કેજરીવાલથી વેપાર-ઉદ્યોગ સંગઠનોએ ‘અંતર’ બનાવ્યું : કારણ વિશે સસ્પેન્સ

11 May 2022 04:12 PM
Rajkot
  • કેજરીવાલથી વેપાર-ઉદ્યોગ સંગઠનોએ ‘અંતર’ બનાવ્યું : કારણ વિશે સસ્પેન્સ

* દિલ્હી-પંજાબ સાથે કૃષિ પેદાશોથી લઇને કોલસા-હોઝીયરીનો જંગી વેપાર

* ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને ઔદ્યોગિક-બિલ્ડર સહિતના સંગઠનોએ ‘અનિચ્છા’ દર્શાવતા વેપાર-ઉદ્યોગકારો સાથેની બેઠકનું પ્લાનીંગ પડતું મુકીને માત્ર ‘ઔપચારિક’ મીટીંગ રાખ્યાની ચર્ચા

રાજકોટ, તા. 11
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ‘આપ’નું શાસન દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ છે અને બંને રાજયો સાથે રાજકોટ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને મોટો વ્યવહાર હોવા છતાં રાજકોટના વેપાર-ઉદ્યોગ સંગઠનને કેજરીવાલ સાથે ‘અંતર’ જાળવ્યું હોવાની વિગતો બહાર આવી છે. વાસ્તવમાં કેજરીવાલ સાથે વેપાર-ઉદ્યોગકારોની મીટીંગ રાખવાની પણ વિચારણા થઇ હતી પરંતુ મોટા ભાગના સંગઠનોએ નેગેટીવ સૂર દર્શાવ્યાના પગલે આ આયોજન પડતું મૂકી દેવાયાની અને તેના બદલે માત્ર ઔપચારિક મીટીંગ રાખવામાં આવ્યાની ચર્ચા છે.

દેશના વડાપ્રધાન અથવા મોટા રાજયોના મુખ્યમંત્રી શહેરની મુલાકાતે આવે ત્યારે એકબીજા રાજયો સાથે વ્યાપાર વ્યવહારો વધારવા અને કોઇ તકલીફો હોય તો તેના વિશે માહિતી મેળવવા માટે વેપાર ઉદ્યોગકારો પાસે મીટીંગ રાખતા હોય છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના ઝંપલાવાનું જાહેર કરનાર અને દિલ્હી-પંજાબમાં સત્તા ધરાવતા પક્ષના નેતા અને મુખ્યમંત્રી કેજરીવાલ આજે પ્રથમ વખત રાજકોટ આવ્યા છે. દિલ્હી-પંજાબ સાથે રાજકોટના વેપાર ઉદ્યોગકારોનો ઘણો મોટો ધંધાકીય વ્યવહાર છે.

કૃષિ પેદાશોથી માંડીને કોલસા અને હોઝયરી, કપડા સહિતનો મોટો વેપાર થાય છે. ઔદ્યોગિક વ્યવહાર પણ ઘણો છે. રાજકોટના જ એક રાજકીય નેતાએ જણાવ્યું હતું કે પોતે કોલસાનો વ્યવસાય કરે છે અને પંજાબના ઉદ્યોગોને કોલસા સપ્લાય કરે છે. આ જ રીતે કોઠારીયા નાકા, ધર્મેન્દ્ર રોડ સહિતના હોઝીયરીના વેપારીઓ પણ પંજાબ સાથે મોટો વ્યવહાર ધરાવે છે. તૈયાર કપડામાં પણ દિલ્હીથી મોટી ખરીદી થતી હોય છે.

ઔદ્યોગિક માલ સામાનની ઘણી સપ્લાય હોય છે. ઘઉં, ચોખા જેવી કૃષિ પેદાશોમાં પંજાબનું મોટું યોગદાન છે અને ત્યાંથી સારો એવો માલ રાજકોટ સૌરાષ્ટ્રમાં આવતો હોય છે. આમ દિલ્હી-પંજાબ સાથે મોટા ધંધાકીય વેપાર હોવાના કારણે કેજરીવાલની હાજરીમાં વેપાર ઉદ્યોગ સંગઠનની બેઠક રાખવાનું પ્લાનીંગ વિચારાયું હતું અને અનેક સંગઠનો સાથે પ્રાથમિક ચર્ચા પણ થઇ હતી. પરંતુ મોટા ભાગના સંગઠનોએ જવાબ નેગેટીવ આપ્યો હોવાથી પ્લાનીંગ પડતું મૂકાયુ હોવાની ચર્ચા છે.

આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ નામ નહીં આપવાની શરતે એમ જણાવે છે કે ભાજપ સરકારના દબાણથી સંગઠનોએ નકારાત્મક વલણ અપનાવ્યું હોવાનું માની શકાય છે. રાજકોટ ચેમ્બર હોય કે અન્ય કોઇ સંગઠનો મોટા ભાગના આગેવાનો એક યા બીજી રીતે ભાજપ સાથે જોડાયેલા છે. એટલે દેખીતી રીતે ભાજપની ગુડબુકમાંથી નીકળવામાં તૈયાર ન થાય.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે વાતચીતમાં એવું સ્પષ્ટ કહ્યું હતું કે કેજરીવાલ મીટીંગ માટે બોલાવે તો સંગઠનના દરજજે તો હાજર નહીં જ રહે. સંગઠન કોઇ પ્રતિનિધિને પણ નહીં મોકલે, કોઇ વેપાર ઉદ્યોગકાર વ્યકિતગત રીતે જાય તો જુદી વાત છે. એન્જીનીયર એસો.ના પ્રમુખ પરેશ વાસાણીએ એવી ચોખવટ કરી હતી કે સંગઠન કોઇ રાજકીય પક્ષની મીટીંગમાં જતું નથી કે જેનાથી વિવાદ ઉભો થાય.

બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, શાપર-વેરાવળ ઇન્ડ. એસો.ના પ્રમુખ રમેશ ટીલાળા, ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા વગેરે પણ અગાઉ એવું કહ્યું હતું કે કેજરીવાલની મીટીંગ થાય તો એસો. દરજજે હાજરી નહીં જ આપે. મોરબી સિરામીક એસો.એ તો વિધિવત રીતે એવું જાહેર કરી દીધુ હતું કે કેજરીવાલની મીટીંગમાં એસો. સામેલ નહીં થાય. જોકે પાર્ટી દ્વારા પછી કોઇ મીટીંગ જાહેર જ કરવામાં આવી ન હતી તે જુદી વાત છે. એમ કહેવાય છે કે આજે કેજરીવાલ પાર્ટી તથા સમાજના વિવિધ આગેવાનોને મળવાના છે તે ઔપચારિક મીટીંગ જ હશે.


Related News

Loading...
Advertisement
Advertisement