45 થી 46 ડિગ્રી સાથે અમદાવાદ-સુરેન્દ્રનગરમાં અગનવર્ષા યથાવત

13 May 2022 11:45 AM
Surendaranagar Gujarat
  • 45 થી 46 ડિગ્રી સાથે અમદાવાદ-સુરેન્દ્રનગરમાં અગનવર્ષા યથાવત

રાજકોટ, અમરેલી, ગાંધીનગર પણ 44 ડિગ્રી પાર સાથે ગરમાગરમ : લોકો ભયંકર ગરમીથી તોબા

રાજકોટ, તા. 13
હિટવેવ અને સિવિયર હિટવેવની અસર હેઠળ ગઇકાલે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતના એક ડઝન શહેરોમાં 40 થી 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા લોકો કાળઝાળ તાપથી બેબાકળા બની ગયા હતા. ગઇકાલે સતત બીજા દિવસે પણ 46 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

સુરેન્દ્રનગર જીલ્લાનું તાપમાન સતત વધતુ જઈ રહ્યુ છે ત્યારે ગઇકાલે શહેરી વિસ્તારમાં તાપમાન 46 ડિગ્રીને પહોંચ્યું હતું. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ના રણમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે બે ડિગ્રી તાપમાન નીચું જવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સુરેન્દ્રનગરના તાપમાન 51 ડિગ્રીએ પહોંચી ગયું હતું પરંતુ હાલ રણ માં થોડી રાહત નો અહેસાસ અગરીઆઓએ કર્યો છે. પરંતુ સુરેન્દ્રનગર શાયરી વિસ્તારનું તાપમાન એક ડિગ્રી વધીને કુલ 46 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. જેને લઈને તંત્ર દ્વારા પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે

બપોરના સમયે બહાર ન નીકળવા પણ શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે જિલ્લાનું તાપમાન વધતું રહે છે હજી પણ આગામી 3 દિવસનું તાપમાન વધતું રહેશે તેવું હવામાન વિભાગ નું જણાવવાનું થઈ રહ્યું છે. ક્યારે ગરમીના પગલે લોકો પણ કાળઝાળ બની ચૂક્યા છે અને જિલ્લાના મુખ્ય રોડ રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ગઇકાલે રાજકોટ-અમદાવાદ અને ગાંધીનગર પણ ઉકળતા રહ્યા હતા. ગઇકાલે રાજકોટમાં 44.3, અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.9, ડિસામાં 43.2 અને વલ્લભવિદ્યાનગર ખાતે 42.1, ભુજમાં 42.3, કંડલા એરપોર્ટ ઉપર 42.8 તથા વડોદરા ખાતે 41.8 ડિગ્રી, મહતમ તાપમાન નોંધાયું હતું.

દરમ્યાન સામાન્ય રીતે ભૌગોલિક પરિસ્થિતિને લઈ અમરેલી જિલ્લામાં સૌથી વધુ ગરમી પડે છે. ત્યારે ચાલું વર્ષે વૈશાખ મહિનાની બપોર લોકોને અગનવર્ષાને લઈ ભારે પરેશાન કરે છે. ત્યારે અમરેલીમાં આજે બપોરે 44.6 ડીગ્રી તાપમાન થઈ જતાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. અમરેલીમાં છેલ્લા બે દિવસથી આકરો તડકો પડતો હોય 44 ડીગ્રી ઉપરાંતનું તાપમાન નોંધાયુ છે. ત્યારે સવારે 10 વાગ્યાથી જ વાતાવરણમાં હીટ પકડાતી હોય બપોર સુધીમાં તો લોકો સહન ન કરી શકે તેવું આકરૂ વાતાવરણ થઈ જાય છે.

અમરેલીની બજારો બપોરનાં સમયે ધમધમતી હોય પરંતુ ઉનાળામાં શહેરની બજારો, ક્રિકેટનું મેદાન હોય તેમ તમામ માર્ગો સુમસામ ભાસતા હોય છે. લોકોને જરૂરી કામ હોય તો જ બપોરનો તડકો માથે લે છે નહિ તો સાંજે અથવાતો સવારમાં બજારનાં કામો આટોપી લે છે. જોકે ગઇકાલે ભાવનગરમાં ગરમીમાં ચાર ડીગ્રીનો ઘટાડો થવા છતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો છે.

બુધવારે 44.5 ડીગ્રી તાપમાન રહ્યા બાદ ગઇકાલે ભાવનગર શહેરનું મહતમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયુ હતું. મહતમ તાપમાન ઘટવા છતાં અંગ દઝાડતી ગરમી, બફારાથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આજે લઘુતમ તાપમાન 27.6 ડીગ્રી નોંધાયુ છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા અને પવનની ઝડપ 18 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી છે. ચામડી બાળી નાખે તેવી ગરમીનાં કારણે લોકો અગત્યનાં કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement