રાજસ્થાનના ‘રોયલ્સ’ ઉપર ભારે પડી ઑસ્ટ્રેલિયન જોડી: દિલ્હી કેપિટલ્સનો આઠ વિકેટે શાનદાર વિજય

12 May 2022 11:11 AM
India Sports World
  • રાજસ્થાનના ‘રોયલ્સ’ ઉપર ભારે પડી ઑસ્ટ્રેલિયન જોડી: દિલ્હી કેપિટલ્સનો આઠ વિકેટે શાનદાર વિજય

મીચેલ માર્શે 89 અને ડેવિડ વોર્નરે અણનમ 52 રન ઝૂડ્યા: દિલ્હી પ્લેઑફની રેસમાં જીવંત: રાજસ્થાનનો પાંચમો પરાજય: અશ્વિને આઈપીએલ કરિયરની પહેલી ફિફટી ફટકારી

મુંબઈ, તા.12
ઑસ્ટ્રેલિયાના મીચેલ માર્શ (89 રન, 62 બોલ)ના ઑલરાઉન્ડ પ્રદર્શન અને ડેવિડ વોર્નર (અણનમ 52 રન) સાથે બીજી વિકેટ માટે 144 રનની ભાગીદારીના દમ પર દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ પર આઠ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. માર્શે ઉમદા બોલિંગ કરતાં બે વિકેટ પણ મેળવી હતી. પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે જીતની તલાશમાં ઉતરેલી દિલ્હીની આ 12 મેચમાં છઠ્ઠી જીત છે. બીજી બાજુ રાજસ્થાને આટલા જ મેચમાં પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે.

પીચ પર ખૂલીને શોટ રમવા સહેલા નહોતા. આવામાં એક સરેરાશ ટોટલનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની પહેલી વિકેટ ઈનિંગના બીજા જ બોલે પડી ગઈ હતી. ઓપનર શ્રીકાર ભરત ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યો હતો. આ પછી ઑસ્ટ્રેલિયા વતી સાથે રમનારા ડેવિડ વોર્નર અને મીચેલ માર્શની જોડીએ ક્રીઝ પર પગ જમાવી લીધા હતા. હંમેશા આક્રમક મોડમાં રહેનારા વોર્નરે શરૂઆતમાં એન્કરની ભૂમિકા ભજવી અને માર્શે ઝડપથી રન બનાવ્યા હતા.

પાવરપ્લેમાં એક વિકેટે 38 રન બનાવ્યા બાદ આ જોડીએ થોડી સ્પીડ વધારી હતી. ટીમે 100 રન 13.3 ઓવરમાં પૂરા કરી લીધા જ્યારે માર્શે પોતાની પહેલી આઈપીએલ ફિફટી 38 બોલમાં બનાવી લીધી હતી. દિલ્હીએ 11 બોલ બાકી રાખતાં આ મેચ જીતી લીધી હતી.

આ પહેલાં આર.અશ્વિને બેટિંગમાં પોતાનું કૌવત બતાવ્યું હતું. તેણે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરતાં આઈપીએલ કરિયરની પોતાની પહેલી ફિફટી બનાવી હતી. અશ્વિન અને દેવદત્ત પડ્ડીકલની કોશિશોએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આ મેચમાં છ વિકેટે 160 રનનો સ્કોર ખડક્યો હતો. આ મેચમાં દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને ચોંકાવતા નંબર ત્રણ પર અશ્વિનને મોકલ્યો હતો. અશ્વિને આવતાંની સાથે જ એટેક કરવાનું શરૂ કરી દીધું હતું જેનો ફાયદો એ થયો કે રાજસ્થાને ધીમી શરૂઆત છતાં પાવરપ્લેની છ ઓવરમાં 43 રન બનાવી લીધા હતા.

‘એલ ક્લાસિકો’ ચેન્નાઈ-મુંબઈ વચ્ચે આજે ફરી ટક્કર
ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી ચેન્નાઈ સુપરકિંગ્સ આજે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે તો તેનો લક્ષ્યાંક ટૂર્નામેન્ટમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો રહેશે. જ્યારે પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ચૂકેલી મુંબઈ માટે ગુમાવવા જેવું કશું નથી. આ સીઝન ચેન્નાઈ-મુંબઈ જેવી આઈપીએલની બે સૌથી સફળ ટીમો માટે નિરાશાજનક રહી છે. મુંબઈ હવે પ્રતિષ્ઠા માટે રમશે જ્યારે ચેન્નાઈ હજુ પણ દોડમાં યથાવત રહેવા માટે રમશે. ચેન્નાઈ જો મુંબઈ સામે હારી જાય છે તો તે પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

ચેન્નાઈને મોટો ફટકો: ઈજાને કારણે રવીન્દ્ર જાડેજાની ઘરવાપસી
ચેન્નાઈ સુપરકિંગ્સના અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પાંસળીઓની ઈજાને કારણે આઈપીએલની બાકી બચેલી મેચમાંથી બહાર થઈ ગયો છે. તેણે થોડા દિવસ પહેલાં જ ટીમની કેપ્ટનશિપ છોડી હતી. જાડેજા હવે ઘેર પરત ફરી ચૂક્યો છે. જાડેજાની અનઉપલબ્ધતાનું સત્તાવાર કારણ ઈજા ગણાવાયું છે પરંતુ સૂત્રો દાવોકરી રહ્યા છે કે તેને બહાર કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement