ધોરાજીમાં પ્લાસ્ટિક દોરીના ત્રણ કારખાનેદારો સાથે ઉત્તરપ્રદેશના શખ્સે રૂ. 6 લાખની છેતરપીંડી કરી

14 May 2022 11:26 AM
Rajkot Dharmik
  • ધોરાજીમાં પ્લાસ્ટિક દોરીના ત્રણ કારખાનેદારો સાથે ઉત્તરપ્રદેશના શખ્સે રૂ. 6 લાખની છેતરપીંડી કરી

* 20 ટન જેટલી પ્લાસ્ટિક દોરીનો ઓર્ડર આપ્યા બાદ પેમેન્ટ ન ચુકવ્યું, રામદેવ પોલીમર્સના યોગેશ પટેલે ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

* યુપીના અલીનગરમાં ગણેશ એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવતા ઓમ પ્રકાશ ગુપ્તાએ રામદેવ પોલીમર્સમાંથી 11 ટન, જગન્નાથનાથ પ્લાસ્ટિકમાંથી 7 ટન અને ત્રિમૂર્તિ પોલીમર્સમાંથી 1.8 ટન દોરી ખરીદી હતી

રાજકોટ, તા.14
ધોરાજીમાં પ્લાસ્ટિક દોરીના ત્રણ કારખાનેદારો સાથે ઉત્તરપ્રદેશના શખ્સે રૂ.6 લાખની છેતરપીંડી કરી છે 20 ટન જેટલી પ્લાસ્ટિક દોરીનો ઓર્ડર આપ્યા બાદ પેમેન્ટ ન ચૂકવતા રામદેવ પોલીમર્સના યોગેશ પટેલે ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુપીના અલીનગરમાં ગણેશ એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવતા ઓમ પ્રકાશ ગુપ્તાએ રામદેવ પોલીમર્સમાંથી 11 ટન, જગન્નાથનાથ પ્લાસ્ટિકમાંથી 7 ટન અને ત્રિમૂર્તિ પોલીમર્સમાંથી 1.8 ટન દોરી ખરીદી હતી.

ધોરાજીના જુનાગઢ રોડ, પીપરવાડી, કીરણ સ્ટાઈલ વાળી શેરીમાં રહેતા યોગેશભાઈ બાબુભાઈ વઘાસીયા (પટેલ) (ઉ.વ.48)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારે ધોરાજી જુનાગઢ રોડ ઉપર, ધ્યેય પેટ્રોલપંપની સામે રામદેવ પોલીમર્સ નામનું કારખાનુ આવેલ છે, તેમા છેલ્લા ચાર વર્ષથી પ્લાસ્ટીકની દોરી તથા પ્લાસ્ટીકની નેટ બનાવી વેપાર કરૂ છું.

આજથી એક વર્ષ પહેલા મારા મોબાઈલ ફોનમાં મો.નં.8858272295 પરથી શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝના પ્રોપાઈટર ઓમ પ્રકાશ ગુપ્તા (રહે.અલીનગર, મુગલ ચોક, મુગલ સરાઈ જી.ચંદોલી, ઉતરપ્રદેશ)નો ફોન આવેલ અને મને કહ્યું હતું કે, તે પ્લાસ્ટિકની દોરી તથા નેટનો વેપાર કરું છું. જેથી તેણે પોતાને મારી પાસેથી દોરી ખરીદી કરવી છે તેમ કહ્યું હતું અને અગાઉ આ ઓમ પ્રકાશ ગુપ્તાએ વિનેશભાઈ નાગજીભાઈ માથુકીયા તથા બ્રીજેશભાઈ હરસુખભાઈ ટોપીયા (રહે. બન્ને ધોરાજી)નું ભાગીદારીમાં જુનાગઢ રોડ, ધોરીવાવ ધોરાજી ખાતે આવેલા જગન્નાથ પ્લાસ્ટીક કારખાનામાંથી બે વાર પ્લાસ્ટિકની દોરી લઈ ગયેલ અને તેનુ બીલ ચુકવી આપેલ હતું. જેથી આ વિનેશભાઈ માથુકીયાની ઓળખાણને લીધે મેં ઓમપ્રકાશ ગુપ્તાને 2000 કિલો એટલે કે બે ટન દોરી આપેલ જેનુ બીલ બેન્ક દ્વારા ચુકવી આપેલ હતું.

ત્યારબાદ એક માસ બાદ ફરીથી મને આ ઓમ પ્રકાશ ગુપ્તાએ ફોન કર્યો હતો અને 11000 કિલો એટલે 11 ટન દોરી ખરીદી 10 દિવસમાં પેમેન્ટ કરી દેશે તેમ કહ્યું હતું. વિનેશભાઈ માથુકીયાના કહેવાથી તા.2/7/2021 ના રોજ રૂ.3,08,000ની 11000 કિલો દોરી આપી હતી. જે બાદ જગન્નાથ પ્લાસ્ટીક કારખાનાના વિનેશભાઈ તથા બ્રીજેશભાઈ હરસુખભાઈ ટોપીયાએ રૂ.2,35,200ની 7 ટન પ્લાસ્ટિક સુતળી તથા ધોરાજી જુનાગઢ રોડ, ધોરીવાવ પાસે આવેલ ત્રિમૂર્તી પોલીમર્સ ના માલીક જીગ્નેશભાઈ મગનભાઈ પાનસુરીયાએ રૂ.56448ની 1800 કિલો દોરી આપી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેય વેપારીઓએ ધોરાજીથી ટ્રક બાંધી અલીનગર, મુગલ ચોક, મુગલ સરાઈ જી.ચંદોલી (ઉતરપ્રદેશ) ખાતે શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝના પ્રોપાઈટર ઓમ પ્રકાશ ગુપ્તાને ઉપરોકત સુતળી તથા દોરી મોકલેલ હતી. દસ દિવસ બાદ પેમેન્ટ ન મળતા ફોન પર ઓમ પ્રકાશ ગુપ્તા પેમેન્ટ બાબતે ગલ્લા તલ્લા કર્યા હતા અને પછી આપીશ તેવુ જણાવેલ બાદમાં તો તેનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. વેપારીઓ ઉત્તર પ્રદેશ ખાતે આરોપીની આવેલી ઓફિસે ગયા હતા પણ આરોપી મળ્યો નહોતો. જેથી પેમેન્ટ ન મળતા ધોરાજી પોલીસ મથકે આઈપીસી 420, 406 મુજબ ગુનો દાખલ કરી ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement