શેરબજાર અને રૂપિયો ફરી કડડભૂસ : સેન્સેકસ 1300 પોઇન્ટ તૂટયો, નિફટી 16000ની નીચે

12 May 2022 03:55 PM
Business India
  • શેરબજાર અને રૂપિયો ફરી કડડભૂસ : સેન્સેકસ 1300 પોઇન્ટ તૂટયો, નિફટી 16000ની નીચે

* સેન્સેકસમાં 53000ની અંદર સરકયો : તમામ શેરોમાં ગાબડા : ડોલર સામે રૂપિયો 77.60ના નવા તળીયે : સાર્વત્રિક ગભરાટ ભરી વેચવાલી

* એક જ દિવસમાં ઇન્વેસ્ટરોના 5.16 લાખ કરોડ સ્વાહા : એક મહિનામાં 34 લાખ કરોડ ડૂબી ગયા : બીએસઇ-500ની 400 કંપનીઓમાં 20 થી 76 ટકાના ગાબડા

રાજકોટ, તા. 12
મુંબઇ શેરબજાર આજે વધુ એક વખત કડડભૂસ થઇ ગયું હોય તેમ સેન્સેકસમાં 1300 પોઇન્ટથી અધિકનો કડાકો સર્જાવા સાથે ઇન્વેસ્ટરોના પાંચ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. ડોલર સામે ભારતીય રૂપિયાએ પણ ગોથુ ખાધુ હતું અને રૂપિયાનું મૂલ્ય નવા ઐતિહાસિક તળીયે પહોંચી ગયું હતું. શેરબજારમાં જ મોરલ ખળભળી ગયું હોય તેમ આજે વેચવાલીનો જોરદાર મારો રહ્યો હતો અને તેમાં મોટા ભાગના શેરોમાં ગાબડા પડયા હતા.

વિશ્વ સ્તરે વ્યાજદરમાં વધારો, મોંઘવારી હજુ ભડકવા સાથે આર્થિક વિકાસ દર ઘટવાના અને અમેરિકા જેવા દેશોનું અર્થતંત્ર મંદીમાં ધકેલવાની આશંકા, ભારતીય વિદેશી હુંડીયામણ રિઝર્વમાં સતત ઘટાડો વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલી ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાના ધોવાણ જેવા અનેકવિધ કારણોથી શેરબજારનું માનસ ખખડી ગયાનો ઘાટ સર્જાયો હતો.

વિદેશી નાણા સંસ્થાઓ એકધારી બેફામ વેચવાલી કરતી રહી છે. ચાલુ વર્ષમાં સાડા ચાર મહિનામાં વિદેશી સંસ્થાઓએ અંદાજીત બે લાખ કરોડનું વેચાણ કર્યા હોવાના આંકડા જાહેર થતા ગભરાટ વકર્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટને અસરકર્તા લગભગ તમામ કારણો પ્રતિકૂળ બની ગયા છે. મોંઘવારીમાં કોઇ રાહત નથી. અર્થતંત્ર ખરાબ થવાના એંધાણના કારણે ગભરાટ વકર્યો છે ટુંકાગાળામાં માર્કેટ સ્થિર થવા સામે શંકા છે.

શેરબજારમાં આજે લગભગ મોટા ભાગના શેરોમાં ગાબડા પડયા હતા. અદાણી પોર્ટ, હિન્દાલકો, બજાજ ફાયનાન્સ, ટાટા મોટર્સ, પંજાબ નેશનલ બેંક, ઇન્ડુસ ઇન બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મારૂતિ, નેસલે, મહિન્દ્ર, પાવર ગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, બજાજ ફિન્સ સર્વિસ, ભારતી એરટેલ, ડો. રેડ્ડી, એચડીએફસી, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક વગેરે ગગડયા હતા. મંદી બજારે પણ ટીસીએસ, એચસીએલ ટેકનો જેવાઅમુક શેરો મજબુત હતા.

શેરબ્રોકીંગ હાઉસના રીપોર્ટ પ્રમાણે બીએસઇ 500 હેઠળના 80 ટકા શેરો મંદીમાં પટકાયા છે જયારે 400 શેરોમાં 20 થી 46 ટકાનું ધોવાણ થયું છે. આજે એક જ દિવસમાં ઇન્વેસ્ટરોના 5.16 લાખ કરોડ ડૂબી ગયા હતા. બીએસઇનું માર્કેટ કેપ 246.31 લાખ કરોડ ઘટીને 241.15 લાખ કરોડ થયું હતું. એક મહિના પૂર્વે 11 એપ્રિલે 275.17 લાખ કરોડ હતું. તેની સરખામણીએ 34 લાખ કરોડનું ધોવાણ થયું છે.

મુંબઇ શેરબજારનો સેન્સેકસ 1200 પોઇન્ટના કડાકાથી 52880 સાંપડયો હતો જે ઉંચામાં 53632 તથા નીચામાં 52669 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 16000ની નીચે સરકી ગયો હતો અને 358 પોઇન્ટના ઘટાડાથી 15809 સાંપડયો હતો. જે ઉંચામાં 16041 તથા નીચામાં 15741 હતો.

બીજી તરફ ડોલર સામે રૂપિયામાં વધુ એક વખત ધોવાણ થયું હતું અને 77.60ના ઐતિહાસિક તળીયે આવી ગયો હતો. બે દિવસ પૂર્વે રૂપિયાએ 77.50નું તળીયુ બનાવ્યું હતું. બે દિવસ રીઝર્વ બેંકની દરમ્યાનગીરીથી સામાન્ય રીકવરી બાદ આજે ફરી 35 પૈસા ધસી પડયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement