નવીદિલ્હી, તા.14
દિલ્હી હાઈકોર્ટે અપીલના ઉકેલમાં જરૂર કરતાં વધુ વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરવાની અમુક માત્રાથી બચી શકાય નહીં પરંતુ કેસના પેન્ડીંગ રહેવા અથવા અપરાધીક અપીલના નિકાલની સમયમર્યાદા કારણ વગર લાંબી થઈ જાય છે જેના કારણે કલમ-21 (વ્યક્તિગત જીવન અથવા આઝાદીનો અધિકાર)માં નિહિત નિષ્પક્ષતા માટે મોટો ઝટકો લાગી રહ્યો છે.
જસ્ટિસ ચંદ્રધારી સિંહે આ ટીપ્પણી 2007માં દાખલ કરવામાં આવેલી એક અપીલનો ઉકેલ લાવતાં કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ અપીલ 2007થી પેન્ડીંગ છે. અપીલ દાખલ કરનારા વ્યક્તિને આઈપીસીની કલમ 366/506/34ની કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે 9 જાન્યુઆરી-2007માં આ અંગે ચુકાદો આપ્યો હતો.
ઘટના 25 ડિસેમ્બર 1998ની છે. જસ્ટિસ સિંહે કહ્યું કે હાઈકોર્ટમાં પેન્ડીંગ અપરાધીક અપીલોના ઉકેલમાં વિલંબ એ તમામ લોકો માટે ગંભીર ચિંતાનો વિષય છે જે અપરાધીક ન્યાયના તંત્ર સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે વારંવાર એ તથ્ય પર જોર આપ્યું છે કે ઝડપી ટ્રાયલ અથવા હાઈકોર્ટ સામે પેન્ડીંગ અપરાધીક અપીલનો નિકાલ ભારતીય બંધારણની કલમ 21માં એક મૌલિક અધિકાર છે. આ કલમ દરેક વ્યક્તિને જીવન અથવા સ્વતંત્રતાના અધિકારથી વંચિત નહીં રાખવાનો અધિકાર આપે છે. જો કોઈ વ્યક્તિ આવી પ્રક્રિયા હેઠળ પોતાની આઝાદીથી વંચિત છે તો તે બંધારણે આપેલા અધિકારનું ઉલ્લંઘન ગણાશે.
હાઈકોર્ટે જસવીર સિંહની અપીલ મંજૂર કરી લીધી છે અને તેને લગભગ 24 વર્ષ જૂના કેસમાં શંકાનો લાભ આપતાં છોડી મુક્યો છે. કેસ એક સગીરનું અપહરણ કરીને ધમકાવવાના આરોપ સાથે જોડાયેલો હતો. ટ્રાયલ કોર્ટે આ અપરાધો માટે તેને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. તે જામીન પર જેલમાંથી બહાર હતો. હાઈકોર્ટે બચાવ પક્ષે કરેલા કેસ પર શંકા વ્યક્ત કરતાં આ લાભ આપ્યો છે.