ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદી દેવાયો

14 May 2022 11:06 AM
India
  • ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદી દેવાયો

કેન્દ્ર સરકાર દ્વારા નોટીફીકેશન જાહેર : દેશમાં વધતા જતા ઘઉંના ભાવને ડામવા તૈયારી

નવી દિલ્હી,તા. 14
દેશમાં સતત વધતી જતી મોંઘવારી અને ફુગાવાની પરિસ્થિતિ પણ આગામી સમયમાં વધુ વકરશે તેવા સંકેત સાથે હવે કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દીધો છે જેના કારણે થોડો સમયમાં દેશમાં ઘઉંના ભાવમાં ઘટાડો જોવા મળશે. સરકારે ઘઉંની નિકાસને પ્રોહીબીટેડ કેટેગરીમાં મુકયા છે અને હાલ જે નિકાસ માટે લેટર ઓફ ક્રેડીટ ઇસ્યુ થઇ ગયા છે અને તે પરત લઇ શકાય તેમ ન હોય તેવા જ કેસમાં નિકાસની છૂટ આપવામાં આવશે અને આ પગલાથી વિશ્વમાં ઘઉંના ભાવ વધશે પરંતુ ભારતના લોકોને માટે રાહતની સ્થિતિ સર્જાઇ તેવી શક્યતા છે.

એક તરફ સરકારના ગોડાઉનોમાં જે ઘઉંનો સ્ટોક પડયો હતો તે સરકારની અંત્યોદય સહિતની યોજનાઓને કારણે ઘટતો જતો હતો અને બીજી તરફ ચાલુ વર્ષે હવામાન સહિતના ફેરફારના કારણે ઘઉંના એકંદર ઉત્પાદનમાં થોડીક ઘટ આવે તેવી શક્યતા હતી અને તેથી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગઇકાલે કેન્દ્રના વ્યાપાર મંત્રાલયની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. યુક્રેન યુધ્ધના કારણે વિશ્વના બજારમાં ઘઉંના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ ઘરઆંગણે સરકાર 105 મીલીયન ટન ઘઉંના ઉત્પાદનની આશા રાખે છે. પરંતુ તે 95 મીલીયન ટન થશે તેવા સંકેત છે અને તેના કારણે ઘરઆંગણે ઘઉંના ભાવમા વધારો નોંધાયો હતો. બીજી તરફ સરકારના ઘઉંના ટેકાના ભાવ રુા. 215 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો પરંતુ ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ ઉંચા હોવાથી સરકારી ખરીદીને પણ અસર થઇ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement