઈ છે.
આ રીતે બર્થને બંધ કરો
બર્થને બંધ કરવા માટે પહેલા સ્લાઈડીંગ લોક ખોલીને ગ્રીલને બંધ કરો. તેને બર્થની સાથે ફોલ્ડ કરીને ઈલાસ્ટીક વેલ્થ તેની ઉપર કરી દો. જેથી તે બીજી વાર ના ખુલે. બાદમાં બર્થ નીચે એક હાથ લગાવીને બીજા હાથથી સ્લાઈડર લોકને ઉપરની તરફ ખેંચો, જેથી બર્થ અનલોક થઈ જશે તેને નીચેની તરફ ફેરવીને બંધ કરી દો અને સ્ટોપર લગાવીને લોક કરી દો.
સેફટીનું રાખો ધ્યાન
ટ્રેનની મિડલ કે સાઈડ બર્થની જેમ બેબી બર્થને પણ ફોલ્ડ ગણી શકાય છે.મતલબ જયારે બેસીને યાત્રા કરવાની હોય તો આ બર્થને મુખ્ય સીટની નીચેની તરફ વાળીને લોક કરી શકાય છે. જેથી બેસવામાં તકલીફ ન પડે અને જયારે સુવુ હોય તો તેને તરત જ ખોલી શકાય છે.આ બર્થમાં સુરક્ષાની સ્ટોપર પણ લાગેલ છે જેને બર્થ ખોલતા હટાવી શકાય છે. બર્થને ખોલ્યા બાદ સ્લાઈડરને પુશ કરીને બેબી બર્થ મેઈન બર્થની સાથે એકદમ એટેચ થઈ જશે અને વચ્ચે કોઈ ગેપ નહી રહે.
બાળકની સુરક્ષા માટે તેમાં બે બેલ્ટ પણ લાગેલા છે. બેબી બર્થની લંબાઈ લગભગ 60 ઈચ અને પહોળાઈ 10 ઈંચ છે અને ટ્રેનનાં ફલોરથી ઉંચાઈ મુખ્ય બર્થ જેટલી જ હશે.
કેવી રીતે થશે બુકીંગ
રેલવેના એક અધિકારીએ જણાવ્યુ હતું કે હજુ તેના બુકીંગ માટે અલગથી કોઈ સીસ્ટમ ડેવલપ નથી કરાઈ. ટીકીટ બુક કરાવતી વખતે જયારે માની સાથે યાત્રા કરનાર 5 વર્ષથી ઓછી વયના બાળકની ડીટેલ્સ રિઝર્વેશન ફોર્મમાં ભરવામાં આવશે તો સીસ્ટમ પોતાની મેળે આ સીટ બુક કરી લેશે. અલબત, બન્ને સીટ બુક થયા બાદ અન્ય મહિલા યાત્રીઓને સામાન્ય સીટો જ મળશે.
આ સિવાય બાળકો સાથે યાત્રા દરમ્યાન મહિલા કોચમાં ઉપસ્થિત ટીસી પાસેથી પણ મદદ મેળવી શકે છે. જો બેબી બર્થવાળી સીટ ખાલી છે અથવા તેના પર કોઈ પુરૂષ યાત્રી યાત્રા કરી રહ્યો છે તે તેની સાથે વાત કરીને આપસી સહમતીથી પણ બેબી બર્થવાળી સીટ મળી શકે છે. આના માટે લખનૌ મેલમાં તૈનાત બધા ટીસીઓને અલગથી સંદેશો જાહેર કરાયો છે. હાલ તો બેબી બર્થવાળા સીટના બુકીંગનો કોઈ અલગથી ચાર્જ કે ભાડુ નહીં વસુલાય.