ટિકીટ પાછળ દોડતા નહીં-ભાજપને જીતાડવા કામે લાગજો : ભુપેન્દ્રભાઇ પટેલ

13 May 2022 04:32 PM
Rajkot Politics
  • ટિકીટ પાછળ દોડતા નહીં-ભાજપને જીતાડવા કામે લાગજો : ભુપેન્દ્રભાઇ પટેલ

* રાજકોટ મનપામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું; ‘ભાજપે જ આપણને સૌને મોટા કર્યા છે’!

* રાજકોટનું સંગઠન, સત્તા પાંખ પૂરા રાજયમાં શ્રેષ્ઠ હોવાનું સર્ટીફીકેટ આપ્યું : નરેન્દ્રભાઇ ડવે ટીપી સ્કીમના પ્રશ્નો મૂકયા : પાણી સહિતના પ્રશ્ને પણ ધ્યાન દોરાયું

રાજકોટ, તા. 13
રાજકોટ મનપાની સૌપ્રથમ વખત મુલાકાતે આવેલા મુખ્યમંત્રી સમક્ષ અમુક કોર્પોરેટરોએ ટીપી સ્કીમ, પાણીની પાઇપલાઇન, આવાસ યોજનાને લગતા કામોના સૂચન કર્યા હતા. જે ભુપેન્દ્રભાઇ પટેલે શાંતિથી સાંભળ્યા હતા. તો મુખ્યપ્રધાને આગામી ચૂંટણીઓેને ધ્યાનમાં રાખી સત્તા અને સંગઠનમાં રહેલા તમામ લોકોને ટીકીટ પર નહીં પરંતુ માત્ર ભાજપની જીત પર ધ્યાન આપવા મહત્વની ટકોર પણ કરી હતી.

શાસકો અને સંગઠનોના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીએ યોજેલી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વર્તમાન મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યોની હાજરીમાં એકંદરે મનપાની વિકાસ યાત્રાથી સંતોષ વ્યકત કર્યો હતો. કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારમાં એકટીવ છે અને વધુ એકટીવ રહે તેવું સૂચન પણ કર્યુ હતું. રાજકોટ ભાજપ અને મનપાના ટીમ વર્કથી તેમણે સંતોષ વ્યકત કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર ડો.પ્રદીપ ડવની આગેવાનીમાં ચાલતા શાસનમાં સારૂ કામ થઇ રહ્યાનું તેઓએ કહ્યું હતું. રાજકોટ મહાનગરનું સંકલન પૂરા રાજયમાં ટોચ પર છે.

ઝોનવાઇઝ થયેલી બેઠકમાં કોર્પોરેટરોને મુખ્યમંત્રીએ એવી સલાહ આપી હતી કે કોઇ આગેવાન, હોદ્દેદારો કે ચૂંટાયેલા લોકોએ આગામી ચૂંટણીમાં ટીકીટ પર ધ્યાન આપવાના બદલે ભાજપના વિજય પર જ ધ્યાન આપવાનું છે. પક્ષે જ આપણને સૌને મોટા કર્યા છે. ધારાસભાની ટીકીટને કોઇ પણને મળે, ભાજપના વિજયને નિશ્ર્ચિત કરવાનો છે. રાજકોટ સહિત ગુજરાતમાં જે પરિણામો આવે તે સીધા દિલ્હી સુધી પહોંચે છે આથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશના વિકાસની યાત્રાને ધ્યાનમાં રાખીને સૌએ કામ કરવાનું છે. એકંદરે મુખ્યમંત્રીએ અંગત કરતા પક્ષની વધુ ચિંતા કરવા સલાહ આપી હતી.

નરેન્દ્રભાઇ ડવ
આ બેઠકમાં ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન અને નગરસેવક નરેન્દ્રભાઇ ડવે ટીપી સ્કીમના અમુક પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યુ હતું. રાજકોટમાં નવા ભળેલા વિસ્તારોની ડ્રાફટ ટીપી સ્કીમ ઝડપથી મંજૂર થાય તે માટે અનુરોધ કર્યો હતો. કારણ કે આ નવા ભળેલા વિસ્તારોમાં નાના લોકોના પ્લાન પાસ સહિતના પ્રશ્નો તેનાથી દુર થઇ શકે તેમ છે. જંગલેશ્ર્વરને લાગુ ટીપી સ્કીમ નં.6 વેરીડ કરવા તેમણે ધ્યાન દોર્યુ છે. વોર્ડ નં.16 લાગુ ટીપી સ્કીમ નં.6ના ટીપી રોડ અંગે પણ તેમણે સૂચન કર્યા છે. માધાપરની ટીપી નં.11 અને મોરબી રોડની ટીપી નં. 17 અંગે પણ સરકાર ઝડપથી મંજૂરી આપે તો વિકાસ આગળ વધે તેમ છે.

કોઠારીયા રોડના બ્રીજ અને ટ્રાફિકના પ્રશ્ને પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. લલુડી વોંકળી, ધરમનગર આવાસ, માધાપર સહિતના વિસ્તારમાં પાણીની સુવિધા મામલે પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એકંદરે રાજકોટને જરૂરી ભંડોળથી માંડી સુવિધાઓના કામ મામલે મેયર ડો.પ્રદીપ ડવે વિસ્તૃત રજૂઆતો પહોંચાડી છે.


Related News

Loading...
Advertisement
Advertisement