ગાંધીનગર, તા.12
આજે રાજકોટ સહિત ગુજરાતના તમામ કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના મહેસૂલી બાબતના તમામ કામો ઉપરાંત પીવાના પાણીની સ્થિતિ તેમજ ડિઝાસ્ટર એક્શન પ્લાન અને ગતિશક્તિ પ્રોજેક્ટ સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યારબાદ કલેક્ટર-ડીડીઓની કોન્ફરન્સને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે આજે મંત્રીઓએ તમામ કલેક્ટરો અને ડીડીઓને ગાંધીનગર તેડાવ્યા હતા અને આખો દિવસ દરમિયાન ત્રણ તબક્કામાં બેઠક યોજી હતી. આ બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે જિલ્લાના વિવિધ કામો અને પ્રોજેક્ટ અંતર્ગતની અમલવારી સંદર્ભે વિશેષ સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ આ બંને મંત્રીઓએ અલગથી કોન્ફરન્સ આયોજિત કરી હતી
જેમાં મહેસૂલી કામો, પીવાના પાણીની વર્તમાન સ્થિતિ અને ચોમાસાના આગોતરા આયોજનો ઉપરાંત આરોગ્યલક્ષી બાબતોના વિવિધ કામો તેમજ ચોમાસા પૂર્વેનો એક્શન પ્લાન અને ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળના વિવિધ કામોની પણ સમીક્ષા કરાઈ હતી. બેઠકના અંતિમ તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજ્યના તમામ કલેક્ટર અને ડીડીઓ સાથે સીધો સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે મુખ્ય સચિવ પંકજકુમારે પણ જિલ્લા કલેક્ટરો અને ડીડીઓ સાથે અલગ બેઠક કરીને એજન્ડા ઉપરના વિવિધ કામો અન્વયે ચર્ચાકરી મહત્ત્વની સુચનાઓ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.