મુંબઈ, તા.11
આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સે બીજી નવી ટીમ લખનૌ સુપરજાયન્ટસને 62 રને હરાવીને આ સીઝનની પ્લેઑફની ટિકિટ કપાવી લીધી છે. આઠ મેચ જીત્યા બાદ બે મેચ હારીને ટાઈટન્સે ફરીથી વિનિંગ ટ્રેક પર વાપસી કરી છે. ગુજરાતે સીઝનની પોતાની 12માંથી 9 મેચ જીતી છે. બીજી બાજુ લખનૌની ટીમ આ હાર બાદ પ્રથમ ક્રમેથી બીજા ક્રમે પહોંચી ગઈ છે.
હવે તેણે પ્લેઑફમાં પહોંચવા માટે વધુ એક જીત મેળવવી પડશે. બોલર્સના શ્રેષ્ઠ પ્રદર્શનને પગલે લખનૌની ટીમને માત્ર 145 રનનો લક્ષ્યાંક જ મળ્યો હતો જેનો પીછો કરવામાં ટીમ ગુજરાતના સ્પિનર્સ રાશિદ ખાન (4/24) અને આર.સાંઈ કિશોર (2/7)ની ફિરકીમાં ફસાઈ ગઈ હતી અને માત્ર 82 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી.
આ વખતની આઈપીએલમાં એવું બહુ ઓછું બન્યું છે, જ્યારે ટોસ હારનારો કેપ્ટન કહે તેને એ જ મળ્યું છે જે તે ઈચ્છતો હતો પરંતુ આવું બન્યું જ્યારે પૂનાના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય લીધો હતો. હાર્દિક પંડ્યાના નિર્ણય પર લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન રાહુલે કહ્યું કે તે તો પહેલાં બોલિંગ જ કરવા માંગતો હતો.
સ્થિતિ એવી રહી કે શુભમન ગીલ ઓપનિંગ કરતાં નોટઆઉટ રહ્યો પરંતુ તેણે માત્ર 63 રન બનાવ્યા હતા. જો કે તેના આ યોગદાનની મદદથી ગુજરાતે લખનૌને 145 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લખનૌના બોલર્સની ચુસ્ત બોલિંગને પગલે ગુજરાતે પોતાની ઈનિંગ્સની 15 ઓવરમાં ત્રણ વિકેટે માત્ર 92 રન બનાવ્યા હતા. ઓપનર ગીલ પીચ પર અટકી અટકીને આવી રહેલા બોલથી વાકેફ બની ગયો હતો.
તેણે પહેલાં ડેવિડ મીલર (26 રન) સાથે ચોથી વિકેટ માટે 52 રન જોડ્યા હતા. જો કે આ રન 41 બોલમાં બન્યા હતા. આ પછી ગીલને રાહુલ તેવટિયા (અણનમ 22 રન)નો સાથ મળ્યો હતો અને બન્નેએ પાંચમી વિકેટ માટે ચાર ઓવરમાં 41 રનની અણનમ ભાગીદારી કરી હતી. ગુજરાતના ખાતામાં અંતિમ પાંચ ઓવરમાં 52 રન આવ્યા હતા જેમાં જેસન હોલ્ડરની અંતિમ ઓવરમાં આવેલા 16 રન પણ સામેલ છે.