રાજકોટ, તા. 14
સૌરાષ્ટ્ર-કચ્છને હજુ ગરમીમાંથી રાહત દેખાતી નથી ગઇકાલે પણ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર ગરમ રહ્યા હતા. પવન સાથે લુ પણ વરસે છે. આજે સવારે પણ તાપ યથાવત છે ત્યારે ગઇકાલે સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડીગ્રી હતું. તો અમરેલીમાં 44 ડિગ્રી અને રાજકોટમાં 43.4 ડીગ્રી હતું. આ સિવાય ભાવનગરમાં 40.2, કેશોદ 38.6, દ્વારકા 33.7, ઓખા 34.2, પોરબંદર 35.6, વેરાવળ 33.6, દીવ 31.8, મહુવામાં 33.8 ડિગ્રી મહતમ તાપમાન હતું. હજુ ગરમીમાં રાહતના કોઇ એંધાણ નથી.
ભાવનગર
ભાવનગરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે શુક્રવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા અને પવનની ઝડપ 30 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે ગરમ લુ ફેકાઈ હતી. પવનની ઝડપ ને કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર ગયું નથી.
કચ્છ
દેશમાં આ વખતે નૈઋઍત્યનું ચોમાસું વહેલું આગમન કરે તેવા સમાચારો વચ્ચે છેલ્લા થોડા દિવસથી આકરા તાપ વચ્ચે અકળાતા કચ્છમાં સૂર્યકિરણોની ગરમાશમાં થોડો ઘટાડો થયો હોય એમ અંજાર-ગાંધીધામ અને રાપર સિવાય તાપમાનદર્શક પારો એકથી બે ડિગ્રી ઘટી પડતાં રીતસર તાપમાં રાહતનો અનુભવ થયો હતો.’ અંજાર-ગાંધીધામ વિસ્તાર 43.0 ડિગ્રી તાપમાન જીરવીને રાજ્યનું પાંચમું સૌથી ઉષ્ણમથક બન્યું હતું.
રાપરમાં પણ આજે 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. બીજીતરફ, જિલ્લા મથકે 42 ડિગ્રીને આંબી ગયેલો મહત્તમ તાપમાનનો પારો આજે ઘટીને 40.9 થઈ જતાં લોકોને અકારી અકળામણથી ઘડીભર રાહત સાંપડી હતી.