વર્લ્ડકપ પહેલાં ઑસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા સામે ત્રણ ટી-20 રમવા ભારત આવશે

11 May 2022 11:54 AM
Sports
  • વર્લ્ડકપ પહેલાં ઑસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા સામે ત્રણ ટી-20 રમવા ભારત આવશે

સપ્ટેમ્બરમાં રમાશે રોમાંચક મુકાબલા: વર્લ્ડકપની તૈયારી માટે આ શ્રેણી બન્ને ટીમ માટે રહેશે મહત્ત્વની: આઈપીએલ બાદ પણ ટીમ ઈન્ડિયા રહેશે અત્યંત વ્યસ્ત

નવીદિલ્હી, તા.11
ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા ઘણી વ્યસ્ત રહેવાની છે. આ બધાની વચ્ચે સપ્ટેમ્બરમાં ઑસ્ટ્રેલિયા ટીમ ભારત આવી રહી છે. પોતાના આ પ્રવાસ દરમિયાન ઑસ્ટ્રેલિયા ભારત વિરુદ્ધ ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે. ઑસ્ટ્રેલિયાની ટીમ ઝીમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ તેમજ ભારત વિરુદ્ધ ત્રણ-ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે.

ટી-20 વર્લ્ડકપની તૈયારીઓના ભાગરૂપે ઑસ્ટ્રેલિયા સામેની આ શ્રેણી અત્યંત મહત્ત્વની બની રહેશે. બીજી બાજુ ભારતે પણ ટી-20 વિશ્વકપની તૈયારીઓને લઈને અનેક રણનીતિ તૈયાર કરી લીધી છે. આઈપીએલ પછી તુરંત ભારતીય ટીમ 9થી 19 જૂન દરમિયાન દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચની ટી-20 શ્રેણી રમશે. ટી-20 વર્લ્ડકપની દૃષ્ટિએ આ શ્રેણી અત્યંત મહત્ત્વની બની રહેશે. આ ઉપરાંત ભારતીય ટીમ જૂલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસે રહેશે. 1 જૂલાઈથી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમો અને અંતિમ ટેસ્ટ મેચ રમવાનો છે જે પાછલા વર્ષે કોરોનાને કારણે સ્થગિત કરી દેવાયો હતો.

ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચ પણ રમવાની છે. આ પછી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પ્રવાસે પણ જશે જ્યાં તે બે ટી-20 મુકાબલા રમશે. દરમિયાન ટી-20 વર્લ્ડકપમાં ભારત પોતાનો પ્રથમ મુકાબલો 23 ઑક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ મેલબર્નમાં રમશે. ભારતનો બીજો મુકાબલો 27 ઑક્ટોબરે થશે. આ પછી 30 ઑક્ટોબરે ભારત-આફ્રિકા વચ્ચે પર્થમાં રોમાંચક ટક્કર જોવા મળી શકે છે. એડિલેડમાં 2 નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ અને 6 નવેમ્બરે ભારત વધુ એક મુકાબલો રમવા ઉતરશે.


Related News

Loading...
Advertisement
Advertisement