ભાવનગર તા.14
સર્જકની સિસૃક્ષાને પોષતી અને સર્જકોને સર્જનમાં રસ જગાવતી ભાવનગર ગદ્યસભાએ ત્રીસ વર્ષ પૂર્ણ કરીને 9 ફેબ્રુઆરી 2022ના રોજ 31માં વર્ષમાં પ્રવેશ કર્યો, એ અવસરે ગદ્યસભાના વર્તમાન પ્રમુખ અને શામળદાસ કોલેજના નિવૃત આચાર્ય વરિષ્ઠ લેખક ગંભીરસિંહજી ગોહિલે ગદ્યસભાને એક લાખ રૂપિયાનું દાન આપેલ છે. આ દાન માટે ગદ્યસભાના સંવાહક માય ડિયર જયુ, મહેન્દ્રસિંહે પરમાર, નટવર વ્યાસ, અજય ઓઝા, પ્રવીણ સરવૈયા વગેરે સર્જકોએ પ્રમુખ ગંભીરસિંહજી ગોહિલનો આભાર માન્યો હતો.
ભાવનગર ગદ્યસભાએ તેના રજત જયંતી ઉત્સવ દરમ્યાન બાર માસ સુધી દર મહિનાની નવમી તારીખે રાજયકક્ષાના વિવિધ સાહિત્યીક કાર્યક્રમો આપી ભાવનગરને ગુજરાતી ગદ્ય સાહિત્યમાં આગવું સ્થાન અપાવ્યું છે.
ભાવનગર ગદ્યસભાને ગંભીરસિંહજી ગોહિલ, માય ડિયર જયુ અને મહેન્દ્રસિંહ પરમારનું માર્ગદર્શન મળતું રહે છે. આ સાથે ગદ્યસભાએ તેના દિવંગત સર્જકો વિનોદ અમલાણી, ઈજજતકુમાર ત્રિવેદી, નરેન બારડ, જયંતદાદા પાઠક, બંકિમચંદ્ર વૈદ્ય, દિનકર પથિક, યોગેશ જોષી, હરીશ મહુવાકરની સેવાઓની પ્રસંશા કરી હતી.