એક માસમાં શેરબજારમાં રૂા. 34 લાખ કરોડ ધોવાયા : રૂપિયો 1.67 ટકા તૂટ્યો

14 May 2022 11:02 AM
Business India
  • એક માસમાં શેરબજારમાં રૂા. 34 લાખ કરોડ ધોવાયા : રૂપિયો 1.67 ટકા તૂટ્યો

આગામી એક વર્ષ હજુ ભારતીય અર્થતંત્ર માટે મુશ્કેલભર્યા : દુનિયાભરના ટ્રેન્ડની અસર ભારત પર થઇ રહી છે : મોંઘવારી મોરચે પણ રાહત નહીં રહે : શેરબજારમાં ફક્ત પાંચ દિવસમાં જ રોકાણકારોએ રૂા. 18 લાખ કરોડ ગુમાવ્યા

નવી દિલ્હી,તા. 14
દેશમાં મોંઘવારીની પ્રક્રિયા જે ચાલી રહી છે તેમાં હજુ આગામી ત્રણથી ચાર ક્વાર્ટર સુધી ભારતીય અર્થતંત્ર દબાણ પર રહેશે. શેરબજાર, રુપિયો અને ડીજીટલ કરન્સી તમામમાં જે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે તેને કારણે ભારતીય અર્થતંત્રને માટે આગામી એક વર્ષ હજુ મુશ્કેલીનું છે. ડોલરની સામે રુપિયો એક મહિનામાં 1.67 ટકા ઘટ્યો છે અને તે જ રીતે અનેક દેશોની કરન્સી પણ ઘટી રહી છે.

અનુમાન એવું છે કે એક ડોલર સામે રુપિયો 94.4ની સપાટી સુધી જઇ શકે છે અને નિષ્ણાંતો માને છે કે તે રુપિયા 100 સુધીની ઘટાડો પણ શક્ય છે. બીજી તરફ ભારતીય શેરબજાર એક મહિનામાં 9.8 ટકા ઘટ્યું છે અને 11 એપ્રિલ બાદ ભારતીય શેરબજારની કુલ કેપીટલ રૂા. 34 લાખ કરોડ ઘટી છે. સમગ્ર વિશ્ર્વ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. અમેરિકામાં મોંઘવારી દર 40 વર્ષના સૌથી ઉપલા સ્તરે છે.

બ્રિટનમાં 30 વર્ષના સૌથી ઉપલા સ્તરે છે. ફ્રાંસમાં 1990 બાદની સૌથી ઉંચી સપાટીએ મોંઘવારી પહોંચી ગઇ છે અને ભારતમાં છૂટક મોંઘવારી એપ્રિલ માસમાં 7.79 ટકા નોંધાઈ હતી જે 2014 બાદની સૌથી ઉંચી સપાટીએ છે. જો કે બીજી તરફ જીડીપીની દ્રષ્ટિએ ભારતની સ્થિતિ વધુ બહેતર છે અને હજુ આગામી સમયમાં અર્થતંત્ર કઇ રીતે અત્યાર સુધીના આંચકા તથા પડકારોને સામનો કરી શકશે તે અંગે હજુ પણ દ્વિધા છે.

ક્રિપ્ટો કરન્સીમાં માર્કેટ કેપીટલ 3.1 લાખ કરોડ ડોલરથી ઘટીને 1.19 લાખ કરોડ ડોલર રહી ગયું છે અને તેના કારણે હાલ આ ડીજીટલ કરન્સીમાં ભાગ્યે જ કોઇ રસ દાખવી રહ્યું છે. વાસ્તવમાં જ્યાં સુધી મોંઘવારી, વ્યાજદર અને આગામી સમયમાં યુક્રેન યુધ્ધ કેવું સ્વરુપ લેશે તે અંગે અનિશ્ચિતતા હોવાથી ભારત માટે આગામી ત્રણ થી ચાર ક્વાર્ટર એટલે કે એક વર્ષ મુશ્કેલભર્યું રહેશે.

છેલ્લા પાંચ દિવસમાં રૂા. 18 લાખ કરોડનું નુકશાન થયું છે અને દુનિયાભરમાં આ ટ્રેન્ડ માર્કેટમાં જોવા મળે છે.બીજી તરફ વિદેશી રોકાણકારો પણ ભારતીય શેરબજારમાંથી તેનું રોકાણ પાછુ ખેંચી રહ્યાં છે અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વધુ વિકટ બનશે તેવા સંકેત છે.


Related News

Loading...
Advertisement
Advertisement