મુંબઈ : બોલિવુડ સ્ટાર રણવીરસિંહ આજકાલ તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન રણવીરસિંહે તેની ફિલ્મ ‘83’ની બોક્સ ઓફિસ પર ફેલ્યોરને લઇને ખુલીને વાત કરી હતી. ખરેખર તો ‘જયેશભાઈ જોરદાર’ના પ્રમોશન દરમિયાન જ્યારે રણવીરસિંહને પત્રકારોએ ફિલ્મ ‘83’ની નિષ્ફળતા અંગે પૂછ્યું તો રણવીરસિંહે જવાબ આપ્યો - સમય ખરાબ હતો.
ઉલ્લેખનીય છે કે 1983માં ભારતે સૌ પ્રથમ ક્રિકેટમાં વર્લ્ડ કપ જીતતા આ શાનદાર સફરને ફિલ્મમાં દર્શાવાઈ હતી. જેમાં રણવીરસિંહે તત્કાલીન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવી હતી.
રણવીરસિંહે જણાવ્યું હતું કે ‘83’ની ટિકા થઇ હતી કે તેણે એટલી કમાણી કરી નહોતી જેટલી આશા હતી પણ હું કહીશ કે ફિલ્મે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે લગભગ 200 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જે સાવ ખરાબ તો નહોતી. કોરોનાની ત્રીજી લહેર છતાં અનેક લોકો તે ફિલ્મ જોવા ગયા હતા. દુર્ભાગ્યની વાત એ હતી કે તે સમય ખરાબ હતો. ફિલ્મની રિલીઝના 48 કલાક પહેલા ઘણા થિયેટર્સ બંધ થઇ ગયા હતા.
રણવીરે સ્વીકાર કર્યો હતો કે ફિલ્મની રિલીઝમાં તે ખરો સમય નહોતો. ભલે કદાચ તે ફિલ્મ કમાણીના મામલે સફળ નહોતી પણ હું કહીશ કે તે મારી પસંદગીની ફિલ્મો પૈકીની એક છે, તેના માટે મારા દિલમાં ખૂબ જ પ્રેમ છે.