ક્રિપ્ટોકરન્સીમાં બ્લડબાથ : ટેરાનું મૂલ્ય 99 ટકા ઘટી ગયું

12 May 2022 03:17 PM
Business India
  • ક્રિપ્ટોકરન્સીમાં બ્લડબાથ : ટેરાનું મૂલ્ય 99 ટકા ઘટી ગયું

બીટકોઇન 9.89 ટકા ગગડીને 27000 ડોલર નજીક : સોલાના, ઇથરમ સહિતની તમામેતમામ ક્રિપ્ટોમાં કડાકા : એક જ દિવસમાં ઇન્વેસ્ટરોના 16.83 ટકા નાણા ડૂબી ગયા

મુંબઇ, તા. 12
શેરબજારની તેજી વખતે સર્જાયેલા ક્રિપ્ટોકરન્સીના ક્રેઝમાં ઇન્વેસ્ટરોને હવે રોવાનો વારો આવ્યો છે. આજે તમામ ક્રિપ્ટોકરન્સીમાં પ્રચંડ ગાબડા પડયા હતા. ટેરાનામક ક્રિપ્ટોનું મૂલ્ય 99 ટકા ઘટી ગયું હતું. એક દિવસમાં તમામ ક્રિપ્ટોકરન્સીમાં 16.83 ટકા નાણા ડૂબી ગયા હતા. સૌથી વધુ પ્રચલિત બીટકોઇન પણ 9.89 પટકાઇને 16 મહિનાના તળીયે ધસી પડયો હતો.

ભારત સહિત વિશ્વભરમાં કેટલાક મહિનાથી પ્રચલિત બનેલા ક્રિપ્ટોકરન્સીના વેપારમાં નાના ઇન્વેસ્ટરો પણ આંધળુકીયા કરવા લાગ્યા હતા અને મોટું રોકાણ ઠાલવવા લાગ્યા હતા પરંતુ બ્લડબાથની હાલત સર્જાતા ઇન્વેસ્ટરોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. આજે એક જ દિવસમાં ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ ઘટીને 1.14 ટ્રીલીયન ડોલર પર આવી ગયું હતું જે 16.83 ટકાનો ઘટાડો સૂચવે છે.

બીટકોઇન, ઇથરમ સોલાના સહિતની જાણીતી ક્રિપ્ટોકરન્સી છેલ્લા અનેક મહિનાના તળીયે ધસી પડી હતી. વિવિધ દેશો દ્વારા વ્યાજદરમાં વધારો, આવતા દિવસોમાં મોંઘવારી હજુ ભડકવાના ભણકારા, નાસ્ડેકમાં ટેકનોલોજી કંપનીઓના ભાવમાં ગાબડા, ભૌગોલિક ટેન્શન સહિતના કારણોથી ક્રિપ્ટો માર્કેટ હચમચી ગયું હોવાનું જાણકારોએ જણાવ્યું છે.

બીટકોઇનનો ભાવ આજે 9.89 ટકા ઘટીને 27411.11 ડોલર થયો હતો. તે છેલ્લા 16 મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો. આ જ રીતે ઇથરનો ભાવ 22.37 ટકા તુટીને 1797.26 ડોલર થયો હતો. બીટકોઇનમાં 30000 ડોલરનો મહત્વનો સપોર્ટ તુટી ગયો છે જે હવે લાંબા ગાળાની મંદી સૂચવે છે તેમ જાણકારોનું કહેવું છે.

બીજી તરફ લુનાનો ભાવ ગગડીને એક ડોલર પર આવી ગયો હતો. ટેરાનો એલ્ગોરીથમીક સ્ટેબલ કોઇન યુએસટીનો ભાવ 0.30 ડોલર પર આવી ગયો હતો. બપોરે ટેરાનો ભાવ 0.2066 ડોલર હતો જે અંદાજીત 97 ટકાનો ઘટાડો સૂચવે છે. આ ક્રિપ્ટોનો ભાવ બે દિવસમાં 99 ટકા ઘટી ગયો છે. ઇન્વેસ્ટરોના 99 ટકા રોકાણનું ધોવાણ થઇ ગયું છે.

કઇ ક્રિપ્ટોકરન્સીમાં કેટલું ધોવાણ?
મુખ્ય ક્રિપ્ટોકરન્સીના મૂલ્ય પર નજર કરવામાં આવે તો બીટકોઇન 9.89 ટકા ઘટીને 27411.11 ડોલર, ઇથરમ 22.37 ટકા ઘટીને 1797.26 ડોલર, ટીથર 4.90 ટકા ઘટીને 0.9508 ડોલર, યુએસડી કોઇન 1 ડોલર, બીએનબી 27.63 ટકા ગગડીને 221 ડોલર, એકસઆરપી 30.09 ટકા ઘટીને 0.3539 ડોલર, કારડાનો 33.23 ટકા ઘટીને 0.4096 ડોલર, સોલાના 39.19 ટકા ઘટીને 38.56 ડોલર થઇ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement