‘આઉટ’ મુંબઈએ ચેન્નાઈને કરી બહાર: હૈદરાબાદ-દિલ્હીનો ખેલ પણ બગાડશે

13 May 2022 12:18 PM
Sports
  • ‘આઉટ’ મુંબઈએ ચેન્નાઈને કરી બહાર: હૈદરાબાદ-દિલ્હીનો ખેલ પણ બગાડશે

રોહિતસેનાએ ધોનીના ધુરંધરોને માત્ર 97 રનમાં તંબુ ભેગા કર્યા: પ્લેઑફમાં પહોંચવા મથી રહેલી હૈદરાબાદ અને દિલ્હીનો મુકાબલો મુંબઈ સામે થશે જેમાં મુંબઈ જીતશે તો બન્ને ટીમનું પ્લેઑફમાં પહોંચવાનું સ્વપ્ન રોળાઈ શકે છે

મુંબઈ, તા.13 : આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમ મંબઈ ઈન્ડિયન્સ આ સીઝનની સૌથી ‘લચર’ ટીમ સાબિત થઈ રહી છે. આ વર્ષે પોતાના શરૂઆતના સતત આઠ મેચ ગુમાવનારી આ ટીમ હવે પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. સાથે સાથે તેણે ચેન્નાઈને હરાવીને તેનું સ્વપ્ન પણ રોળી નાખ્યું છે. મુંબઈની ટીમ ભલે પ્લેઑફમાં ન પહોંચે પરંતું આવનારી બે મેચ તેના માટે અત્યંત મહત્ત્વની બની રહેશે કેમ કે આ મેચ જીતીને તે હૈદરાબાદ અને દિલ્હીનો ખેલ પણ બગાડી શકે છે.

મુંબઈની ટીમે આ સીઝનની શરૂઆતમાં બહુ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. સતત આઠ મેચ ચાર્યા બાદ તેને પોતાની પહેલી જીત નસીબ થઈ હતી. નવી સીઝનમાં નવી ટીમ સાથે ઉતરેલી ટીમ પોતાનું યોગ્ય કોમ્બિનેશન શોધી શકી નહોતી. અંતિમ મુકાબલાઓમાં તેણે સારી રમત બતાવી હતી. ગત સાંજે મુંબઈની ટીમનો સામનો ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થયો હતો.

નામ પ્રમાણે ટીમે પોતાની રમત બતાવી અને ચેન્નાઈને માત્ર 97 રને ઢેર કરી દીધી હતી. આ સીઝનમાં સતત હાર્યા બાદ ટીમે વાપસી કરી હતી પરંતુ મુંબઈથી મળેલી હારે પ્લેઑફનું તેનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. અત્યંત મુશ્કેલીથી પ્લેઑફનું સમીકરણ તૈયાર કરનારી ટીમને મુંબઈએ જોરદાર ઝટકો આપ્યો અને તેની સફર અહીં જ થંભી ગઈ છે. ચેન્નાઈએ 11 મેચ રમ્યા બાદ 4 મેચ જીતી હતી અને આગલી ત્રણ મેચ જીતીને નેટ રનરેટના આધારે પ્લેઑફમાં પહોંચવાની આશા રાખી રહી હતી. મુંબઈનો આગલો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સામે છે.

સતત બે હાર બાદ સળંગ પાંચ જીત હાંસલ કરનારી હૈદરાબાદની ટીમ એક સમયે સરળતાથી પ્લેઑફમાં પહોંચતી દેખાઈ રહી હતી પરંતુ પાછલી ચાર હારે તેનું કામ બગાડી નાખ્યું છે. હવે તે આગલી ત્રણ મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચવા માંગશે પરંતુ મુંબઈ તેના અરમાનો ઉપર પાણી ફેરવી શકે છે. આ પછી વારો આવે છે દિલ્હી કેપિટલ્સની ટીમનો જેણે આગલા બે મુકાબલા જીતવા જ પડશે જેથી તે પણ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે. જો મુંબઈની ટીમે આ સીઝનની પહેલી હારનો બદલો લીધો તો પછી દિલ્હીનું પ્લેઑફમાં પહોંચવું પણ અસંભવ બની જશે.


Related News

Loading...
Advertisement
Advertisement