કમળાને કારણે મોતને ભેટેલા 15 વર્ષના ફેનિલનું સ્કીન-ચક્ષુદાન કરાયું

13 May 2022 06:26 PM
Rajkot
  • કમળાને કારણે મોતને ભેટેલા 15 વર્ષના ફેનિલનું સ્કીન-ચક્ષુદાન કરાયું

* કિડની અને લીવર ફેઈલ થઈ જતાં તેનું દાન શક્ય ન બન્યું પણ અત્યંત કપરી પરિસ્થિતિ વચ્ચે ફેનીલના પિતાએ સ્કીન-ચક્ષુદાન કરી બેસાડ્યો અનોખો દાખલો

રાજકોટ, તા.13
15 વર્ષની ઉંમર તો હસવા-રમવાની હોય છે પરંતુ આ જ ઉંમરે ઈશ્ર્વર વ્યક્તિને પોતાની પાસે બોલાવી લ્યે તો સૌ કોઈ દુ:ખી થાય જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આવી જ એક ઘટના જૂનાગઢમાં રહેતાં ફેનિલ અશોકભાઈ રાજપરા સાથે બનવા પામી છે. ધો.9માં અભ્યાસ કરતાં ફેનીલને કમળો થઈ ગયા બાદ તેની દિવસ-રાત સારવાર કરવામાં આવી હતી પરંતુ તે સફળ નહીં નિવડતાં અંતે ફેનિલે દુનિયા છોડી દીધી હતી.

ખેતીવાડી કરતાં ફેનિલના પિતા અશોકભાઈ પોતાના વ્હાલસોયા પુત્રની વિદાયથી રીતસરના તૂટી ગયા હતા. આટલી વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાના પુત્રનું અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે કમળાને કારણે કિડની અને લીવર ફેઈલ જતાં તેનું દાન કરવું શક્ય ન બનતાં અંતે ફેનિલનું સ્કીન અને ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

ફેનિલના માતા-પિતા જરા પણ હિંમત હાર્યા વગર સ્કીન-ચક્ષુદાન થકી પુત્રને અન્યની જિંદગીમાં જીવાડવા માંગતા હોવાથી તેમણે આ દાનનો નિર્ણય લીધો છે રાજકોટ રોટરી સ્કીન બેન્કના ડૉક્ટરની ટીમ ડૉ.અરુણભાઈ તેમજ મનોજભાઈ દ્વારા સ્કીનનું દાન લેવાયું તેમજ બન્ને આંખોનું દાન હોસ્પિટલ દ્વારા લેવામાં આવ્યું હતું. ડૉ.મલય અને ડૉ.તુષાર જીવનાણી તેમજ અન્ય ડૉક્ટર્સ દ્વારા ફેનિલના પરિવારજનોને સ્કીન ડૉનેશન માટે સમજાવટ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં થયેલ સ્કીનદાનમાં 15 વર્ષના બાળકના સ્કીનદાનનો આ પ્રથમ કિસ્સો છે. અન્યની જિંદગીને બચાવવાની લાગણી ધરાવતાં અશોકભાઈએ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે.

આ પ્રસંગે અંગદાન જાગૃતિના મિત્તલ ખેતાણી, ડૉ.દિવ્યેશ વિરોજા, ડૉ.સંકલ્પ વણઝારા તથા ભાવનાબેન મંડલીએ સ્કીનદાન સરળ બને તે માટે જહેમત ઉઠાવી હતી. અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે ઉપરોક્ત તબીબ-સામાજિક કાર્યકરો ઉપરાંત ડૉ.તેજસ કરમટા, ડૉ.નીતિન ઘાટળીયા, વિક્રમભાઈ જૈન, હર્ષિત કાવર સહિતના અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે. જો કોઈ પરિવાર અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે ઈચ્છુક હોય તો તેઓ 91063 79842 અને 94277 76665નો સંપર્ક સાધવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement