અસામાન્ય ભાવ ! સ્પીનીંગ યુનિટોએ રૂ-કપાસની ખરીદી 50 ટકા ઘટાડી નાંખી

12 May 2022 11:39 AM
Ahmedabad Gujarat Top News
  • અસામાન્ય ભાવ ! સ્પીનીંગ યુનિટોએ  રૂ-કપાસની ખરીદી 50 ટકા ઘટાડી નાંખી

સ્પીનીંગમાં હાલ ખોટનો ધંધો હોવાનો ઘાટ : ઉત્પાદનમાં મોટો કાપ

અમદાવાદ, તા.12
રૂ-કપાસના ભાવ અસાધારણ તેજીના પગલે સ્પીનીંગ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. સ્પીનર્સોએ ખરીદીમાં 50 ટકા જેવો કાપ મુકી દીધો છે. વૈશ્વીક ઘટનાક્રમોને કારણે નિકાસ પણ ધીમી પડી હોવાથી સ્પીનીંગમાં નફાને બદલે ખોટ થતી હોવાની હાલત સર્જાય છે.

સ્પીનર્સ એસો. ઓફ ગુજરાતના રીપોર્ટમાં જણાવાયું છે કે ઉંચા ભાવના કારણે યાર્નની ડિમાન્ડમાં ઘટાડો થયો છે તેને પરિણામે ગુજરાતના સ્પીનીંગ યુનિટોએ રૂ-કપાસની ખરીદીમાં 50 ટકાનો કાપ મુકી દીધો છે. દર મહિને સરેરાશ 6.2 લાખ ગાંસડીની ખરીદી સામે ગત મહિને માત્ર 3.1 લાખ ગાંસડીની જ ખરીદી કરવામાં આવી હતી તેની પાછળનું કારણ ઉંચા ભાવ છે. રૂની ગાંસડીનો ભાવ 98000ના સ્તરે પહોંચી ગયો છે જે પ્રિમીયમ કવોલીટીમાં એક લાખને પણ વટાવી ગયો છે. રૂના ઉંચા ભાવને કારણે ઉત્પાદન ખર્ચ ઉંચો થઇ ગયો છે.

સંસ્થાના પ્રમુખ સૌરીન પરીખે જણાવ્યું હતું કે ઉંચો ઉત્પાદન ખર્ચ સંપૂર્ણપણે ગ્રાહકો પર ઝીકી શકાય તેમ નથી એટલે સ્પીનીંગ યુનિટો જરૂરીયાત મુજબની ખરીદી કરી રહ્યા છે અત્યારે વિશ્વ બજાર પણ ધીમી પડી છે. 60 ટકા યાર્નની નિકાસ થતી હોય છે. વિશ્વ બજારમાં યાર્નની ડિમાન્ડમાં પણ ઘટાડો છે. ઉત્પાદન ખર્ચ વધી ગયો હોવાના કારણે સ્પીનીંગ યુનિટોને પ્રતિ કિલો રૂા.30ની નુકસાની થઇ રહી છે. 30 સીસીએચ કોટન યાર્નનો ભાવ 385 છે પરંતુ તેનો ઉત્પાદન ખર્ચ 410 રૂપિયા જેવો થઇ રહ્યો છે.

આ જ રીતે 40 સીસીએચ યાર્નનો ભાવ 420 છે તેનો ઉત્પાદન ખર્ચ 450 આસપાસ થાય છે. નફાના બદલે ખોટનો ધંધો થઇ ગયો હોવાથી અનેક સ્પીનીંગ યુનિટોએ ઉત્પાદન ઘટાડી નાખ્યુ છે અને હવે અઠવાડિયામાં પાંચ દિવસ જ કારખાના ચાલુ રાખવાનો વ્યુહ અપનાવ્યો છે. ઓર્ડર પણ ધીમા પડી ગયા છે જે સ્પીનીંગ ઉદ્યોગ માટે સારી નિશાની નથી. લોકલ ડિમાન્ડ ઘણી ઓછી છે અને નિકાસ ઓર્ડર મળતા લગભગ બંધ જ થઇ ગયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement