બેંગ્લોર સામે આવ્યું લિવિંગસ્ટોન-બેરિસ્ટોના રૂપમાં તોફાન: પંજાબનો 54 રને શાનદાર વિજય

14 May 2022 11:47 AM
India Sports
  • બેંગ્લોર સામે આવ્યું લિવિંગસ્ટોન-બેરિસ્ટોના રૂપમાં તોફાન: પંજાબનો 54 રને શાનદાર વિજય

બેરિસ્ટોએ 29 બોલમાં 66 તો લિવિંગસ્ટોને 42 બોલમાં ઝૂડ્યા 70 રન: 210 રનના લક્ષ્યાંક સામે બેંગ્લોરની ટીમ 155 રનમાં ખખડી: કોહલી ફરી ફેલ: રબાડાએ ખેડવી ત્રણ વિકેટ: પંજાબે પ્લેઑફમાં પહોંચવાની આશા જીવંત રાખી

મુંબઈ, તા.14
પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 54 રને હરાવીને પ્લેઑફની પોતાની આશા જીવંત રાખી છે. પંજાબે ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં જોની બેરિસ્ટો (66 રન) અને લિયામ લિવિંગસ્ટોન (70 રન)ની ઈનિંગની મદદથી નવ વિકેટે 209 રન બનાવ્યા હતા જેના જવાબમાં બેંગ્લોરની ટીમ નવ વિકેટે 155 રન જ બનાવી શકી હતી.

મોટા લક્ષ્યાંકનો પીછાો કરતાં બેંગ્લોરની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને તેણે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવ્યે રાખી હતી. તેના તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા તો રજત પાટીદારે 26, વિરાટ કોહલીએ 20 અને દિનેશ કાર્તિક-હર્ષલ પટેલે 11-11 રન બનાવ્યા હતા. પંજાબ વતી રબાડાએ ત્રણ તો ઋષિ ધવન અને રાહુલ ચાહરે બે-બે વિકેટ મેળવી હતી.

બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ પંજાબના ઓપનર બેરિસ્ટોએ આવતાંની સાથે જ પોતાનો ઈરાદો જાહેર કરી દીધો હતો. તેણે ગ્લેન મેક્સવેલની પહેલી જ ઓવરમાં શાનદાર છગ્ગો ફયકારીને હાથ ખોલ્યા અને પછી બીજી ઓવરમાં હેઝલવુડની બોલિંગમાં બે છગ્ગા અને બે ચોગ્ગા લગાવીને ખાતામાં 22 રન જોડ્યા હતા. તેણે શિખર ધવન (21 રન) સાથે પહેલી વિકેટ માટે 60 રન બનાવ્યા હતા. ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવી 83 રન ફટકાર્યા હતા. પંજાબની ઈનિંગમાં 14 છગ્ગા અને 16 ચોગ્ગા લાગ્યા હતા જેના કારણે 148 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ બન્યા હતા.

લિયામ-બેરિસ્ટોની ધુંઆધાર બેટિંગને કારણે પંજાબે નવ ઓવરમાં 100 રન પૂરા કરી લીધા હતા. રનગતિ પર લગામ કસવા માટે બેંગ્લોરને સફળતા શાહબાઝ અહેમદે 10મી ઓવરમાં અપાવી હતી. બેરિસ્ટોએ બહાર આવીને પહેલાં બોલને ફટકારવાની કોશિશ કરી પરંતુ શોર્ટ થર્ડ મેન પર સીરાજે તેનો કેચ પકડી લીધો હતો. બેંગ્લોર વતી હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં બે વિકેટથી ચાર ઓવરમાં ચાર વિકેટ ખેડવી હતી.

આજે પ્લેઑફમાં પાક્કું કરવા મેદાને ઉતરશે હૈદરાબાદ
સતત ચાર મેચમાં હાર બાદ વાપસી માટે સંઘર્ષ કરી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લેઑફની આશા જીવંત રાખવા માટે આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે જીતવું જ પડશે. હૈદરાબાદે પોતાની બોલિંગની સમસ્યાઓને સુધારવી પડશે. સતત પાંચ મેચમાં જીત બાદ ચાર હારથી હૈદરાબાદની પ્લેઑફમાં પહોંચવાની આશાને જોરદાર ઝટકો લાગ્યો છે. તેણે આગળ વધવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. કોલકત્તાના 12 મેચમાં 10 પોઈન્ટ છે અને તેની સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement