આણંદના ત્રણ ગામોમાં અવકાશમાંથી રહસ્યમય ‘સળગતો ગોળો’ ખાબક્યો

13 May 2022 11:15 AM
Gujarat Top News
  • આણંદના ત્રણ ગામોમાં અવકાશમાંથી રહસ્યમય ‘સળગતો ગોળો’ ખાબક્યો

ગામલોકો ભયભીત : અવકાશી ઉલ્કા છે કે સેટેલાઈટનો ‘કચરો’ ? તે દિશામાં તપાસ : પોલીસ કાફલો ધસી ગયો : ફોરેન્સીક નિષ્ણાંતો દોડાવાયા : ઇસરોની મદદ મંગાઈ

આણંદ, તા. 13
આણંદ જિલ્લાના ત્રણ ગામોમાં આકાશમાંથી રહસ્યમય ધાતુનો ગોળો ધડાકા સાથે ખાબકતા ગામલોકો ભયભીત બની ગયા હતા. આ રહસ્યમય અવકાશી પદાર્થને નિહાળવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અમુક ઘરમાં પણ નુકશાન થયું હતું. આ ભેદી પદાર્થ અવકાશી ઉલ્કા છે કે અન્ય કાંઇ તે વિશે અલગ-અલગ અટકળો કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાના ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભોળજ, રામપુરા અને હાલેજ ગામોમાં જોરદાર ધડાકા સાથે અવકાશમાંથી રહસ્યમય પદાર્થ ખાબક્યો હતો. અવકાશી ઉલ્કા જેવા આ પદાર્થનું વજન 5 થી 6 કિલોનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સળગતા આ પદાર્થથી ગામ લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાઇ ગયું હતું અને તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. આણંદના જિલ્લા પોલીસ વડા અજીત રજીયન તથા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસના સુત્રોએ કહ્યું કે આ રહસ્યમય પદાર્થ સદનસીબે ખુલ્લી જગ્યામાં પડ્યો હતો જેને કારણે કોઇ જાનહાની કે કોઇને ઇજા થઇ નથી.

પોલીસ વડા રજીયને જણાવ્યું હતું કે ત્રણેય ગામોમાં પોલીસની ટીમો મોકલવામાં આવી છે. ત્રણેય સ્થળોએ ગામલોકોના ટોળા ઉમટ્યા હતા. પ્રાથમિક રીતે એવું માનવામાં આવે છે કે, સેટેલાઇટની ગતિ જાળવવા માટે વપરાતા બોલ બેરીંગનો આ ગોળો હોઇ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરથી ફોરેન્સીક નિષ્ણાંતોને તેડાવવામાં આવ્યા છે. ઇસરોને પણ જાણ કરવામાં આવી છે. આ પૂર્વે બીજી એપ્રિલે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ આ પ્રકારનો રહસ્યમય ગોળો ખાબક્યો હતો. તપાસમાં એવું ખુલ્યું હતું કે ન્યુઝીલેન્ડે લોન્ચ કરેલા સેટેલાઈટનો આ એક ભાગ હતો.

ભૂતકાળમાં 2016માં વિયેતનામ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને તુર્કીમાં પણ આવા બનાવો નોંધાયા હતા. સુત્રોએ એમ જણાવ્યું છે કે ખંભોળજના સીલી ગામમાં પડેલો ગોળો ઘરના પતરા તોડીને અંદર ખાબક્યો હતો જેને પગલે લોકો ભયભીત બન્યા હતા. આ વખતે બે વ્યક્તિ ઘરની અંદર હતા જો કે તેઓને કોઇ ઇજા થઇ નથી પરંતુ પતરા અને ખાટલાને નુકશાન થયું હતું. એમ માનવામાં આવે છે કે સેટેલાઇટ અથવા સેટેલાઇટ ખોલવા માટેનો લોકેટનો કચરો હોઇ શકે છે. અવકાશ યાન ભ્રમણ કક્ષા છોડીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હોય અને તેનો ટુકડો ખાબક્યો હોય તેવું પણ બની શકે છે. આ ઘટનાક્રમથી લોકોમાં ભયમિશ્રીત કુતુહલ સર્જાયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement