‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી

13 May 2022 03:46 PM
Rajkot Saurashtra
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી
  • ‘CM’ના આગમનથી કોમનમેન હેરાન : મનપામાં અરજદારોને નો-એન્ટ્રી

મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે કનક રોડ પરનો દરવાજો ખુલ્લો રાખવા જાહેરાત બાદ પણ બંધ કરી દેવાતા રકઝક : ભરઉનાળે નાગરિકો હેરાન : હવે દાખલા, આધારકાર્ડ સહિતના કામ સોમવાર પર જશે

રાજકોટ, તા. 13
રાજયના મુખ્યમંત્રી આજે સૌપ્રથમ વખત રાજકોટ મહાપાલિકાની મુલાકાતે આવ્યા હતા. પુરૂ મહાપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર પણ વ્યવસ્થા અને સ્વાગતમાં રોકાઇ ગયું હતું. પરંતુ ધારણા મુજબ જ આજે અડધો દિવસ સામાન્ય નાગરિકોને તેમના રોજિંદા કામ માટે મનપા કચેરીમાં એકાએક પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવતા દેકારો બોલ્યો હતો. ગઇકાલે તંત્રએ એડવાન્સમાં સત્તાવાર રીતે આમ જનતા માટે કનક રોડ પાછળનો કોર્પો.નો ગેટ નં.3 ખુલ્લો રહેશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ 11 વાગ્યે સુરક્ષાના કારણોથી આ ગેટ પણ બંધ કરી દેવાયો હતો.

જુદા જુદા દાખલા કઢાવવા, ટેકસ, આધાર કેન્દ્રની કામગીરી માટે પરિવાર સાથે આવેલા લોકોને પણ ધકકો થયો હતો. તેમાં પણ આજે સપ્તાહનો કામકાજનો છેલ્લો દિવસ હતો. આવતીકાલે શનિવારની રજા છે. આથી હવે સોમવારે નાગરિકોના કામ થઇ શકશે.

સરળ અને કોમનમેન જેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે મનપાની મુલાકાતે આવ્યા હતા. તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. નિર્ધારીત સમય કરતા લગભગ સવા કલાક કાર્યક્રમ મોડો થયો હતો. આ કારણે મનપા કચેરીમાં લગભગ તમામ વિભાગમાં રોજિંદી કામગીરી અટકી હતી. કારણ કે દરેક વિભાગના અધિકારીઓ કાર્યક્રમની વ્યવસ્થામાં હતા. મુખ્યમંત્રી પ્રથમ આવતા હોય, સ્વાગત, મીટીંગ સહિતના આયોજનોમાં આ સ્વભાવિક હતું. પરંતુ સામાન્ય નાગરિકોની સેવાઓ ચાલુ રાખવાની તંત્રની ગણતરી ઉંધી પડી હતી.

ગઇકાલે કોર્પોરેશને આગોતરા આયોજનના ભાગરૂપે મનપા કચેરી સેન્ટ્રલ ઝોનના બંને મુખ્ય પ્રવેશદ્વાર બંધ રહેશે તેવી તો લોકોને જાણ કરી દીધી હતી. સાથે જ નાગરિકોના રોજિંદા કામ થઇ શકે તે માટે કચેરી પાછળ કનક રોડ પર ફાયર બ્રિગેડ બાજુનો ગેટ નં.3 ખુલ્લો રહેશે તેવું જાહેર કર્યુ હતું. નાગરિકો દાખલા, ટેકસ સહિતના કામ માટે અહીંથી આવી શકશે એવું જાહેર કરવામાં આવ્યું હતું. આથી અરજદારો આજે પાછળના ગેટ પરથી આવવા માટે પહોંચ્યા હતા.

સવારે 10.30 કલાકે થોડો સમય નાગરિકોની અવરજવર બંદોબસ્ત હેઠળ થઇ હતી. પરંતુ 11 વાગ્યે પોલીસે ગેટનો કબ્જો સંભાળી લીધો હતો. પોલીસમેન અને સિકયુરીટી સ્ટાફે લોકોને આજે અંદર આવવા નહીં મળે તેવું કહી દીધુ હતું. આથી વડીલો અને પરિવાર સાથે આવેલા મહિલા અને બાળકો તડકામાં હેરાન થયા હતા. કેટલાક લોકોને આધાર કાર્ડ જેવી જરૂરી કામગીરી માટે સમયે પહોંચવાનું હતું. પરંતુ તેઓને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. કેટલાક લોકોએ રકઝક પણ કરી હતી.

અમુક નાગરિકોએ કહ્યું હતું કે તંત્રએ જ ગેટ નં.3 પરથી લોકો અંદર જઇને કામ કરાવી શકશે તેવું જાહેર કરેલું છે. તો શા માટે અંદર જવા દેવાતા નથી? આ મામલે પોલીસ અને સુરક્ષા સ્ટાફ પણ કંઇ જવાબ આપી શકયો ન હતો. પરંતુ લોકોને પરત જવાનો હુકમ કરી દીધો હતો. મુખ્યમંત્રીના આગમન સમયે થોડો સમય કોર્પોરેશન ચોકની બંને તરફ ટ્રાફિક પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રીતે આજે મનપાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ભલે ફરજ પર ખડેપગે રહ્યા હોય પરંતુ વિભાગોની અંદર તો લોકોના કામ બંધ હોય, રજા જેવો માહોલ થઇ ગયો હતો.

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે મહાપાલિકાના મહેમાન બન્યા હતા. આ અવસર મોટો હતો. પરંતુ સાથોસાથ રોજિંદા કામો માટે આવતા નાગરિકોને વીઆઇપી ઇવેન્ટના કારણે એકાએક કચેરીમાં નો-એન્ટ્રી ફરમાવાતા અરજદારોને ધકકો થયો હતો. ભરતડકે આજે નાગરિકોને સિવિક સેન્ટર કે આધાર કેન્દ્રમાં જવા ન દેવાતા ગેટ પર રકઝક પણ થઇ હતી જે બંધ દરવાજા, પરિવાર સાથે ધકકો ખાનારા નાગરિકો અને રજા જેવા માહોલમાં દેખાતા વિભાગ જોવા મળે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)

અમારૂ સ્વાગત નહીં કરો તો ચાલશે : જીતુભાઇની ટકોર!
મુખ્યમંત્રીની હાજરીમાં આજે મનપામાં યોજાયેલી બેઠક માટે એટલો ઉત્સાહ હતો કે યજમાનો પણ સતત દોડધામમાં રહ્યા હતા તેમાં પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી સિવાયના મહાનુભાવોનું સ્વાગત કરવામાં પણ મોડુ થઇ ગયું હતું.

મેયર સહિતના પદાધિકારીઓએ ભુપેન્દ્રભાઇ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. તે બાદ બેઠકની કાર્યવાહી શરૂ થવાની હતી. તે દરમ્યાન રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણપ્રધાન જીતુભાઇ વાઘાણીએ એવું કહ્યું હતું કે ‘અમારૂ અને અરવિંદભાઇ રૈયાણીનું સ્વાગત નહીં કરો તો ચાલશે!’ તેઓએ હળવાશથી આ વાત મુકતા બાદમાં તુરંત મેયર ડો.પ્રદીપ ડવ તથા અન્યોએ તેઓનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું.

મનપા પ્રાંગણથી પૂરી લોબી અને કોન્ફરન્સ હોલ સુધી મુખ્યપ્રધાનનું ફુલહાર અને ફુલવર્ષાથી સતત રેડ કાર્પેટ સ્વાગત ભાજપના કોર્પોરેટરો, નેતાઓ, સંગઠનના લોકો કરતા રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement